ઈઝરાયલ-હમાસનું યુદ્ધવિરામ અસંભવ ! હિઝબુલ્લાએ નેતન્યાહૂ-ટ્રમ્પની ઓફર ઠુકરાવી, કહ્યું- ‘અમે ધમકીથી ડરતા નથી’
Israel-Hamas War : ઈઝરાયલ-હમાસ વચ્ચે 21 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામના પ્રયાસો કરી રહ્યા છે. યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માટે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાવાની છે. ઈઝરાયલ-અમેરિકાએ હમાસને હથિયારો છોડી દેવાની ઓફર કરી છે, જેને હિઝબુલ્લા ફગાવી દીધી છે. લેબનીઝ શિયા ઇસ્લામિક રાજકીય પક્ષ અને અર્ધલશ્કરી ગ્રૂપના નેતા નઈમ કાસિમે હજારો લોકોને સંબોધન કરતી વખતે કહ્યું કે, ‘અમારુ સંગઠન અત્યાર અને પછી પણ હથિયારો છોડશે નહીં.’
અમે ઈઝરાયલની ધમકીઓથી ડરતા નથી : નૈમ કાસિમ
આશૂરા ઉત્વસમાં હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા હિઝબુલ્લાહના નેતાએ સ્પષ્ટ કહ્યું કે, અમારુ સંગઠન ઈઝરાયલની ધમકી આગળ ઝુંકશે નહીં. ઉત્સવમાં કાળા કપડાં પહેરીનો હજારો સમર્થકો સામેલ થયા હતા અને લોકોએ હિઝબુલ્લા, લેબનોન, પેલેસ્ટાઈની અને ઈરાનના ઝંડા લહેરાવ્યા હતા. હિઝબુલ્લાહના નેતા નઈમ કાસિમે (Hezbollah leader Naim Qassem) કહ્યું કે, ‘ઈઝારયલની ધમકી અમને આત્મસમ્પણ કરવા માટે મજબૂર ન કરી શકે. જ્યાં સુધી ઈઝરાયલ હુમલા બંધ નહીં કરે, ત્યાં સુધી અમે હથિયારો છોડીશું નહીં. ઈઝરાયલે પહેલા અમારા બંદીઓને છોડવા પડશે અને યુદ્ધવિરામનું પાલન કરવું જોઈએ.’
ઈઝરાયલ શાંતિ સમજૂતીનું પાલન કરે : હિઝબુલ્લા
ગત વર્ષે ઈઝરાયલ-હિઝબુલ્લાના યુદ્ધ બાદ લેબનોનમાં નવી સરકાર બની હતી. સરકારનું કહેવું છે કે, દેશમાં માત્ર સરકાર પાસે હથિયારો રાખવાનો અધિકાર છે. જોકે હિઝબુલ્લાનું કહેવું છે કે, ઈઝરાયલ શાંતિ સમજૂતીનું પાલન કરશે, ત્યારે જ યુદ્ધવિરામ પર વાતચીત કરવી સંભવ બનશે. યુએન યુદ્ધવિરામ કરાર મુજબ, હિઝબુલ્લાહ લિતાની નદીની ઉત્તરે જવાનો હતો અને ઈઝરાયલે લેબનોનમાંથી સંપૂર્ણપણે પીછેહઠ કરવાની હતી. પરંતુ ઈઝરાયલ હજુ પણ પાંચ વિસ્તારોમાં હાજર છે અને હિઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યું છે.
ટ્રમ્પ-નેતન્યાહૂની મુલાકાત પહેલા ગાઝામાં ભયાનક હુમલો
ઈઝરાયલે ફરી ગાઝા પર ભયાનક હુમલો કર્યો છે. ઈઝરાયેલી સેના ગાઝામાં 130 સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં 33 લોકોના મોત થયા છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu) યુદ્ધવિરામની સંભાવનાઓની ચર્ચા કરવા માટે અમેરિકાના જવાના છે. અહીં તેઓ વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (American President Donald Trump) સાથે વાર્તા કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામ કરાવવા માટે પ્રાથમિક પ્લાન રજૂ કર્યો છે. યોજનામાં 60 દિવસનું યુદ્ધવિરામ કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત માનવીય સહાયતા વધારવાનો અને હમાસે બંદી બનાવેલા ઈઝરાયલના લોકોને છોડી મૂકવાનો પણ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 21 મહિનાથી ભયાનક ચાલી રહ્યું છે. સૌથી ભયાવહ પરિસ્થિતિનો સામનો કરી રહેલા ગાઝામાં માનવ સંકટ સર્જાયું છે, અહીં અનેક લોકો વિસ્થાપિત થઈ ગયા છે, તો અનેક લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, તેથી આ સંકટ ટાળવા યુદ્ધવિરામ માટે વાતચીત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.