રાફેલને બદનામ કરવા ચીન-પાકિસ્તાનનું નવું તરકટ, બંને દેશો જુઠ્ઠાણું ફેલાવતા હોવાનો ફ્રાન્સના ગુપ્ત રિપોર્ટમાં દાવો
Rafale Fighter Jet : ફ્રાન્સની સેના અને ગુપ્તચર એજન્સીઓએ એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ચીન તેના દૂતાવાસો દ્વારા ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટ વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે અને ફ્રાન્સના ફાઈટર જેટની ક્ષમતા પર શંકા ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખાસ કરીને મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ પછી આ જુઠ્ઠાણું વધ્યું છે. ચીન તેના ફાઈટર જેટને રાફેલ ફાઇટર જેટ કરતાં વધુ સારા હોવાનો ઢોંગ કરી રહ્યો છે.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે જુઠ્ઠાણું ફેલાવાયું
રિપોર્ટ મુજબ ચીની દૂતાવાસોમાં તૈનાત સંરક્ષણ એટેચર્સ વિવિધ દેશોને રાફેલ ફાઈટર જેટ ન ખરીદવા વિનંતી કરી રહ્યા છે. રાફેલ જેટ ખરીદવાનું વિચારી રહેલા ઈન્ડોનેશિયાને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ચીન તેના ફાઇટર વિમાનોને પ્રોત્સાહન આપી રહ્યું છે અને વિવિધ દેશો પર તે ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે. બીજીતરફ ફ્રાન્સનું કહેવું છે કે, રાફેલ વિમાનને નિશાન બનાવીને તેના સંરક્ષણ ઔદ્યોગિક અને અત્યાધુનિક વિશ્વસનીયતાને નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાફેલ બનાવતી ફ્રાન્સની દસોલ્ટ એવિએશનએ અત્યાર સુધીમાં 533 રાફેલ જેટ વેચ્યા છે, આમાંથી 323 જેટ ઈજિપ્ત, ભારત, કતાર, ગ્રીસ, ક્રોએશિયા, સંયુક્ત આરબ અમીરાત, સર્બિયા અને ઇન્ડોનેશિયામાં નિકાસ કરવામાં આવ્યા છે.
પહલગામ હુમલા બાદ ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું વધ્યું
પહેલગામ આતંકવાદી હુમલા પછી મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયું હતું, જેમાં મિસાઈલો અને ફાઈટર વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચીન લશ્કરી નિષ્ણાતો હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પાકિસ્તાનના ચીની બનાવટના શસ્ત્રો, ખાસ કરીને ફાઈટર વિમાનોએ ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઇટર જેટ સામે કેવી કામગીરી કરી. પાકિસ્તાનનો દાવો કર્યો હતો કે, તેણે ત્રણ રાફેલ જેટ સહિત પાંચ ભારતીય ફાઈટર વિમાનોને તોડી પાડ્યા હતા. જોકે, ફ્રાન્સના વાયુસેનાના વડા જનરલ જેરોમ બેલાંગરે કહ્યું હતું કે, ભારતે કદાચ ત્રણ ફાઈટર વિમાનો ગુમાવ્યા છે, જેમાં એક રાફેલ, એક સુખોઈ અને એક મિરાજ 2000નો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવવાની ઝુંબેશ
ફ્રાન્સનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસની અથડામણ પછી રાફેલ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન શરૂ થયું છે. પાકિસ્તાન અને ચીન દ્વારા સોશિયલ મીડિયા પર રાફેલ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેમાં વાયરલ પોસ્ટ્સ, રાફેલના કાટમાળના ફોટા, AI દ્વારા બનાવેલ કન્ટેન્ટ અને વિડીયો ગેમનો ઉપયોગ કરાયો હતો. ફ્રેન્ચ સંશોધકોના દાવા મુજબ, ભારત-પાકિસ્તાન અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 1000 નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા, જેમાં રાફેલને નિષ્ફળ જેટ અને ચીની વિમાનોની ટેકનોલોજીને વધુ સારી ગણાવવામાં આવી હતી.
ફ્રાન્સ અને ચીને શું કહ્યું ?
ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, રાફેલને જુઠ્ઠાણાં અભિયાનથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે. અભિયાનમાં ચીનના હથિયારોને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાફેલ વિરુદ્ધ અભિયાનના આરોપો પર, બેઇજિંગે કહ્યું કે, આ દાવાઓ પાયાવિહોણા અફવાઓ અને નિંદા છે. ચીને હંમેશા લશ્કરી નિકાસ માટે સમજદાર અને જવાબદાર અભિગમ અપનાવ્યો છે. ચીન પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં સતત રચનાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે.
આ પણ વાંચો : રાતા સમુદ્રમાં બ્રિટિશ જહાજ પર હુમલો, રૉકેટ ઝિંકાયા, યમનના દરિયાકાંઠા પાસે બની ઘટના