VIDEO : ઈરાન પર ઈઝરાયલના ભયાનક હુમલાના CCTV સામે આવ્યા, ફિલ્મથી ખતરનાક દૃશ્ય
Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધવિરામ ચોક્કસપણે થયો છે પરંતુ તેનો ખોફ હજુ પણ બાકી છે. બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈઝરાયલના ઈરાન પર હુમલાનો એક કાળજુ કંપવાનારો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિના રૂવાંડા ઊભા થઈ જશે. ઈઝરાયલે આ હુમલો ઈરાનની રાજધાની તેહરાન પર કર્યો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે આવા ભયાનક દ્રશ્યો ફિલ્મોમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. જોકે અમે આ વીડિયોની પુષ્ટી નથી કરતા.
હુમલાનો ભયાનક વીડિયો આવ્યો સામે
ઈઝરાયલે ઓપરેશન 'રાઈઝિંગ લાયન' દરમિયાન આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલાનો ભયાનક વીડિયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ઈઝરાયલી વાયુસેનાએ 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાનની રાજધાની તેહરાનમાં સરકારી ઈમારત પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાની હવે ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલય દ્વારા તપાસ ચાલી રહી છે. એવું કહેવાય છે કે આ હુમલાઓનું લક્ષ્ય તેહરાનના ઉત્તર ભાગમાં જિલ્લા 1માં ઈરાની શાસન સાથે સંકળાયેલી એક ઈમારત હતી. તેમાં ઓછામાં ઓછી બે મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક મિસાઈલે ઈમારતને ટાર્ગેટ કરી. જ્યારે બીજી મિસાઈલ ચૂકી ગઈ અને તેના બદલે તેણે નજીકના તજરીશ રાઉન્ડઅબાઉટ પર પાર્ક કરેલા ઘણા વાહનોને નુકસાન પહોંચાડ્યું.
કાર રમકડાંની જેમ હવામાં ઉડી
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસ પાર્ક કરેલી કાર રમકડાંની જેમ હવામાં ઘણા ફૂટ ઉપર ઉડી ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર હવામાં રમકડાંની જેમ ઉડી રહી છે. બીજી તરફ નજીકની એક ઈમારત હુમલા બાદ ધરાશાયી થતી દેખાઈ રહી છે. સામાન્ય રીતે આવા વિસ્ફોટના દૃશ્ય માત્ર કોઈ હોલિવૂડની ફિલ્મોમાં જ જોવા મળે છે. આ વીડિયો જોઈને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીનો અંદાજો લગાવી શકાય છે.
આ પણ વાંચો: આ કેવું સીઝફાયર? ગાઝામાં બે દિવસમાં 300 લોકોના મોત, ઈઝરાયલે 26થી વધુ હુમલા કર્યા
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ
ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા 12 દિવસના હુમલામાં તેના ટોપ જનરલ, સૈન્ય કમાન્ડર અને પરમાણુ વિજ્ઞાનીઓ સહિત કુલ 935 લોકો માર્યા ગયા છે. જ્યારે સેંકડો ઈમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાને પણ ઘાતક રીતે ટાર્ગેટ કર્યા છે, જેમાં તેના મહત્વપૂર્ણ ઠેકાણા તબાહ થઈ ગયા છે. આ હુમલાઓમાં ઈરાનના સૈન્ય ઠેકાણા અને મિસાઈલ સ્ટોરેજને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ પર ઘણા મોટા હુમલા કર્યા. ઈરાનના ઈઝરાયલ પરના હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા. આ આંકડો IDF દ્વારા આપવામાં આવ્યો છે.