Get The App

ઈરાન-અમેરિકા લડતા રહ્યા અને નેતન્યાહૂએ કરી નાખ્યો 'ખેલ', લેબેનૉનના સૈન્યનું 'સરન્ડર'

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
Lebanese Army withdrawal


Lebanese Army withdrawal: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક નવા વળાંક પર પહોંચ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ઈરાન સાથે સમજૂતીની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઈઝરાયલ લેબેનૉનમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, લેબેનૉન સેનાએ દક્ષિણ લેબેનૉનના બે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના શહેરો, રમીશ(Rmeish) અને એઈન એબેલ(Ain Ebel)માંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા છે. લગભગ એક મહિના સુધી ચાલેલી લડાઈ બાદ લેબેનૉન સેનાની આ પીછેહઠને ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસ(IDF) માટે મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ઈઝરાયલના આધુનિક શસ્ત્રો સામે લેબેનૉન સેના લાચાર

નિષ્ણાતોના મતે, લેબેનૉનની સત્તાવાર સેના હિઝબુલ્લાહની સરખામણીએ સંસાધનોની દૃષ્ટિએ ઘણી નબળી છે અને તે ઈઝરાયલના આધુનિક શસ્ત્રો અને વાયુસેનાનો સામનો કરી શકે તેવી સ્થિતિમાં નથી. આ શહેરોમાંથી સેનાનું હટવું એ ઈઝરાયલને લેબેનૉનની અંદર પ્રવેશવા માટેનું એક પ્રકારે 'ખુલ્લું આમંત્રણ' માનવામાં આવે છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લાંબા સમયથી દક્ષિણ લેબેનૉનમાં એક 'બફર ઝોન' બનાવવા માંગતા હતા જેથી હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓને અટકાવી શકાય. હવે લેબેનૉન સેનાના હટવાથી આ વિસ્તારોમાં ઈઝરાયલી ટેન્કો અને હિઝબુલ્લાહના લડવૈયાઓ આમને સામને આવી શકે છે.

આ પણ વાંચો: LIVE: આવતીકાલે ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધશે, ઈરાનમાં મોટો હુમલો, ખામેનેઈ અંગે લેટેસ્ટ અપડેટ

ગાઝા અને ઈરાન બાદ હવે લેબેનૉનમાં પણ ઈઝરાયલની મજબૂત પકડ

આ ઘટનાક્રમ મધ્ય પૂર્વના જંગમાં ઈઝરાયલ માટે એક મોટી સૈન્ય જીત સમાન છે. ગાઝા અને ઈરાન બાદ હવે લેબેનૉનમાં પણ ઈઝરાયલને ઓછી મહેનતે રસ્તો મળી રહ્યો હોય તેવું જણાય છે. લેબેનૉન પ્રશાસન કદાચ હવે વધુ તબાહી સહન કરવા તૈયાર નથી, જેના કારણે સેનાને પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો હોઈ શકે છે. જોકે, સેનાના હટવાથી આ વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે અને લોકો ઉત્તર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. માનવામાં આવે છે કે આગામી 24થી 48 કલાકમાં ઈઝરાયલ આ વિસ્તારોમાં 'ક્લીન-અપ ઓપરેશન' શરૂ કરી હિઝબુલ્લાહના ઠેકાણાઓ અને સુરંગોને નષ્ટ કરવાની પ્રક્રિયા તેજ કરશે.

ઈરાન-અમેરિકા લડતા રહ્યા અને નેતન્યાહૂએ કરી નાખ્યો 'ખેલ', લેબેનૉનના સૈન્યનું 'સરન્ડર' 2 - image