લંડનમાં ઈસ્કોન મંદિરના પાંચ ભાવિકોના કોરોનાથી મોત, બીજા સેંકડો પોઝિટિવ
લંડન, તા.12 એપ્રિલ 2020, રવિવાર
લંડનમાં ઈસ્કોન મંદિર સાથે જોડાયેલા શ્રધ્ધાળુઓમાં કોરોના વાયરસ મોટા પાયે ફેલાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ભાવિકો 12 માર્ચે એક વ્યક્તિના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. લગભગ 1000 લોકો તેમાં હાજર રહતા. હવે મળતી વિગતો પ્રમાણે આ પૈકીના પાંચ વ્યક્તિઓના કથિત રીતે કોરોના વાયરસના કારણે મોત નિપજ્યા છે અને બીજા 21 વ્યક્તિઓ પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતુ. આ તમામ લોકો અંતિમ સંસ્કારમાં હાજર હતા.
રિપોર્ટ પ્રમાણે કેટલાકની હાલત ગંભીર છે. જેમાં 30 થી 40 વર્ષના લોકો પણ સામેલ છે. ઈસ્કોન મંદિરના મેનેજમેન્ટે ભાવિકોનો બચાવ કરતા કહ્યુ હતુ કે, જ્યારે અંતિમ સંસ્કાર થયા ત્યારે બ્રિટનમાં લોકડાઉન લાગુ નહોતુ. એ પછી ઈસ્કોને 16 માર્ચે જ પોતાના મંદિરો બધ કરી દીધા હતા. તેના એક સપ્તાહ પછી સત્તાવાર રીતે લોકડાઉન લાગુ કરાયુ હતુ.
મંદિર સાથે જોડાયેલા પદાધિકારી પ્રઘોષ દાસના કહેવા પ્રમાણે હવે એવુ લાગે છે કે, આ પ્રકારની સ્થિતિ ટાળી શકાઈ હોત. પણ તે વખતે અમારી પાસે આજે સાવચેતી રાખવા માટે જેટલી જાણકારી છે તેટલી નહોતી.
સોશ્યલ મીડિયા પર તો દાવો થઈ રહ્યો છે કે, મંદિર સાથે જોડાયેલા 100 જેટલા ભાવિકો કોરોના પોઝિટિવ હોવાની શક્યતા છે.