જિનપિંગને બળવાનો ડર? ચીનના પાવરફૂલ મિલિટરી કમાન્ડરોની તાત્કાલિક હકાલપટ્ટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China Military Corruption : ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરકારે એક સાથે અનેક મોટા લશ્કરી અધિકારીઓ અને નેતાઓને તેમના હોદ્દા પરથી હટાવી દીધા છે. સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, ચીનની ટોચની કાયદાકીય સંસ્થા 'નેશનલ પીપલ્સ કોંગ્રેસ' માંથી 6 લશ્કરી સાંસદો (કમાન્ડરો) અને 2 મોટા નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ કાર્યવાહી પાછળનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
રાષ્ટ્રપતિ જિનપિંગની મોટી કાર્યવાહી
આ આકરી કાર્યવાહીને રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોથી આ અભિયાન ચાલી રહ્યું છે, જેના હેઠળ સેનાના અનેક ટોચના જનરલો અને અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરીને તેમને પદ પરથી બેદખલ કરવામાં આવ્યા છે.
આ મોટા નેતાઓ પણ લિસ્ટમાં સામેલ
પદ પરથી હટાવવામાં આવેલા લોકોમાં માત્ર સૈન્ય અધિકારીઓ જ નહીં, પરંતુ 2 મોટા નેતાઓ પણ સામેલ છે. જેમાં પૂર્વ નાણાકીય નિયામક પ્રમુખ લી યુંઝે અને તાજેતરમાં તપાસના દાયરામાં આવેલા પોલિત બ્યુરોના સભ્ય મા શિંગરુઈનું નામ મુખ્ય છે. જો કે, ચીનના સંરક્ષણ મંત્રાલયે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
હથિયાર વિભાગના પ્રમુખની બાદબાકી
હટાવવામાં આવેલા સૈન્ય સાંસદોમાં સૌથી મોટું નામ જનરલ શૂ શ્યુછિયાંગનું છે. તેઓ સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઇક્વિપમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના વડા હતા, જે ચીનની સેના (PLA) માટે હથિયારોની ખરીદી અને ટેસ્ટિંગનું કામ જોતો હતો. આ સિવાય તેઓ વર્ષ 2022 થી ચીનના સ્પેસ પ્રોગ્રામના કમાન્ડર-ઇન-ચીફ પણ હતા.
અન્ય કયા કમાન્ડરો પર પડી ગાજ?
જનરલ શૂ ઉપરાંત વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પોલિતિકલ કમિશનર જનરલ લી ફેંગબિયાઓ અને PLA એરફોર્સના પોલિતિકલ કમિશનર જનરલ ગુઓ પુક્ષિયાઓને પણ હટાવી દેવાયા છે. આ સિવાય ઇસ્ટેર્ન થિયેટર કમાન્ડમાંથી વાંગ કાંગપિંગ, સાયબરસ્પેસ ફોર્સમાંથી ઝાંગ મિંગહુઆ અને આર્મીમાંથી યિન હોંગશિંગ પર ગાજ પડી છે. હાલમાં આ તમામ 6 સૈન્ય અધિકારીઓનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી અને તેમની તરફથી પણ કોઈ નિવેદન સામે આવ્યું નથી.









