'ઈરાને મોટી ભૂલ કરી, હવે ભોગવવા તૈયાર રહે...', ભયાનક હુમલા બાદ વડાપ્રધાન નેતન્યાહૂની ધમકી
Iran attack and Nentanyahu News | ઈઝરાયેલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા પછી મધ્ય-પૂર્વમાં દુનિયાને જેનો ડર સતાવી રહ્યો હતો તે આખરે સાચો પડયો છે. ઈઝરાયેલે અગાઉથી આપેલી ચેતવણી મુજબ તેનું સૈન્ય મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઘૂસ્યું હતું અને જમીની હુમલો કરતા હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતા. બીજીબાજુ અંતે ઈરાન પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કૂદી પડયું છે. ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર 100થી વધુ મિસાઈલનો મારો કર્યો હોવાનો આઈડીએફે દાવો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલમાં તેલ અવિવ નજીક આતંકી હુમલો પણ થયો છે.
ઈરાને આખરે મંગળવારે રાતે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો છે. ઈરાને ઈઝરાયેલના અનેક વિસ્તારો પર 500થી વધુ મિસાઈલ છોડયા છે. ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાનના આ હુમલાની અમેરિકાએ અગાઉથી જ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકન પ્રમુખ બાઈડેને ઈરાનની મિસાઈલોને તોડી પાડવા માટે તેના સૈન્યને આદેશ આપ્યો છે. આ હુમલા બાદ નેતન્યાહૂએ ધમકી આપી હતી કે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી દીધી છે, હવે તેણે કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ.
નેતન્યાહૂએ ઈરાન તરફથી હુમલો બંધ થયા બાદ સાંજે કહ્યું કે ઈઝરાયલ પર કરાયેલો ઈરાનનો હુમલો નિષ્ફળ રહ્યો છે. અમારી ડિફેન્સ સિસ્ટમે તેને નિષ્ફળ બનાવ્યો. હવે અમે જ સ્થળ અને સમય નક્કી કરીને ઈરાનને આ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું. નેતન્યાહૂએ આ હુમલાનો સામનો કરવામાં મદદ કરનારા અમેરિકાને પણ આભાર વ્યક્ત કર્યો હતો. જોકે ઈઝરાયલ દ્વારા ઈરાનથી બદલો લેવા અંગે નેતન્યાહૂની ધમકીથી દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઈ છે અને ફરી એકવાર વિશ્વયુદ્ધ શરૂ થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, તેમણે લાખો નાગરિકોને બોમ્બ શેલ્ટરોમાં સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે. ઈઝરાયેલે તેની સત્તાવાર એક્સ પોસ્ટ પર ઈરાનના હુમલાના કેટલાક વીડિયો શૅર કર્યા હતા, જેમાં ઈઝરાયેલની મિસાઈલો ઈરાનની મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરતી જોવા મળે છે. ઈરાનના આ હુમલામાં બે તેલ અવિવમાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા પછી ઈરાને ચેતવણી આપી હતી કે ઝાયોનિસ્ટ શાસનના આતંકી હુમલાઓ સામે આ અમારી કાયદાકીય, તર્કસંગત પ્રતિક્રિયા છે. તહેરાનમાં હમાસના વડા હાનિયેહ, લેબનોનમાં હિઝબુલ્લાહ ના વડા નસરલ્લાહના મોતનો બદલો લેવા આ હુમલો કરાયો છે. ઈઝરાયેલ આ હુમલા સામે જવાબી કાર્યવાહી કરશે તો તહેરાનની પ્રતિક્રિયા વધુ વિનાશક હશે. ઈરાનના આ હુમલા વચ્ચે અમેરિકન પ્રમુખ બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરીસ તેમજ વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે ચર્ચા કરી હતી.
આ પહેલાં લેબનોનમાં હિઝબુલ્લાહ ના વડા નસરલ્લાહને ખતમ કર્યા પછી ઈઝરાયેલે મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશનની ચેતવણી આપી હતી, જે મુજબ ઈઝરાયેલના સૈન્યે મંગળવારે દક્ષિણ લેબનોનમાં પ્રવેશ કરીને હિઝબુલ્લાહ ના સ્થળોને નિશાન બનાવ્યા છે. આ સાથે આઈડીએફે હિઝબુલ્લાહ ના આતંકીઓ વિરુદ્ધ નવો મોરચો ખોલી દીધો છે.
આઈડીએફે એક્સ પોસ્ટ પર કહ્યું કે થોડાક કલાક પહેલાં જ અમારા સૈન્યે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ ના આતંકી સ્થળો વિરુદ્ધ ગુપ્ત બાતમીના આધારે મર્યાદિત અને ટાર્ગેટેડ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. ઈઝરાયેલની એરફોર્સ અને આર્ટિલરીએ ગ્રાઉન્ડ ફોર્સને મદદ કરવા ટાર્ગેટેડ હુમલા ચાલુ રાખ્યા છે.
બીજીબાજુ હિઝબુલ્લાહ ે દાવો કર્યો છે કે તેણે તેલ અવિવમાં મોસાદના મુખ્યાલય પર મિસાઈલ હુમલો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલ પોલીસે જણાવ્યું હતું કે, તેલ અવિવની નજીક જાફામાં આતંકી હુમલો થયો હતો. બે આતંકીઓએ જાફામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને સાત લોકો ઘાયલ થયા હતા.
ઈઝરાયેલ પોલીસે બંને આતંકીઓને ઠાર કરી દીધા છે તેમ ઈઝરાયેલે તેની સત્તાવાર એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું. ગોળીબારની આ ઘટના મધ્ય ઈઝરાયેલમાં લાઈટ રેલવે સ્ટેશન પાસે થઈ હતી. ટ્રેનમાંથી ઉતરતી વખતે સુરક્ષા દળોએ બંને આતંકીને ઠાર કર્યા હતા. જોકે, તેમને આ વિસ્તારમાં હજુ એક આતંકી હોવાની આશંકા છે.