- ઈરાન-અમેરિકા યુદ્ધ ક્યારે, કેવો વળાંક લેશે તે કહી શકાય નહીં
- ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી ઓમાન ગયા, બે વખત પાકિસ્તાન પણ ગયા હતા, તે પછી હવે રશિયા પહોંચી ગયા છે
નવી દિલ્હી : અમેરિકા-ઈરાન યુદ્ધ બંધ કરવા માટેની શાંતિ મંત્રણા અધ્ધરતાલ રહી છે, ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે રશિયા પહોંચી ગયા છે. ઈરાનનાં વિદેશ મંત્રાલયે ટેલીગ્રામ પર જણાવ્યું હતું કે, અરાઘચી સેન્ટ પીટર્સબર્ગ પહોંચી ગયા છે. જ્યાં તેઓ રશિયાના પ્રમુખ પુતિનને મળવા સંભવ છે. આ પહેલાં અરાઘચી ઈસ્લામાબાદ ગયા હતા, પછી ઓમાન ગયા. પાછા ઓમાનથી ઈસ્લામાબાદ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે શાંતિ મંત્રણાનો બીજો દોર યોજાવાનો હતો, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રતિનિધિઓ સ્ટીલ વિટકોફ અને જારેડ કુશનરને ઈસ્લામાબાદ જવાની સ્પષ્ટ 'ના' પાડી હતી અને કહ્યું હતું કે, 'નકામી મંત્રણા માટે અઢાર-અઢાર કલાકની મુસાફરી કરવી નિરર્થક છે.' હવે ઈરાનને વાત કરવી જ હોય તો ફોન ઉપર વાત કરે, કે તે પોતે જ વોશિંગ્ટન આવે.
બીજી તરફ અમેરિકી મીડીયા હાઉસ એકસીયોસે રવિવારે જણાવ્યું હતું કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટસ ફરી ખોલવા અને યુદ્ધ ખતમ કરવા નવો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં કહ્યું છે કે પરમાણું કાર્યક્રમ અંગે મંત્રણા પછીથી થઈ શકે, પહેલાં યુદ્ધ ખતમ થઈ જાય. ઈરાનની ન્યૂઝ એજન્સી ઈરનાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.
અમેરિકા-ઈરાન યુદ્ધ અત્યારે તો સીઝ ફાયરને લીધે અટક્યું છે પરંતુ તેની આર્થિક અસર સમગ્ર દુનિયાને થઈ રહી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ કરાવી તેથી અમેરિકા સહિત દુનિયાભરમાં તેલ-ગેસની કિંમત વધી ગઈ છે. અમેરિકામાં ટ્રમ્પ ઉપર પણ યુદ્ધ બંધ કરવા દબાણ થઈ રહ્યું છે. નવેમ્બરમાં મધ્યાવર્તિ ચૂંટણીઓ થવાની છે, અમેરિકાના બહુસંખ્ય લોકોને આ યુદ્ધ પસંદ નથી.
બીજી તરફ ઈરાન કે અમેરિકા કોઈ નમતું જોખવા તૈયાર નથી તેમાં 'રશિયન ફેક્ટર' ઉમેરાશે તો યુદ્ધ ક્યારે અને કેવો વળાંક લેશે તે કહી શકાય તેમ નથી.


