World

'ન તો રેડિયેશન લીક, ન કોઈ નુકસાન...', અમેરિકાનો હુમલો નિષ્ફળ રહ્યાનો ઈરાનના સાંસદનો દાવો

By GS TEAM
22 Jun 20254 mins read
TukuTouch Logo
અમેરિકા તરફથી ત્રણ પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યા બાદ ઈરાનનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. ઈરાનનું કહેવું છે કે, તેની ન્યૂક્લિયર સાઇટ્સને કોઈ નુકસાન નથી થયું અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ સાથે જ રેડિએશનલ લીકના જોખમથી પણ ઈનકાર કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ન તો રેડિયેશન લીક, ન કોઈ નુકસાન...', અમેરિકાનો હુમલો નિષ્ફળ રહ્યાનો ઈરાનના સાંસદનો દાવો

Israel-Iran War: અમેરિકા તરફથી ત્રણ પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યા બાદ ઈરાનનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. ઈરાનનું કહેવું છે કે, તેની ન્યૂક્લિયર સાઇટ્સને કોઈ નુકસાન નથી થયું અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ સાથે જ રેડિએશનલ લીકના જોખમથી પણ ઈનકાર કરી દીધો છે. 

ઈરાનની સરકારી મીડિયાના અહેવાલો દ્વારા આ જાણકારી સામે આવી છે કે, ઈરાનની પરમાણુ ઊર્જા સંસ્થા (AEOI)એ રવિવારે અમેરિકન હવાઈ હુમલા બાદ દેશના પ્રમુખ પરમાણુ ઠેકાણા પર કોઈપણ પ્રકારના રેડિએશન લીકના જોખમથી ઈનકાર કરી દીધો છે. 

વિદેશ મંત્રીએ શું કહ્યું?

ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચી કહે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરીને યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને એનપીટીનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાનો હુમલો અપમાનજનક છે અને તેના લાંબા ગાળાના પરિણામો આવશે. સંયુક્ત રાષ્ટ્રના દરેક સભ્યએ અમેરિકાના ખતરનાક, અરાજક અને ગુનાહિત વર્તન અંગે ચિંતિત રહેવું જોઈએ. ઈરાન પર અમેરિકાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.


ઈરાનના સાંસદનું પણ મોટું નિવેદન 

ઈરાની સાંસદ મનન રાયસીએ કહ્યું કે ફોર્ડો પરમાણુ સ્થળને બહુ ગંભીર નુકસાન થયું નથી. ભૂગર્ભમાં આવેલા પરમાણુ સ્થળ પર હુમલો ઉપરછલ્લો હતો. રાયસીએ કહ્યું કે સચોટ માહિતીના આધારે, હું કહું છું કે  અમેરિકાના પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પના ખોટા દાવાઓથી વિપરીત, ફોર્ડો પરમાણુ સ્થળને બોમ્બ ધડાકાથી બહુ ગંભીર નુકસાન થયું નથી અને જે નુકસાન થયું છે તે ફક્ત જમીન પર જ થયું છે, જેને પુનઃસ્થાપિત કરી શકાય છે. તેમણે કહ્યું કે અમેરિકાના હુમલા બાદ કોઈ રેડિએશન લીક થયાની માહિતી નથી. 

આ પણ વાંચોઃ યુદ્ધમાં USની એન્ટ્રી બાદ ઈરાન 'Strait Of Hormuz' બંધ કરે તો આખી દુનિયા ટેન્શનમાં મૂકાશે!

'ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નહીં અટકે'

સંગઠને જનતાને આશ્વાસન આપતા કહ્યું કે, સુરક્ષા તપાસમાં કોઈપણ પ્રકારના રેડિએશનની જાણ નથી થઈ. આ સાથે જ સંસ્થાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, દેશના પરમાણુ કાર્યક્રમ, જેને તેમણે 'નેશનલ ઇન્ડસ્ટ્રી' કરાર કરી દીધો, તે આ હુમલા છતા નહીં રૂકે. 

ઈરાનની પરમાણુ ઊર્જા સંસ્થાએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરાર કરી દીધો છે અને કહ્યું કે, એજન્સીએ પોતાના રાષ્ટ્રીય હિતની સુરક્ષા માટે કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી ચુકી છે. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ હુમલાની નિંદા કરવા અને શાંતિપૂર્ણ પરમાણુ વિકાસના અધિકારમાં ઈરાનનું સમર્થન કરવા માટેની અપીલ કરી છે. 

બી-2 સ્પિરિટ સ્ટીલ્થ બૉમ્બર્સથી વરસાવ્યા બોમ્બ

ભારતીય સમયાનુસાર, રવિવારે સવારે અમેરિકાએ ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સને નિશાનો બનાવી હતી. અમેરિકાના બી2 બોમ્બર્સે ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનમાં પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકાએ આ ઓપરેશન માટે અત્યાધુનિક બી-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર્સનો ઉપયોગ કર્યો હતો, જે અમેરિકાની વાયુસેનાના સૌથી એડવાન્સ વ્યૂહાત્મક પ્લેટફોર્મમાં ગણાય છે.

આ પણ વાંચોઃ VIDEO: અમેરિકાના હુમલા બાદ અકળાયેલા ઈરાને ઈઝરાયલના બે શહેરોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાને ખૂબ જ સફળ ઓપરેશન કરાર કરી દીધો અને દાવો કર્યો કે, ફોર્ડો સેન્ટર, જેને ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સૌથી મહત્ત્વનો ભાગ માનવામાં આવતો હતો, હવે સંપૂર્ણ રીતે તબાહ કરી દેવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, 'ફોર્ડો હવે બરબાદ થઈ ચુક્યું છે.'

પરમાણુ સાઇટ કેટલી ઊંડાઈએ છે?

અમેરિકાનું લક્ષ્ય ઈરાનનું ફોર્ડો પરમાણુ સ્થળ છે. ઈઝરાયલનું લક્ષ્ય પણ ઈરાનના આ પરમાણુ સ્થળને સંપૂર્ણપણે નાશ કરવાનું છે, પરંતુ ઇઝરાયલ માટે આમ કરવું સરળ નહોતું. અમેરિકા આ ​​પરમાણુ સ્થળના બધા નિશાન ભૂંસી શકે છે, કારણ કે ફોર્ડો પરમાણુ સ્થળ ટેકરીમાં 295 ફૂટ (90 મીટર) ની ઊંડાઈએ બનેલું છે. આ સ્થળની રચના એવી છે કે ત્યાં પહોંચવું સરળ નથી. તેનું સ્થાન પણ શોધવાનું સરળ નથી. ત્યાં પહોંચવાનો રસ્તો 5 ટનલ કાપીને બનાવવામાં આવ્યો છે. ત્યાં પહોંચવાનો રસ્તો, તેના બંકરો અને મુખ્ય સ્થળ બધું ટેકરીની અંદર બનાવવામાં આવ્યું છે. ફોર્ડો પરમાણુ સ્થળનું નિયંત્રણ પરમાણુ ઉર્જા સંગઠન (AEOI) ના હાથમાં છે. તેમાં યુરેનિયમ પ્યૂરિફિકેશન કરવામાં આવે છે.

પરમાણુ સ્થળની વિશેષતાઓ શું છે?

અમેરિકા સિવાય કોઈ પણ દેશ હવાઈ હુમલા દ્વારા ફોર્ડો પરમાણુ સ્થળનો નાશ ન કરી શકે. આ પરમાણુ પ્લાન્ટ 54000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. આ પ્લાન્ટની અંદર 2 સંવર્ધન હૉલ છે. 3000 IR-1 સેન્ટ્રીફ્યુજ સ્થાપિત છે, જેમાંથી 1044 JCPOA આઇસોટોપ પ્રોડક્શનમાં હોય છે. વર્ષ 2024માં સેન્ટ્રીફ્યુજની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં પ્લાન્ટમાં મેડિકલ સેક્ટર માટે 20% કન્વર્ટેડ યુરેનિયમનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું. માર્ચ 2023માં આ પ્લાન્ટમાં 83.7% શુદ્ધતાવાળું યુરેનિયમ બનાવવામાં આવ્યું. આટલી શુદ્ધતાવળું યુરેનિયમ પરમાણુ હથિયાર (90%) બનાવવા માટે જોઈએ. આ પ્લાન્ટની સુરક્ષા માટે ઈરાને વર્ષ 2016માં રશિયા પાસેથી ખરીદેલું S-300 મિસાઇલ સેફ્ટી સિસ્ટમ તૈનાત કર્યું હતું.