Get The App

ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન ભડક્યું, સેના પ્રમુખે કહ્યું, ‘અમારી યુદ્ધ તૈયારીઓ પહેલા કરતાં વધુ સારી’

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન ભડક્યું, સેના પ્રમુખે કહ્યું, ‘અમારી યુદ્ધ તૈયારીઓ પહેલા કરતાં વધુ સારી’ 1 - image


US-Iran Tensions : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાન સેના પ્રમુખે કડક શબ્દોમાં ધમકી આપી છે. સેના પ્રમુખ મેજર જનરલ અમીર હાતેમીએ આજે (7 જાન્યુઆરી) પોતાના દેશ વિરુદ્ધ નિવેદન મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે દુશ્મનના હુમલા પહેલા હુમલો કરવાની ધમકી આપી છે. તેમનું આ નિવેદન ટ્રમ્પના તે નિવેદન તરફનો ઇશારો મનાય છે, જેમાં તેમણે કહ્યું હતું કે, જો તહેરાન શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા લોકોને હિંસક રીતે મારશે તો અમેરિકા તેમની મદદ માટે પહોંચી જશે.

ઈરાન સરકારે જનઆક્રોશને શાંત કરવા પરિવારોને નાણાં આપ્યા

ઈરાનના સેના પ્રમુખનું આ નિવેદન તેવા સમયે સામે આવ્યું છે, જ્યારે ઈરાન ઈઝરાયલ અને અમેરિકાના બેવડા ખતરાનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં ઈરાનની પ્રજા આર્થિક સમસ્યાઓના કારણે દેખાવો કરી રહી છે, જેના કારણે ઈરાન સરકાર સામે પડકારો વધી ગયા છે. ઈરાન સરકારે જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી કિંમતો ઘટાડવા માટે અને જનઆક્રોશને શાંત કરવા માટે પરિવારોના બૅંક એકાઉન્ટમાં લગભગ સાત ડૉલર માસિક સબસિડી આપવાની શરુઆત કરી દીધી છે.

આ પણ વાંચો : VIDEO : માદુરાના ડાન્સના કારણે ચિડાયું હતું અમેરિકા, છેવટે ધરપકડ કરી

અમે આક્રમણ કરનારાઓનો હાથ કાપી નાખીશું : ઈરાન સેના પ્રમુખ

ન્યુયોર્ક સ્થિત થિંક ટેન્ક સૂફાન સેન્ટરે કહ્યું કે, ઈરાનની પ્રજા સરકારની નીતિઓ અને આર્થિક સ્થિતિથી તંગ થઈને લાંબા સમયથી દેખાવો કરી રહી છે. સરકારી સમાચાર એજન્સી આઇઆરએનએના રિપોર્ટ મુજબ, હાતેમીએ કહ્યું કે, ‘ઈરાન વિરુદ્ધ આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે તો મોટો ખતરો ઊભો થશે. અમે આવા લોકોને જવાબ આપ્યા વગર છોડીશું નહીં. હું વિશ્વાસ સાથે કહું છું કે, આજે હથિયારોથી સજ્જ ઈરાનના સૈનિકોની યુદ્ધ લડવાની ક્ષમતા પહેલાથી વધુ છે. જો દુશ્મન કોઈ ભૂલ કરશે તો તેણે નિર્ણાયક હુમલાનો સામનો કરવો પડશે અને અમે કોઈપણ આક્રમક કરનારાઓનો હાથ કાપી નાખીશું.’

ઈરાનમાં પ્રદર્શનનો 11મો દિવસ

ઈરાનમાં પ્રદર્શનકારીઓ છેલ્લા 11 દિવસથી ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે. અમેરિકન માનવાધિકાર કાર્યકર્તાઓના રિપોર્ટ મુજબ, ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. દેશના 31માંથી 27 પ્રાંતોમાં પ્રદર્શન ફેલાઈ ચૂક્યું છે. ઈરાનના ઉપરાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ જાફર ધૈમપનાહે સ્વીકાર કર્યો છે કે, દેશ સંપૂર્ણ આર્થિક યુદ્ધની સ્થિતિમાં આવી ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : અમેરિકાની ભારતીય વિદ્યાર્થીઓને ધમકી, કહ્યું ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશું’