Iranian Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei Big statement: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈએ શનિવારે(17 જાન્યુઆરી) યુનાઇટેડ સ્ટેટ્સ(US) અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ઈરાનમાં થયેલા મૃત્યુ, નુકસાન અને બદનામી માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા. આ સાથે ખામેનેઈએ ટ્રમ્પને 'ગુનેગાર' ગણાવ્યા. ખામેનેઈએ આરોપ લગાવ્યો કે ઈરાનમાં તાજેતરની અશાંતિ અમેરિકાનું કાવતરું હતું. તેમણે કહ્યું કે ઈરાનને યુદ્ધ સુધી નહીં લઈ જવા દેવાય.
'પ્રદર્શનકારીઓ પ્રત્યે કોઈ ઉદારતા નહીં દાખવામાં આવે'
સ્થાનિક મીડિયા ઈરાન ઇન્ટરનેશનલ અનુસાર, ખામેનેઈએ કહ્યું કે, 'અમેરિકન રાષ્ટ્ર પ્રમુખે ઈરાની રાષ્ટ્રને નુકસાન પહોંચાડ્યું છે અને આ માટે તેમને ગુનેગાર ગણવામાં આવે છે. ઈરાન સરકારી સ્તરે સંયમ રાખશે, પરંતુ હિંસા માટે જવાબદાર લોકો પ્રત્યે કોઈ ઉદારતા દાખવવામાં આવશે નહીં.'
આ પણ વાંચો: ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનું અચાનક માંડી વાળ્યું? તાત્કાલિક અમેરિકા પહોંચ્યા મોસાદ ચીફ
ખામેનેઈએ કહ્યું કે, 'દેશને યુદ્ધમાં ખેંચી જવા દેવામાં નહીં આવે, પરંતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ચોક્કસપણે સજા કરવામાં આવશે.' તેમણે તાજેતરના વિરોધ પ્રદર્શનોને વિદેશી દળો દ્વારા પ્રાયોજિત ગણાવ્યા અને કહ્યું કે સમગ્ર અશાંતિ અમેરિકા દ્વારા ઈરાન પર કબજો કરવાના હેતુથી કરવામાં આવેલ કાવતરું હતું.
ખામેનેઈએ ટ્રમ્પ પર નિશાન સાધ્યું
ઈરાની સુપ્રીમ લીડરએ ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધો આરોપ લગાવતા કહ્યું કે, 'ટ્રમ્પે અશાંતિમાં વ્યક્તિગત રીતે દખલ કરી, નિવેદનો આપ્યા, તોફાનીઓને ઉશ્કેર્યા અને તેમને લશ્કરી સહાયનું વચન પણ આપ્યું.'
ઈરાની સુપ્રીમ લીડરએ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ પર તોડફોડ કરનારાઓને ઈરાની નાગરિકો તરીકે દર્શાવવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, 'જેમ ઈરાની લોકોએ રમખાણોની કમર તોડી નાખી, તેવી જ રીતે તેમની પાછળના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાવતરાખોરોને પણ તોડી નાખવામાં આવશે.'


