Get The App

ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનું અચાનક માંડી વાળ્યું? તાત્કાલિક અમેરિકા પહોંચ્યા મોસાદ ચીફ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનું અચાનક માંડી વાળ્યું? તાત્કાલિક અમેરિકા પહોંચ્યા મોસાદ ચીફ 1 - image


તસ્વીર - IANS

Trump cancel attack on Iran : ટ્રમ્પે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં ઈરાનના પ્રદર્શનકારીઓને સંબોધિત કરતાં ટ્રમ્પે લખ્યું હતું કે, "તમે આગળ વધો, મદદ ટૂંક જ સમયમાં પહોંચી રહી છે." આ પોસ્ટ બાદ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે, "જો ઈરાને કોઈ પણ પ્રદર્શનકારીની હત્યા કરી અથવા તેને ફાંસી આપી, તો અમેરિકા હુમલો કરશે." ટ્રમ્પના આ નિવેદનની ઈરાન પર કેટલી અસર થઈ તે સમજવું ખૂબ જ રસપ્રદ છે.

ઈરાનનું નરમ વલણ અને માફી

ટ્રમ્પના નિવેદન બાદ ખામેનેઈ સરકારે પ્રદર્શનકારી ઇરફાન સુલ્તાનીની ફાંસી ટાળી હતી. ઇરફાન બાદ ઈરાનમાં અન્ય 800 પ્રદર્શનકારીઓને પણ સુપ્રીમ લીડર તરફથી માફી મળી ગઈ છે. આ પ્રદર્શનકારીઓને ફાંસી આપવામાં આવી નથી. એટલું જ નહીં, ખામેનેઈ સરકારના પ્રતિનિધિઓએ ટ્રમ્પને આશ્વાસન આપ્યું કે તેમણે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાનું ટાળ્યું છે.

હુમલો ટળ્યો કે માત્ર વિલંબ?

એક રીતે જોઈએ તો ખ્યાલ આવે છે કે, ઈરાને ટ્રમ્પના અહમ(Ego)ને ઠેસ ન પહોંચે તેનું પૂરતું ધ્યાન રાખ્યું છે. જેના કારણે અમેરિકાએ હાલ પૂરતો ઈરાન પર હુમલાનો નિર્ણય ટાળ્યો છે. જો તમે ધ્યાનથી જોશો તો સમજાય છે કે, ઈરાન પર ટ્રમ્પનું નરમ વલણ માત્ર પ્રદર્શનકારીઓને અભયદાન આપવા પૂરતું મર્યાદિત નથી; પડદા પાછળ કંઈક અલગ જ રંધાઈ રહ્યું છે.

13 જાન્યુઆરીએ મધ્ય પૂર્વ(Middle East)માં અમેરિકાના મિત્ર દેશો - સાઉદી અરેબિયા, UAE અને કતરે ટ્રમ્પને હુમલો ન કરવા અપીલ કરી હતી. આરબ દેશોની દલીલ હતી કે, હુમલાના વળતા જવાબમાં ઈરાન તેમને નિશાન બનાવી શકે છે. ત્યારબાદ 14 જાન્યુઆરીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી. નેતન્યાહૂએ પણ ઈરાન પર હુમલો થોડા સમય માટે ટાળવાની ભલામણ કરી હતી. ઈઝરાયેલની દલીલ હતી કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense System) હાલ એ સ્તર પર નથી કે જે ઈરાની હુમલાને સંપૂર્ણપણે રોકી શકે.

ઈરાની મિસાઇલનો ડર

એક કહેવત છે કે, "જે ડરે છે તે બહાના કરે છે અને જે નીડર છે તે રસ્તો બનાવે છે." ટ્રમ્પે ફાંસી ટાળવાના આશ્વાસન પર હુમલો રોકીને કદાચ એક બહાનું જ બનાવ્યું છે. અસલી કારણ ઈરાની મિસાઇલ પાવરનો ડર હોઈ શકે છે, જે અમેરિકાના મિત્ર દેશોને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે. આથી જ ટ્રમ્પ સીધા હુમલાને બદલે ઈરાનના પ્રદર્શનકારીઓને આંતરિક રીતે મદદ પહોંચાડવાના રસ્તા શોધી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મતે, ઈરાન દર મહિને 50 મિસાઇલોનું નિર્માણ કરી રહ્યું છે. ઈરાન પાસે હાલ 3,000થી વધુ બેલેસ્ટિક મિસાઇલો છે, જેમાં કેટલીક હાયપરસોનિક પણ છે. આ મિસાઇલોની રેન્જ 1500થી 2000 કિલોમીટર છે, જે અમેરિકા સુધી તો નથી પહોંચી શકતી, પરંતુ મિત્ર દેશો માટે મોટો ખતરો છે.

મોસાદ ચીફની વોશિંગ્ટન મુલાકાત: મોટા ઓપરેશનના સંકેત?

સવાલ એ છે કે શું ટ્રમ્પે ઈરાન પર હુમલાનો ઇરાદો કાયમી ધોરણે માંડી વાળ્યો છે? ટ્રમ્પનું વ્યક્તિત્વ જોતાં એવું લાગતું નથી. તેઓ કદાચ મિત્ર દેશોને તૈયારી માટે સમય આપી રહ્યા છે. ખામેનેઈ શાસનને મૂળમાંથી ઉખેડી ફેંકવું એ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ દરમિયાન ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી 'મોસાદ'ના ચીફ ડેવિડ બાર્નિયા વોશિંગ્ટન પહોંચ્યા છે. વ્હાઇટ હાઉસમાં તેમણે ટ્રમ્પના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત કરી છે. અમેરિકન મીડિયા અનુસાર, મોસાદ ચીફ પેન્ટાગનના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે પણ મોસાદ ચીફ વ્હાઇટ હાઉસ જાય છે, ત્યારે કોઈ મોટી સૈન્ય કાર્યવાહી થાય છે (જેમ કે 1967નું યુદ્ધ કે 2025નું બોમ્બિંગ). આ મુલાકાત બાદ મોસાદ અને પેન્ટાગન ઈરાન વિરુદ્ધ કોઈ મોટું ઓપરેશન લોન્ચ કરી શકે છે.