ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યું છે ઈરાન? અમેરિકા અને ઈઝરાયલનું વધશે ટેન્શન

Iran Nuclear Site Rebuilding : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. નવેમ્બર-2025ની નવી સેટેલાઈટ તસવીરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ઈરાન તેની જૂની પરમાણુ હથિયાર સાઈટ ‘તાલેઘાન-2’ (Taleqan-2)નું પુરઝડપે બાંધકામ કરી રહ્યું છે. આ સાઈટ તેહરાન નજીકના પારચિન મિલિટરી કોમ્પ્લેક્સમાં આવેલી છે. પરમાણુ નિષ્ણાતોને ડર છે કે, આ સ્થળે અણુબોમ્બ બનાવવા માટે જરૂરી હાઈ-એક્સપ્લોઝિવ પરીક્ષણો ફરી શરૂ થઈ શકે છે.
ઈરાનનો ‘અમાદ પ્લાન’ ફરી શરૂ
ઈરાને વર્ષ 2000ની શરૂઆતમાં ‘અમાદ પ્લાન’ હેઠળ ગુપ્ત પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પ્લાન્ટમાં પરમાણુ બોમ્બ બનાવવાનો હતો. આ સ્થળે બોમ્બમાં વિસ્ફોટ કરવા માટેના ભાગો (હાઈ એક્સપ્લોઝિવ)નું પરીક્ષણ થતું હતું. ઓક્ટોબર-2024માં ઈઝરાયલે આ સાઈટ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણ નષ્ટ કરી દીધી હતી. જોકે, માત્ર એક વર્ષના ગાળામાં જ ઈરાને મે-2025થી આ સ્થળ પર ફરીથી ઝડપી બાંધકામ કામગીરી શરૂ કરી દીધી છે.
ઈરાને પરમાણુ બોમ્બના ટેસ્ટિંગ માટે વિશાળ જગ્યા બનાવી
અમેરિકાના જાણીતા થિંક ટેન્ક ‘ઈન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યુરિટી (ISIS)’ દ્વારા નવેમ્બર-205માં એક રિપોર્ટ અને મોટા ફેરફારો સાથેની નવી સેટેલાઈટ તસવીર જાહેર કરાઈ છે. સાઈટ પર લગભગ 36 મીટર લાંબા અને 12 મીટર પહોળા એક વિશાળ સિલિન્ડર જેવી ડિઝાઈન દેખાઈ રહી છે.
ટેસ્ટિંગ માટે અંદર વિસ્ફોટ થાય તો પણ કોઈને ખબર ન પડે
નિષ્ણાતો માને છે કે, આ ડિઝાઈન એક કન્ટેનમેન્ટ વેસલ હોઈ શકે છે, જે અંદર મોટો વિસ્ફોટ થાય તો પણ બહાર કોઈ અસર ન થાય તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હોઈ શકે છે. આ ડિઝાઈન પરમાણુ બોમ્બના પરીક્ષણ માટે યોગ્ય હોય છે. ઈરાને આ ડિઝાઈનને કાળા કવરથી ઢાંકવાનો પણ પ્રયાસ કર્યો છે. જોકે રિપોર્ટ સ્પષ્ટપણે ખાતરી નથી આપતો, પરંતુ સાઈટનો ઈતિહાસ જોતાં પરમાણુ કાર્યક્રમ માટેના પરીક્ષણોની આશંકા ખૂબ મોટી છે.
ઈરાને શું કહ્યું?
ઈરાન વારંવાર દાવો કરતું રહ્યું છે કે, અમે માત્ર વીજળી અને મેડિસિન માટે પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. અમારા ધર્મમાં પરમાણુ બોમ્બ બનાવવો હરામ છે. તેમ છતાં ઈરાને યુરેનિયમનું 90 ટકા સુધી સંવર્ધન કરી લીધું છે, જે અણુબોમ્બ બનાવવાથી માત્ર એક ડગલું દૂર ગણાય છે. આ પરિસ્થિતિને જોતાં ઈઝરાયલની પ્રતિક્રિયા આવવાની શક્યતા છે.
ઈઝરાયલ ઈરાન પર હુમલો કરે તેવી સંભાવના
વડાપ્રધાન નેતન્યાહૂ અગાઉ જ કહી ચૂક્યા છે કે, તેઓ ઈરાનને ક્યારેય પરમાણુ બોમ્બ બનાવવાની મંજૂરી નહીં આપે. 2024 અને 2025માં ઈઝરાયલે ઈરાનની અનેક પરમાણુ સાઈટ્સ, મિસાઈલ ફેક્ટરીઓ અને વૈજ્ઞાનિકો પર હુમલા કર્યા હતા. હવે તાલેઘાન-2 ફરીથી તૈયાર થઈ રહી હોવાથી નિષ્ણાતો માને છે કે, ઈઝરાયલ તરફથી વળતો કે મોટો લશ્કરી હુમલો બહુ જલદી થઈ શકે છે.
આ પણ વાંચો : જાપાને ચીનના 'દરવાજા' સામે મિસાઇલ્સ તૈનાત કર્યા : ડ્રેગન માટે ખતરાની ઘંટડી

