ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના રાષ્ટ્રપતિનો કડક સંદેશ, કહ્યું- ‘અમે કોઈનાથી ડરતા નથી’
US Iran Nuclear Deal : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને કહ્યું છે કે, અમરાો દેશ પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખશે પરંતુ અમેરિકન ધમકીઓથી ડરશે નહીં. રાષ્ટ્રપતિએ નૌકાદળના અધિકારીઓને સંબોધતા કહ્યું કે, ‘અમે વાટાઘાટો કરી રહ્યા છીએ અને અમે વાટાઘાટો કરીશું, અમે યુદ્ધ ઈચ્છતા નથી, પરંતુ અમે કોઈપણ ધમકીથી ડરતા નથી.’
અમેરિકાને ઈરાનનો સખ્ત જવાબ
રાષ્ટ્રપતિનું આ ભાષણ સરકારી ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. મસૂદ પેજેશકિયા (Iran President Masoud Pezeshkian)એ કહ્યું કે, ‘એવું નથી કે તેઓ અમને ધમકી આપશે, તો અમે અમારા માનવ અધિકારો અને કાયદેસર અધિકારો છોડી દઈશું. અમે પીછેહઠ કરીશું નહીં, અમે અમારા તમામ ક્ષેત્રોમાંથી ,સેના, વૈજ્ઞાનિક, પરમાણુ ક્ષમતાઓ સરળતાથી ગુમાવીશું નહીં.’
ઈરાન-તહેરાન પરમાણુ કાર્યક્રમનો અમેરિકાએ કર્યો વિરોધ
પરમાણુ કાર્યક્રમની વાતચીત સફળતા સુધી પહોંચી ગઈ છે, એટલે કે ઈરાન અને તહેરાન સંભવિત સમજૂતીની વિગતો પર સંમત થવાનો પ્રયાસ કરી રહ્યા છે. તહેરાનની ઈચ્છા છે કે, ઈરાન યુરેનિયમનો જથ્થો વધારે અને આ માટે તેને મંજૂરી આપવી જોઈએ. બીજીતરફ અમેરિકા પરમાણુ કાર્યક્રમ હેઠળના પરમાણુ શસ્ત્રોનો વિરોધ કરી રહ્યું છે અને કહ્યું છે કે, ઈસ્લામિક ગણરાજ્યએ પરમાણુ કાર્યક્રમ છોડી દેવો જોઈએ.
ટ્રમ્પે ઈરાનને આપી હતી ધમકી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી એટલા માટે અમે તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. ઈરાન સામે કોઈપણ સૈન્ય કાર્યવાહીમાં ઈઝરાયલ મુખ્ય ભૂમિકા ભજવશે. ઈરાનને પરમાણુ શસ્ત્રો રાખવાની મંજૂરી આપી શકાય નહીં અને જો તે વિકાસના પ્રયાસોને રોકવાનો ઇનકાર કરી રહ્યો છે તો સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહે.’