Iran-US Tensions: મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન તરફ એક વિશાળ નૌકાદળ કાફલો (સ્ટ્રાઈક ગ્રુપ) રવાના કરતા બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પની આ આક્રમક ચાલ સામે ઈરાને વળતો જવાબ આપતા કહ્યું છે કે, 'આ વખતે કોઈપણ કાર્યવાહીને 'પૂર્ણ-સ્તરીય યુદ્ધ' ગણીને અમે હિસાબ બરાબર કરીશું.'
ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી
એરફોર્સ વન પરથી મીડિયા સાથે વાતચીત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'અમેરિકાનું એક વિશાળ નૌકાદળ ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. અમે ઈરાન પર નજર રાખી રહ્યા છીએ. અમારા ઘણાં જહાજો તે દિશામાં આગળ વધી રહ્યા છે. એક મોટો ફ્લોટિલા (જહાજોનો કાફલો) અને એક મોટી સેના ઈરાન તરફ આગળ વધી રહી છે. અમારી પાસે 'અરમાડા' છે.' જો કે, ટ્રમ્પે એવી આશા પણ વ્યક્ત કરી કે તેને બળનો ઉપયોગ કરવો પડશે નહીં. તેમણે તેહરાનને વિરોધીઓને મારવા અથવા તેના પરમાણુ કાર્યક્રમને ફરીથી શરૂ ન કરવા ચેતવણી આપી.'
ઈરાનનો અમેરિકાને વળતો જવાબ
ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનના વરિષ્ઠ અધિકારીઓએ દેશભરમાં 'હાઈ એલર્ટ' જાહેર કરી દીધું છે. ઈરાને સ્પષ્ટ કર્યું કે 'જો અમેરિકા કોઈપણ પ્રકારનો 'સર્જિકલ' કે 'મર્યાદિત' હુમલો કરશે, તો ઈરાન તેને સંપૂર્ણ યુદ્ધ ગણશે. આ વખતે અમે મામલો અધવચ્ચે નહીં છોડીએ, અમે હિસાબ બરાબર કરીશું.'
800 કેદીઓની ફાંસીનો વિવાદ
ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે તેના દબાણને કારણે ઈરાને વિરોધ પ્રદર્શનોમાં પકડાયેલા 800 લોકોની ફાંસી અટકાવી દીધી છે. જોકે, ઈરાને આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. ઈરાનની સમાચાર એજન્સી 'મિઝાન' અનુસાર, ટોચના ફરિયાદી મોહંમદ મોવાહેદીએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે આવો કોઈ નિર્ણય લેવાયો નથી. એક અહેવાલો મુજબ, ઈરાનમાં વિરોધીઓ સામેની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અંદાજે 5,002 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે,અમેરિકાનું શક્તિશાળી વિમાનવાહક જહાજ USS અબ્રાહમ લિંકન પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે આ લશ્કરી હાજરી ટ્રમ્પને હુમલો કરવા માટેના અનેક વિકલ્પો આપે છે. હવે જોવાનું એ રહેશે કે આ આંતરરાષ્ટ્રીય ખેંચતાણ શાંત પડે છે કે પછી વિશ્વ વધુ એક ભયાનક યુદ્ધ તરફ આગળ વધે છે.


