Get The App

અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના ખાતામાં 1-1 કરોડ આવ્યા! એર ઇન્ડિયાને 1125 કરોડ મળ્યાનો રિપોર્ટ

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના ખાતામાં 1-1 કરોડ આવ્યા! એર ઇન્ડિયાને 1125 કરોડ મળ્યાનો રિપોર્ટ 1 - image


Ahmedabad Air India Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોના ખાતામાં 1-1 કરોડ રૂપિયા જેટલી રકમ આવ્યાની માહિતી સામે આવી છે. જેના પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ પ્લેન ક્રેશ પીડિતોને વળતર મળવાનું શરુ થઈ ગયું છે. જોકે આ મામલે જ્યારે ગુજરાત સમાચાર દ્વાર પીડિતોનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે રકમ આવ્યાની પુષ્ટિ કરી હતી પણ આ રકમ કોણે મોકલી છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી. જ્યારે રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે એર ઇન્ડિયાને પણ 1125 કરોડ રૂપિયા જેટલી રકમ મળી હોવાની ચર્ચા છે.

રિપોર્ટમાં શું છે દાવો? 

સૂત્રોના રિપોર્ટના આધારે ગ્લોબલ રિઇન્શ્યોરર્સ અને ભારતીય જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયાને થયેલા નુકસાનમાં અત્યાર સુધી 125 મિલિયન ડૉલર એટલે કે લભગલ 1125 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. આ રકમમાં વિમાનના માળખા અને એન્જિનમાં ક્ષતિથી થયેલા નુકસાન સામે વીમાના દાવા મુજબનું વળતર આપવામાં આવ્યું છે. આ સાથે જ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને પણ 25 મિલિયન ડૉલર (225 કરોડ) રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. જો કે, મુસાફરો સાથે જોડાયેલા દાવાઓની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી જેથી વળતરનો આંકડો હજુ વધુ હોઈ શકે છે. 

અમદાવાદ ઍરપોર્ટ નજીક સર્જાઈ હતી ભયાનક દુર્ઘટના 

ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા જેમાં 241 મુસાફરો તેમજ અન્ય ક્રૂ સભ્યો સામેલ હતા. રિપોર્ટના દાવા મુજબ ભારતીય રિઇન્શ્યોરર્સ (GIC Re) પહેલા જ દાવો કરી ચૂક્યું છે કે દુર્ઘટનામાં વીમાના દાવાનું કુલ રકમ 475 મિલિયન ડૉલર એટલે કે અંદાજિત 4,275 કરોડ રૂપિયા છે, જેમાંથી 350 મિલિયન ડૉલર મુસાફરો અને તૃતીય પક્ષના દાવાઓ સંબંધિત જવાબદારીઓ માટે હશે. નિષ્ણાતોના મતે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવારો બંને સામાન્ય રીતે વળતર મેળવવાના હકદાર હોય છે, ભલે પાઇલટની ભૂલ હોય. હકીકતમાં, જો જાળવણી સ્ટાફ અથવા ટેકનિશિયનની બેદરકારી સ્થાપિત થાય તો વળતરની રકમ સંભવિત રીતે વધી શકે છે.

અમેરિકાની સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં સનસનીખેજ દાવો

બીજી તરફ ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) એ 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકન  સંસદમાં એક રિપોર્ટ જમા કરાવ્યો છે. અહેવાલ મુજબ, FASએ પોતાની તપાસમાં શોધી કાઢ્યું કે એર ઇન્ડિયાનો હિસ્સો બન્યા બાદથી જ આ વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી હતી. FASનો દાવો છે કે વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં નોંધપાત્ર ખામીઓ હતી. રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

FASનો દાવો: 2000થી વધુ બોઇંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલ

FASએ પોતાના રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બોઇંગ 787 પ્રોગ્રામ તેના નિર્ધારિત સમય કરતાં 3 વર્ષ પાછળ ચાલી રહ્યો છે અને તેનું બજેટ અબજો ડૉલર વધી ગયું છે. રિપોર્ટ મુજબ, 2000થી વધુ બોઇંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલિયરની ઘટનાઓ બની ચૂકી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી આપતાં રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિમાન 2011માં બનીને તૈયાર થયું હતું અને 28 જાન્યુઆરી, 2014ના રોજ તેને એર ઇન્ડિયાને સોંપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઇનપુટ મળ્યા! સરકાર તપાસ કરે: કોંગ્રેસ સાંસદનો દાવો

બોઇંગની પ્રતિક્રિયા, એર ઇન્ડિયાનું મૌન

FASના આ ગંભીર દાવાઓ પર બોઇંગે પ્રતિક્રિયા આપી છે. બોઇંગના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું." જોકે, એર ઇન્ડિયાએ આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે. ઉલ્લેખનીય છે કે, AAIBએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત આપ્યા હતા.