Get The App

ડૂમ્સડે પ્લેન અમેરિકાની રાજધાનીમાં લૅન્ડ થતાં દુનિયાભરના દેશો ચિંતિત, જાણો શું છે E-4B વિમાન

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
ડૂમ્સડે પ્લેન અમેરિકાની રાજધાનીમાં લૅન્ડ થતાં દુનિયાભરના દેશો ચિંતિત, જાણો શું છે E-4B વિમાન 1 - image

Image: IANS


Doomsday Plane Seen In Washington: અમેરિકાના પ્રમુખની ‘ઊડતી ઓવલ ઓફિસ’ ગણાતા ‘એર ફોર્સ વન’ વિમાન વિશે તો સૌ કોઈ જાણે છે, પણ અમેરિકાના પ્રમુખ માટે સંકટ સમયની સાંકળ બની શકે એવું એક બીજું વિમાન પણ છે, જે ‘ડૂમ્સડે પ્લેન’ તરીકે ઓળખાય છે. ભાગ્યે જ જોવા મળતું આ વિમાન ગત મંગળવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઉતરાણ કરતું દેખાયું હતું. 

એની હાજરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઇઝરાયલ-ઈરાન યુદ્ધ સાથે સાંકળવામાં આવી રહી છે. વૈશ્વિક રાજનીતિના અભ્યાસુઓ એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે, ઈરાનની કથિત પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓ રગદોળી નાખવા માટે કદાચ અમેરિકા પણ યુદ્ધમાં ઉતરવા જઈ રહ્યું છે. એક વિમાનને લીધે આવી અટકળો લગાવાઈ રહી છે ત્યારે ચાલો જાણીએ કે આખરે ‘ડૂમ્સડે પ્લેન’ કિસ ચિડિયા કા નામ હૈ.

શું છે ડૂમ્સડે પ્લેન?

‘ડૂમ્સડે પ્લેન’ યુએસ એરફોર્સનું E-4B વિમાન છે, જે પરમાણુ યુદ્ધ અથવા રાષ્ટ્રીય આપત્તિ દરમિયાન એરબોર્ન કમાન્ડ સેન્ટર તરીકે સેવા આપવા માટે બનાવવામાં આવ્યું છે. E-4B એક અત્યંત અત્યાધુનિક બોઇંગ 747-200 વિમાન છે. કટોકટીના સમયમાં એ ‘નેશનલ એરબોર્ન ઓપરેશન્સ સેન્ટર’ (NAOC) તરીકે સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. ચોવીસ કલાક કાર્યરત રહી શકતા આ રહસ્યમય વિમાનને ‘નાઇટવોચ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૂમ્સડે એટલે કયામતનો અથવા પ્રલયનો દિવસ. માનવજાતના અંતથી મોટી કયામત તો કઈ હોઈ શકે? એટલે અમેરિકા માટે કટોકટીનો સમય હોય એવી પરિસ્થિતિમાં કામ આપતું વિમાન તે ડૂમ્સડે પ્લેન.

ડૂમ્સડે પ્લેનની વિશેષતાઓ 

અમેરિકાના સંરક્ષણ વિભાગનું મુખ્ય મથક ‘પેન્ટાગોન’ છે. ડૂમ્સડે વિમાન હવામાં સવાર થયા બાદ હરતું-ફરતું ‘પેન્ટાગોન’ બની જાય છે, કેમ કે તે યુએસ પ્રમુખ સહિત અમેરિકાની સંરક્ષણ પાંખોના ઉચ્ચાધિકારીને લઈને હવામાંથી જ યુદ્ધ જેવી સ્થિતિ સંચાલિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પરમાણુ યુદ્ધ જેવી વિનાશક સ્થિતિમાં જમીન પરની સુવિધાઓનો નાશ થાય તો પણ ડૂમ્સડેમાં બેઠાંબેઠાં અમેરિકન સૈન્યદળોને નિયંત્રિત કરવાનું કામ જારી રાખી શકાય છે. તેથી જ તો E-4Bને ‘નાઇટવોચ’ જેવું ઉપનામ મળ્યું છે.



  • હવામાં ઊડતી વખતે આ વિમાન પરમાણુ સબમરીન, બોમ્બર વિમાનો અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો સાથે સીધો સંપર્ક કરી શકે છે. 
  • ડૂમ્સડે પ્લેન ખૂબ જ ઓછા આવર્તન (VLF – વેરી લૉ ફ્રીક્વન્સી) અને ઉચ્ચ આવર્તન (HF – હાઇ ફ્રીક્વન્સી) એન્ટેનાથી સજ્જ છે, જેને લીધે આ વિમાન પરમાણુ સંઘર્ષ દરમિયાન પણ વૈશ્વિક સંદેશાવ્યવહાર કરી શકે છે.
  • ડૂમ્સડે પ્લેન અનેક દિવસો સુધી હવામાં ઊડતું રહી શકે છે, કારણ કે તે ચાલુ ફ્લાઇટે ઇંધણ ભરવાની ટૅક્નોલૉજી ધરાવે છે.
  • આ વિમાનમાં 110થી વધુ માણસોને સમાવવાની ક્ષમતા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ અમેરિકા મોકલવાના દાવા મુદ્દે સરકારની સ્પષ્ટતા, જાણો ક્યાં પહોંચી તપાસ

E-4B શા માટે હવાઈ કિલ્લો ગણાય છે?

ડૂમ્સડે વિમાન પરમાણુ વિસ્ફોટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP) અને ઈલેક્ટ્રોનિક યુદ્ધના અન્ય સ્વરૂપોનો સામનો કરવા સક્ષમ છે. વિમાનની EMP પ્રત્યેની સંવેદનશીલતા ઘટે એ માટે વિમાનના મહત્ત્વપૂર્ણ વિસ્તારોમાં બારીઓ પણ નથી બનાવાઈ. વિમાનમાં કવચવાળું વાયરિંગ કરાયું છે, જેથી ગંભીર પરિસ્થિતિઓમાં પણ તેનું સંચાલન ચાલુ રાખી શકાય. આવા બધા લક્ષણોને કારણે જ ડૂમ્સડે વિમાનને ‘હવાઈ કિલ્લો’ પણ કહેવામાં આવે છે.

ડૂમ્સડે પ્લેનને સતત અપડેટેડ રખાય છે

આધુનિક ડિજિટલ સંદેશાવ્યવહાર વિનાવિઘ્ને ચાલતો રહે અને વિમાનને સતત સાયબર સંરક્ષણ મળતું રહે, એ માટે ડૂમ્સડે પ્લેનની તમામ સિસ્ટમોને નવીનતમ ટૅક્નોલૉજીકલ આવિષ્કારો સાથે સતત અપડેટેડ રાખવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ વિદેશ યાત્રાએ જાય ત્યારે એરફોર્સ વન વિમાન જ વાપરતા હોય છે, પણ જો કોઈક કારણસર એર ફોર્સ વન કામ આપવા સક્ષમ ન હોય તો તેના બેકઅપ તરીકે ડૂમ્સડે પ્લેનનો ઉપયોગ થતો હોય છે. અમેરિકન લશ્કરના કમાન્ડરો પણ વિવિધ મિશન માટે આ વિમાનનો ઉપયોગ કરે છે. 

ડૂમ્સડે પ્લેન પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકે છે?

નામ જ પ્રલયની યાદ અપાવે એવું હોવાથી આ વિમાન વિશે એક એવી માન્યતા ફેલાયેલી છે કે તે પરમાણુ શસ્ત્રો પણ લોન્ચ કરી શકે છે. જોકે, એ સત્ય નથી. ડૂમ્સડે પ્લેન એક કમાન્ડ સેન્ટર છે, શસ્ત્રો છોડવા કે લાવવા-લઈ જવાનું પ્લેટફોર્મ નથી.

9/11 પછી ડૂમ્સડે દેખાતાં અફવાઓ ફેલાઈ હતી

11 સપ્ટેમ્બર, 2001ની સવારે બે કોમર્શિયલ જેટ ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવર્સ સાથે અથડાયા હતા. એ ઘટના બન્યા પછી વોશિંગ્ટન ડીસીના આકાશમાં સફેદ રંગના એક મોટું પ્લેને દેખાયું હતું. એ ડૂમ્સડે પ્લેન હતું. અમેરિકન પ્રમુખના રહેઠાણ વ્હાઇટ હાઉસની આસપાસનો વિસ્તાર હવાઈ ઉડ્ડયનો માટે પ્રતિબંધિત હોવા છતાં એ વિસ્તારમાં ડૂમ્સડે પ્લેન દેખાતાં લોકો જાતભાતની અટકળો લગાવવા લાગ્યા હતા. 

અમેરિકાની એર ફોર્સે શું કહ્યું?

મંગળવારે ડૂમ્સડે પ્લેને ફરી વોશિંગ્ટન ડીસીમાં દેખાતાં લોકોએ કલ્પનાના ઘોડા છૂટ્ટા મૂકી દીધા હતા. અલબત્ત, યુએસ એરફોર્સ દ્વારા અગાઉ કહેવાયેલું એ જ ફરી કહેવાયું છે કે, આવી ફ્લાઇટ્સ નિયમિત છે, કારણ કે ડૂમ્સડે પ્લેનના કાફલામાંના ચાર વિમાનોમાંથી કોઈ એક તો કાયમ માટે એલર્ટ મોડમાં રહેતું જ હોય છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ કતારમાંથી છાનામાના સૈન્ય વિમાનો હટાવી લીધા, ઈરાનના હુમલાની આશંકાને પગલે નિર્ણય

ડૂમ્સડે પ્લેન શા માટે બનાવાયું હતું? 

સોવિયેત યુનિયન (હાલનું રશિયા) અને અમેરિકા વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન ડૂમ્સડે પ્લેન વિકસાવવામાં આવ્યું હતું. 1970 ના દાયકાથી તેની સેવા લેવામાં આવી રહી છે. રશિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાના ખતરાને પહોંચી વળવા માટે અમેરિકાએ ડૂમ્સડેનું નિર્માણ કરાવ્યું હતું. શીત યુદ્ધ દરમિયાન ઓછામાં ઓછું એક ડૂમ્સડે પ્લેન હંમેશાં હવામાં ઊડતું રહેતું હતું. જોકે, સોવિયેત યુનિયનના પતન પછી E-4B હવે 24 કલાક હવામાં નથી રહેતું.

ડૂમ્સડે પ્લેન અમેરિકાની રાજધાનીમાં લૅન્ડ થતાં દુનિયાભરના દેશો ચિંતિત, જાણો શું છે E-4B વિમાન 2 - image

Tags :