Sejjil Dancing Missile : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 16મા દિવસે રવિવારે ઈરાને મોટા પાયે મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાને પહેલીવાર પોતાની સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલ 'સેજ્જિલ'નો ઉપયોગ કર્યો છે. ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદ સેજ્જિલ મિસાઇલનો આ પ્રથમ યુદ્ધકાલીન ઉપયોગ છે.
'ટ્રુ પ્રોમિસ 4' ઈઝરાયલના સૈન્ય મથકો પર નિશાન
ઈરાની સેનાએ 'ટ્રુ પ્રોમિસ 4' અભિયાન હેઠળ ઈઝરાયલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને મહત્ત્વપૂર્ણ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. સેજ્જિલ મિસાઇલની ખાસિયતો નીચે મુજબ છે. આ મિસાઇલ આશરે 2000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તે 700 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો લઈ જવા માટે સક્ષમ છે. તે ઘન ઈંધણથી સંચાલિત બે-તબક્કાની બેલેસ્ટિક મિસાઇલ છે.
કેમ કહેવાય છે ડાન્સિંગ મિસાઇલ?
આ મિસાઇલને 'ડાન્સિંગ મિસાઇલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે ઊંચાઈ પર પહોંચ્યા પછી હવામાં કરતબ કરી શકે છે. આ રણનીતિને કારણે ઈઝરાયલની 'આયર્ન ડોમ' જેવી અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવો સરળ બની જાય છે. 18 મીટર લાંબી અને 23,600 કિલોગ્રામ વજન ધરાવતી આ મિસાઇલ જૂની ટૅક્નોલૉજી કરતાં ઘણી ઝડપથી લોન્ચ કરી શકાય છે.
અત્યાર સુધી શું થયું?
આ મહાયુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026ના રોજ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામનેઈનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં હિંસા ભભૂકી ઉઠી હતી. રિપોર્ટ્સ મુજબ, યુદ્ધમાં અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના ઈરાની નાગરિકો છે.
પેટાંગનનો દાવો
અમેરિકી રક્ષા મંત્રાલય મુજબ, ઈરાનમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાએ આ વિસ્તારમાં 2500 મરીન સૈનિકો સાથે 'યુએસએસ ત્રિપોલી' જહાજ પણ તૈનાત કર્યું છે.


