ઈરાન પર હુમલા બાદ દુનિયાભરમાં ક્રૂડ ઓઇલને લઈને ચિંતા! ભારતે અપનાવી ખાસ વ્યૂહનીતિ
Image: IANS |
Iran Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. જેના લીધે ક્રૂડના ભાવમાં ભડકો થવાની ભીતિ પણ વધી છે. જો કે, ભારતે પહેલાંથી જ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં અગમચેતીના ભાગરૂપે રશિયા અને અમેરિકામાંથી ક્રૂડની આયાત વધારી છે. જૂનમાં રશિયા પાસેથી વિપુલ પ્રમાણમાં ક્રૂડની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે.
રશિયા પાસેથી ખરીદી વધારી
ગ્લોબલ બિઝનેસ એનાલિસ્ટ ફર્મ કેપલરના આંકડાઓ અનુસાર, ભારતે જૂનમાં રશિયા પાસેથી 20-22 લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ખરીદ્યું હતું. જે છેલ્લા બે વર્ષની તુલનાએ વધુ છે. મેમાં લગભગ 11 લાખ બેરલ પ્રતિદિન ક્રૂડની ખરીદી કરી હતી. પૂર્વે ભારત રશિયા પાસેથી પોતાની જરૂરિયાતના એક ટકા જ ક્રૂડની આયાત કરતુ હતું. પરંતુ મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં ભારત પોતાની કુલ ક્રૂડ આયાતના 40-44 ટકા ક્રૂડ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે.
ખાડી દેશો પરની નિર્ભરતા ઘટાડી
પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. જેથી ભારતે જૂનમાં જ પોતાની ક્રૂડ આયાત રણનીતિમાં ફેરફાર કર્યો હતો. જૂનમાં ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત પાસેથી કુલ 20 લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ખરીદ્યુ હતું. ઈરાને ધમકી આપી હતી કે, જો અમેરિકા ઈઝરાયલને સમર્થન આપવા યુદ્ધમાં ઉતર્યું તો તે હોર્મુજ જલડમરૂમધ્ય માર્ગ બંધ કરશે. જેથી જહાજો પર હુમલાનું જોખમ વધ્યું છે. આયાત થતુ 40 ટકા ક્રૂડ આ માર્ગથી ભારત પહોંચે છે.જેથી ખાડી દેશો પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે.
અમેરિકામાંથી આયાત વધારી
વિશ્વનો ત્રીજો મોટો ક્રૂડ આયાતકાર ભારત મોટાભાગનું ક્રૂડ ખાડી દેશોમાંથી આયાત કરતુ હતું. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયા દ્વારા આપવામાં આવેલી રાહતોને પગલે ભારતે રશિયામાંથી ક્રૂડની આયાત વધારી છે. રશિયા ઉપરાંત અમેરિકામાંથી પણ ક્રૂડની આયાત વધારી છે. જૂનમાં અમેરિકામાંથી દરરોજ 4.39 લાખ ક્રૂડ આયાત કર્યું હતું. જે મેમાં 2.80 લાખ બેરલ પ્રતિદિન હતું.
120-130 ડોલર પ્રતિ બેરલે પહોંચશે ભાવ
રેટિંગ એજન્સી જેપી મોર્ગને વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખતાં ક્રૂડના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી વધવાનો અંદાજ આપ્યો છે. સીટી અને ડોયશે બેન્કે સહિતની ટોચની બેન્કો અને એનાલિસ્ટ્સે પણ ક્રૂડના ભાવ 120-130 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની આશંકા દર્શાવી છે. ગત સપ્તાહે બ્રેન્ટ ક્રૂડ વાયદો 18 ટકા ઉછળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 79 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થયુ હતું. જો કે, બાદમાં ઘટી 77 ડોલર પ્રતિ બેરલ થયુ હતું.