Iran Israel Conflict: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધથી સમગ્ર દુનિયાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતથી સ્થિતિ સંપૂર્ણ રીતે બેકાબૂ થઈ ગઈ છે. આ મોટા ઝટકા બાદ ઈરાને વળતાં પ્રહારમાં દુનિયામાં ક્રૂડ વેપાર માટે મહત્વની ગણાતો દરિયાઈ રસ્તો હોર્મુઝની ખાડીને બંધ કરી દીધો છે જેનાથી વૈશ્વિક કાચા તેલની બજારમાં ભારે ઉથલપાથલ મચી છે. ત્યારે સમજીએ કે ભારત પાસે આ વિધ્નને નાથવા માટે બેક અપ પ્લાન શું હોઈ શકે?
110 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે ક્રૂડના ભાવ
ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીના રસ્તાને બંધ કરવાનો સીધો મતલબ છે કે વૈશ્વિક બજારમાં ભારે તંગી સર્જાઇ શકે છે, જેની અસર પણ શરૂ થઈ છે. શુક્રવારે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો 73 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો છે. આગળના એક મહિનાના આંકડા પર નજર કરીએ તો કાચા તેલની કિંમતોમાં હાલ 6 ડોલર પ્રતિ બેરલની તેજી જોવા મળી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સ્થિતિ આ પ્રકારે જ વણસતી રહી તો 110 ડોલર પ્રતિ બેરલના સુધી કાચા તેલની કિંમતો જઈ શકે છે, જેની સૌથી વધુ અસર ભારત અને ચીન પર પડશે.
ભારત પર અસર કેવી!
છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મહત્વનું છે કે સરકારી તેલ વિતરણ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના ઉતાર ચઢાવ તાત્કાલિક ગ્રાહકો પર નથી ઝીંકતી, પરંતુ લાંબા ગાળા સુધી ભાવ સતત વધતાં રહે તો ગ્રાહક પર અસર પડી શકે છે તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. જો આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તો ભારતીય રૂપિયા પર દબાણ વધશે જેથી લાંબા ગાળે દેશની અર્થવ્યવસ્થાને ચિંતાજનક પડકારોનો સામનો કરવો પડશે. હાલ ભારત પાસે જરૂરિયાત મુજબ 74 દિવસનો જથ્થો રિઝર્વ હોવાનું અનુમાન છે.
ભારત પાસે શું છે બેક અપ પ્લાન?
આ ગંભીર સ્થિતિને ભારતીય કંપનીઓ પહેલાથી જ ભાંખી ગઈ છે, અને એક મજબૂત બેક અપ પ્લાન તૈયાર કર્યો છે. જાણકારોના મુજબ, અચાનક ઉભા થયેલા આ સપ્લાઈ સંકટને પહોંચી વળવા આકસ્મિક વિકલ્પો પર તેજીથી કામ થઈ રહ્યું છે. આ માસ્ટર પ્લાન મુજબ હવે એ પોર્ટ પરથી જહાજમાં તેલનું લોડિંગ થશે જે હોર્મુઝની ખાડીથી ન નીકળતું હોય, ભારતીય કંપનીઓ સાઉદી અરબ અને UAE જેવા વૈકલ્પિક દેશોની મદદથી આ સંકટને આંશિક રીતે હળવું કરી શકે છે. તે સાથે જ ખાડી ક્ષેત્રની બહારના તેલ ઉત્પાદક દેશો પાસેથી પણ વધારાના ઓર્ડરની વ્યૂહનીતિ બનાવાઇ રહી છે. જેથી ભારત વિષમ પરિસ્થતિનો મજબૂત સામનો કરી શકે.
![]() |
| ફોટો સોર્સ: વિકિપીડિયા |
હોર્મુઝની ખાડીની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એવો સામુદ્રિક માર્ગ છે જેની એક તરફ ઈરાન અને બીજી તરફ ઓમાન છે. આ રસ્તો ફારસની ખાડી દ્વારા ઓમાનની ખાડી અને હિંદ મહાસાગરમાં અરબ સાગરને જોડે છે. 33 કિ.મી પહોળા આ જળમાર્ગને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. હાલમાં તો આ જળમાર્ગ ખુલ્લો છે, પરંતુ જો તેને બંધ થતાં ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરબ, યુએઈ અને કતાર જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોની નિકાસ અટકી પડી છે. આ જળમાર્ગ બંધ થવાથી વિશ્વને મોટું નુકસાન થવાનું જ છે સાથે સાથે ભારતની હાલત પણ કફોડી થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ભારતની ક્રૂડની આયાતને પણ મોટો ફટકો પડી શકે છે.
ચીન અને ભારત પર મોટી અસર થઈ શકે
એક દાવા મુજબ હોર્મુઝમાંથી પસાર થતાં ક્રૂડ ઓઇલનો 44% હિસ્સો એશિયામાં જાય છે અને તેમાંથી મોટા ભાગનું ચીન અને અમુક અંશે ભારતમાં પહોંચે છે. તેથી, થોડા સમય માટે વિક્ષેપ પડી શકે છે, પરંતુ તેનાથી આગળ અથવા લાંબા સમય સુધી આ બંધ રાખવું તે ખુદ ઈરાન માટે આત્મઘાતી પગલા જેવું હશે, ઈરાનની અર્થવ્યવસ્થા ઇંધણ પર નિર્ભર છે અને આનો અર્થ એ છે કે હોર્મુઝને બંધ કરવાથી તેના વિરોધીઓને નુકસાન થાય તે પહેલાં તેના પોતાના અર્થતંત્રને નુકસાન થશે.
ભારતમાં ક્રૂડ ઓઇલની કુલ માગમાંથી 80 ટકા આસપાસનો હિસ્સો આયાત કરવામાં આવે છે. જેમાંથી અંદાજિત 40 ટકા હિસ્સો મિડલ ઇસ્ટ દેશો જેમ કે ઈરાક, સાઉદી અરબ, યુએઇ, કુવૈત વગેરેમાંથી આવે છે. આ તમામ દેશો ઈરાન યુદ્ધની સ્થિતિમાં જે સ્થળને બંધ કરી શકે છે ત્યાંથી સપ્લાય થાય છે. જો ઈરાન આ રસ્તો બંધ કરી દે તો આ દેશોમાંથી ભારત આવતા ક્રૂડ ઓઇલ પુરવઠા પર અસર થઈ શકે છે. જોકે ભારત રશિયા પાસેથી પણ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ કે જળડમરુ પરથી ભારત આવતી કે ભારતથી જતી અનેક શિપ્સ પસાર થાય છે. તેથી સમુદ્રી વેપાર પર માઠી અસર પડી શકે છે.
આ જળમાર્ગ અરબ સાગર અને ઓમાનની ખાણને જોડે છે. દુનિયાનું 20 ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે જ જાય છે. અહીંયાથી દરરોજ 21 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી 83 ટકા ક્રૂડ સૌથી વધારે ભારત, ચીન જેવા એશિયાના દેશો માટે વેપાર દ્વારા મોકલવામાં આવે છે. આ સિવાય દુનિયાનો એક તૃતિયાંશ(1/3) નેચરલ ગેસ પણ આ જ રસ્તે જાય છે અને તેમાં કતારની ભૂમિકા સૌથી મોટી છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આ રસ્તેથી જ આયાત કરે છે. તેમાં ઈરાન સહિતના મધ્ય પૂર્વના ખાડી દેશોના સપ્લાયનો પણ સમાવેશ થાય છે. આ જળમાર્ગ એવો છે કે, તેઓ કોઈ વૈકલ્પિક રસ્તો જ નથી. તેના કારણે ઈરાન દ્વારા તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શક્તિ પ્રદર્શનનો રસ્તો પણ ગણાવાયેલો છે. અહીંયા મોટા દેશોની નૌસનાઓના જહાજો હાજર રહે છે. આ રસ્તેથી અંદાજે દરરોજ 30 થી 50 જેટલા મોટા જહાજો નીકળે છે જે વિશ્વમાં ક્રૂડ સપ્લાય કરે છે.



