ઈરાનને આત્મસમર્પણની ધમકી આપનારા અમેરિકાએ 30 ફાઈટર જેટ યુરોપ મોકલ્યાં, ખામેનેઈ મક્કમ
Iran And Israel War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અમેરિકા ઈરાનને ઝૂકાવવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ ઈરાન આત્મસમર્પણ કરવા ટસનું મસ થઈ રહ્યુ નથી. ઈરાનના આ વલણને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ યુરોપમાં આશરે 30 ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે.
અમેરિકા યુદ્ધ માટે તૈયાર
અમેરિકાના ફાઈટર જેટની અવરજવર વધતાં સંકેતો મળી રહ્યા છે કે, અમેરિકા આ યુદ્ધમાં ઝંપલાવવા માટે સજ્જ છે. અમેરિકાએ પોતાનું એક એરક્રાફ્ટ કેરિયર - USS નિમિત્જ પણ દક્ષિણ ચીન દરિયાથી મધ્ય-પૂર્વ તરફ મોકલ્યું છે. નિમિત્જ એરક્રાફ્ટ કેરિયર ફાઈટર જેટની એક ટુકડી લઈ ગયુ છે. અનેક ગાઈડેડ એન્ટી મિસાઈલ તેને સુરક્ષા પ્રદાન કરી રહી હતી. અમેરિકાના કમાન્ડર્સે યુએઈ, જોર્ડન અને સાઉદી અરેબિયા સહિત મધ્ય-પૂર્વમાં સૈન્ય મથકો પર અમેરિકન સૈનિકોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે, મધ્ય-પૂર્વમાં અમેરિકાના 40,000થી વધુ સૈનિક તૈનાત છે.
ઈરાન અમેરિકાના મથકો પર હુમલા કરવા સજ્જ
મીડિયા રિપોર્ટ અનુસાર, ઈરાનને અમેરિકાની આ યુદ્ધમાં દખલગીરીની જાણ હોવાથી તેણે અગાઉથી જ મધ્ય-પૂર્વમાં અમેરિકાના મથકો પર હુમલો કરવા મિસાઈલો તૈયાર કરી છે. ઈરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો અમેરિકા આ યુદ્ધમાં સામેલ થશે, તો અમે હોર્મુજ જલડમરૂમાં લેન્ડમાઇન્સ લગાવવાનું શરૂ કરી શકીએ છીએ. હોર્મુજ જલડમરૂ એ મધ્ય પૂર્વમાં સ્થિત એક સાંકડો, વ્યૂહાત્મક જળમાર્ગ છે, જે ઈરાનને અરબી દ્વીપકલ્પથી અલગ કરે છે. ઈરાને મધ્ય-પૂર્વમાં અમેરિકાના સ્થળો પર હુમલો કરવા મિસાઈલ અને અન્ય સૈન્ય ઉપકરણો તૈયાર કર્યા છે.
આ પણ વાંચોઃ ઈરાનના પરમાણુ સ્થળોનો નાશ થવાની તૈયારી, તહેરાનમાં રેડિયેશનનું જોખમ
ઈરાનના 585 લોકોના મોત, 1326 ઈજાગ્રસ્ત
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને તેલ અવીવમાં હાઈપરસોનિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઈરાને હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જેમાં ઈઝરાયલના 24 લોકો માર્યા ગયા છે. બીજી બાજુ ઈઝરાયલ પણ તહેરાન સહિતના વિસ્તારોમાં મોટાપાયે હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના 585 લોકો માર્યા ગયા છે. અને 1326 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના અનેક ટોપ કમાન્ડર માર્યા ગયા છે.
ટ્રમ્પે ઈરાનને આત્મસમર્પણ કરવા કહ્યું
ટ્રમ્પ આ યુદ્ધની શરૂઆતથી જ ઈરાનને આત્મસમર્પણ કરવા ધમકી અને સલાહ આપી રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર બોલ્ડ અક્ષરોમાં પોસ્ટ કરી છે 'UNCONDITIONAL SURRENDER' અર્થાત તે ઈરાનને શરતો વિના આત્મસમર્પણ કરવા કહી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, અમે જાણ છે કે, સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે. તેઓ એક સરળ ટાર્ગેટ છે. પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે. અમે હાલ તેમના પર હુમલો કરવા જઈ રહ્યા નથી. અમે નથી ઈચ્છતા કે, મિસાઈલ વડે નાગરિકો પર હુમલો થાય તથા અમેરિકાના સૈનિકોને ટાર્ગેટ બનાવાય. પરંતુ હવે અમારી ધીરજ ખૂટી રહી છે.
ખામેનેઈ યુદ્ધની તરફેણમાં
ટ્રમ્પની ધમકીઓની ઈરાન પર કોઈ અસર થઈ નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈએ X પર અમેરિકા અને ઈઝરાયલને આકરો જવાબ આપ્યો છે. તેમણે પોતાના ટોપ કમાન્ડર અને વિજ્ઞાનીઓના મોત થયા હોવા છતાં યુદ્ધમાં ટકી રહેવાની ઈચ્છા જણાવી છે. તેમણે કહ્યું કે, યુદ્ધ હવે શરૂ થયુ છે. અમે આતંકવાદી જાયોની શાસનને આકરો જવાબ આપીશું. અમે યહુદીઓ પર કોઈ દયાભાવ દાખવીશું નહીં. ખામેનેઈનું આ નિવેદન ઈરાન યુદ્ધમાં અડીખમ લડત આપવા સજ્જ હોવાનો સંકેત આપે છે.