| (AI IMAGE) |
26000 arrested in Iran protests: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો પર વહીવટીતંત્રની કડક કાર્યવાહીને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકા સ્થિત 'હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી'(HRANA)ના તાજેતરના અહેવાલ મુજબ, આ હિંસામાં અત્યાર સુધીમાં 4029 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 3786 પ્રદર્શનકારીઓ અને 180 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આ આઘાતજનક આંકડાઓમાં 28 નિર્દોષ બાળકો અને 35 એવા લોકો પણ સામેલ છે જેઓ પ્રદર્શનનો ભાગ નહોતા. એજન્સીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 26,000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને એવી આશંકા છે કે મૃત્યુઆંક આનાથી પણ વધુ હોઈ શકે છે.
સરકારે આ હિંસા માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ગણાવ્યા છે. જોકે, વધતી મોંઘવારી અને આર્થિક તંગીથી પરેશાન જનતા માટે રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સુધારાનું વચન આપ્યું છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે કે સરકાર પ્રદર્શનકારીઓને દબાવવા માટે ફાંસીની સજાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. સત્તાવાર રીતે 3000 ધરપકડની વાત છે, પરંતુ બિનસત્તાવાર આંકડો 20,000 સુધી હોઈ શકે છે.
તોફાની તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ
ઈરાનમાં ઈન્ટરનેટ અને ફોન સેવાઓ પર પ્રતિબંધ હોવાથી હિંસાની પૂરી વિગતો બહાર આવી શકી નથી, પરંતુ હવે ધીમે-ધીમે પ્રતિબંધો હટી રહ્યા છે. પોલીસ વડા અહમદ-રેઝા રાદાને પ્રદર્શનકારીઓને 3 દિવસમાં આત્મસમર્પણ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પ્રત્યે નરમાશ રાખવાનું વચન આપ્યું છે, જ્યારે તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
આ પણ વાંચો: ચીન કેમ થઈ રહ્યું છે 'વૃદ્ધ'? સતત ચોથા વર્ષે વસ્તીમાં ઘટાડો, સરકારની યોજનાઓ નિષ્ફળ
ઈરાને અમેરિકા-ઇઝરાયલ પર લગાવ્યો ગંભીર આરોપ
બીજી તરફ, આ અશાંતિની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટી અસર જોવા મળી છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીને મળેલું આમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ફોરમે સ્પષ્ટતા કરી છે કે ઈરાનમાં નાગરિકોના કરુણ મોતના પગલે ઈરાની સરકારનું પ્રતિનિધિત્વ સ્વીકાર્ય નથી. જોકે, ઈરાને આ નિર્ણયની ટીકા કરતા તેને અમેરિકા અને ઇઝરાયલનું રાજકીય દબાણ ગણાવ્યું છે.
ખામેનેઈનું મોટું નિવેદન: હજારોના મોત થયાનો પ્રથમવાર સ્વીકાર
નોંધનીય છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ પહેલીવાર આ મામલે મૌન તોડતા સ્વીકાર્યું છે કે આ પ્રદર્શનોમાં 'હજારો' લોકોના મોત થયા છે, જોકે તેમણે આ હિંસા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. ઈરાન સરકારે હવે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે જેઓ દેશદ્રોહી પ્રવૃત્તિમાં સામેલ છે તેમને સજા આપવામાં આવશે, પરંતુ જે લોકો માત્ર અન્યના બહેકાવવામાં આવીને પ્રદર્શનમાં જોડાયા હતા તેમના પ્રત્યે નરમાશ રાખવામાં આવશે.


