| (AI IMAGE) |
China Population Decline: પાડોશી દેશ ચીન આ દિવસોમાં એક મોટી મુસીબતમાં ફસાતો જઈ રહ્યો છે. સતત ચોથા વર્ષે ચીનની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે અને 2025માં જન્મ દર એક દાયકા પહેલાની તુલનામાં લગભગ એક કરોડ જેટલો ઓછો થઈ ગયો છે. આ ગંભીર જનસંખ્યાકીય સંકટ માટે ચીનની દાયકાઓ જૂની 'વન ચાઈલ્ડ પોલિસી'ને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.
જન્મદરમાં ઐતિહાસિક ઘટાડો
ચીનના રાષ્ટ્રીય સાંખ્યિકી બ્યુરો(NBS) દ્વારા સોમવારે જાહેર' કરાયેલા આંકડા મુજબ, 2025માં દેશમાં માત્ર 79.2 લાખ બાળકોનો જન્મ થયો, જ્યારે 2024માં આ સંખ્યા 95.4 લાખ હતી. આમ, માત્ર એક વર્ષમાં જન્મ દરમાં 17%નો મોટો ઘટાડો આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, 1949માં વસ્તીનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી આ સૌથી ઓછો જન્મ દર છે.
વસ્તીમાં રેકોર્ડ ઘટાડો અને વધતો મૃત્યુદર
NBSના આંકડા મુજબ, ચીનની કુલ વસ્તી 2025માં 33.9 લાખ ઘટીને 1.4049 અબજ થઈ ગઈ, જે એક વર્ષ પહેલા 1.4083 અબજ હતી. 1959-1961ના ભીષણ દુકાળને બાદ કરતાં, આ અત્યાર સુધીનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો છે. આ સાથે, ગયા વર્ષે લગભગ 1.13 કરોડ લોકોના મૃત્યુ થયા, જે છેલ્લા પાંચ દાયકામાં સૌથી વધુ છે.
વૃદ્ધોનો વધતો બોજ
આ ઉપરાંત, ચીન હાલમાં વૃદ્ધોની ઝડપથી વધતી વસ્તીની સમસ્યાથી પણ ઝઝૂમી રહ્યું છે. 2024ના અંત સુધીમાં, ચીનમાં 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોની સંખ્યા 31 કરોડ સુધી પહોંચી ગઈ હતી. 2035 સુધીમાં આ આંકડો 40 કરોડને પાર કરી જવાનો અંદાજ છે, જે દેશના અર્થતંત્ર અને સામાજિક માળખા પર ભારે બોજ નાખશે.
આટલી ગંભીર સ્થિતિ કેવી રીતે થઈ?
આ ગંભીર સંકટનું મૂળ કારણ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા દાયકાઓ સુધી અપનાવવામાં આવેલી કઠોર 'વન-ચાઈલ્ડ પોલિસી'ને માનવામાં આવે છે. આ નીતિને 2016માં સમાપ્ત કરી દેવામાં આવી હતી અને 2021માં ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બાળકોના ઉછેરના વધતા ખર્ચ અને લગ્નોમાં થયેલા ઘટાડાને કારણે યુગલો વધુ બાળકો પેદા કરવા તૈયાર નથી. 2024માં થયેલા લગ્નોની સંખ્યા 1980 પછી સૌથી ઓછી હતી.
સરકારના ઉપાયો પણ નિષ્ફળ
છેલ્લા કેટલાક વર્ષોમાં, ચીને જન્મ દર વધારવા માટે રાષ્ટ્રીય શિશુ સંભાળ સબસિડી યોજના(દરેક બાળક માટે પ્રતિ વર્ષ $1,534 સુધી) અને કોન્ડોમ પર ટેક્સ વધારવા જેવા અનેક ઉપાયો લાગુ કર્યા છે. જોકે, આમાંથી કોઈ પણ ઉપાય કારગર સાબિત થઈ રહ્યો નથી.


