બદલાઈ ગયા યુદ્ધના સમીકરણ? ઈરાનનો દાવો- અમારા હુમલામાં ઈઝરાયલમાં સેંકડો મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Israel Conflict: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે શનિવારે (21મી માર્ચ) રાત્રે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાને દાવો કર્યો છે કે અમે ઈઝરાયલના સૌથી સુરક્ષિત ગણાતા પરમાણુ શહેર ડિમોના સહિત પાંચ મુખ્ય શહેરો પર મિસાઈલ મારો કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) અનુસાર, આ હુમલામાં ઈઝરાયલ અને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ભારે જાનહાનિ થઈ છે.
ડિમોનાનું સુરક્ષા કવચ ભેદાયું?
અહેવાલો અનુસાર, ઇઝરાયલી રણમાં વસેલું ડિમોના શહેર તેના પરમાણુ રિએક્ટર માટે વિશ્વભરમાં જાણીતું છે. આ શહેરની સુરક્ષા માટે ઈઝરાયલે આયર્ન ડોમ અને અદ્યતન એરોસ્પેસ સંરક્ષણ પ્રણાલી તહેનાત કરી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ મિસાઈલ આ કવચ તોડી શકશે નહીં, પરંતુ શનિવારે રાત્રે ઈરાની મિસાઈલોએ આ ભ્રમ તોડી નાખ્યો હોવાનો દાવો કરાયો છે.
'ઓપરેશન ટ્રુ પ્રોમિસ'નો 73મો તબક્કો
ઈરાને આ જવાબી કાર્યવાહીને ઓપરેશન ટ્રુ પ્રોમિસ નામ આપ્યું છે, જે હવે તેના ચોથા અને સૌથી ઘાતક તબક્કામાં પ્રવેશી ગયું છે. શનિવારે રાત્રે થયેલા 73માં તબક્કાના હુમલામાં ઈરાને ત્રણ પ્રકારના ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
ફત્તાહ: ઈરાનની હાઈપરસોનિક મિસાઈલ, જેની ગતિને કારણે તેને અટકાવવી લગભગ અશક્ય છે.
કાદર અને એમાદ: લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલો.
એટેક ડ્રોન્સ: ચોકસાઈપૂર્વક હુમલો કરવા માટે વપરાયેલા ડ્રોન્સ.
ઈઝરાયલના આ પાંચ શહેરો નિશાન પર
IRGCના જણાવ્યાનુસાર, ઈઝરાયલના મુખ્ય શહેરો ડિમોના, બેર શેવા, ઈલાત, અરાદ અને કિર્યાત ગેટ પર એકસાથે હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલો
ઈરાનનો સંદેશ સ્પષ્ટ છે કે તે માત્ર ઈઝરાયલ જ નહીં પણ અમેરિકા સામે પણ લડી રહ્યું છે. ઈરાને કુવૈતમાં અલી અલ-સાલેમ એર બેઝ તેમજ યુએઈ (UAE) માં આવેલા અલ-મિન્હાદ અને અલ-ધફ્રા એર બેઝને પણ નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
જાનહાનિ અંગે વિરોધાભાસી દાવા
ઈરાની મીડિયા અને IRGCનો દાવો છે કે આ હુમલામાં 200થી વધુ લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. બીજી તરફ, ઈઝરાયલ સત્તાવાર રીતે માત્ર 50 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવી રહ્યું છે. જોકે, ઈઝરાયલી અખબાર 'યેદિયોથ અહરોનોથ' એ સ્વીકાર્યું છે કે, 28 ફેબ્રુઆરી પછી ઈઝરાયલી નાગરિકો માટે આ સૌથી મુશ્કેલ અને ભયાનક રાત હતી.








