Donald Trump Issues 48-Hour Warning on Strait of Hormuz Crisis | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા ઊભી થઈ છે ત્યારે હવે હોર્મુઝની ખાડી અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, જો 48 કલાકમાં હોર્મુઝમાં સામાન્ય અવરજવર શરૂ નહીં થાય તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્ર નષ્ટ કરી નાંખશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યો છે અને સ્થિતિ વધુ સ્ફોટક બની છે.
ઈઝરાયલ જ નહીં યુરોપ સુધી પહોંચી શકે છે ઈરાનની મિસાઈલો: ઈઝરાયલનો દાવો
ઈઝરાયલનો દાવો છે કે ઈરાને યુદ્ધની શરૂઆત પછી પહેલીવાર લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા-બ્રિટનના સૈન્ય બેઝ 'ડીએગો ગાર્સિયા' પર 4,000 કિમીની રેન્જ ધરાવતી બે મિસાઈલો છોડી હતી. ઈઝરાયેલના સૈન્ય અધિકારી એયાલ ઝમીરે ચેતવણી આપી છે કે આ મિસાઈલો માત્ર ઈઝરાયેલ માટે જ નહીં, પણ બર્લિન, પેરિસ અને રોમ જેવી યુરોપિયન રાજધાનીઓ માટે પણ સીધો ખતરો છે.
ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનમાં અત્યાર સુધી બે હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે ઈરાનના હુમલામાં ઈઝરાયલે માત્ર 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે.


