ઈરાને અમેરિકન સૈનિકોની હત્યા માટે 30 હજાર ડોલરનું ઈનામ જાહેર કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

(પીટીઆઈ) દુબઈ : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધનો હાલ કોઈ અંત દેખાતો નથી. ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું રોકવા અને સત્તા પરિવર્તન માટે શરૂ થયેલું યુદ્ધ હવે હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ મુદ્દે અટવાયું છે અને દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. આવા સમયે ઈરાને અમેરિકન સૈનિકોને પકડવા અથવા હત્યા બદલ ૩૦,૦૦૦ ડોલરના ઈનામની જાહેરાત કરી છે. ઈરાની સેનાના પ્રમુખની આ જાહેરાતે ભારે વિવાદ સર્જ્યો છે. ઈઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હુમલા ચાલુ રાખતા ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતા.
ઈરાનના હુમલાથી અમેરિકન યુદ્ધજહાજ અબ્રાહમ લિંકનમાં તૈનાત ૫,૦૦૦ સૈનિકો માટેની સપ્લાય લાઈનો ખોરવાઈ ઃ કતારના સૈન્યે ત્રણ પાયલટને છ મહિનાથી કેદ કર્યાનો ઈરાનનો દાવો
ઈરાની સેનાના પ્રમુખ અમીર હાતિમે એલાન કર્યું છે કે જે કોઈપણ વ્યક્તિ અમેરિકન સૈનિકોને પકડીને અમને સોંપશે અથવા તેમની હત્યા કરશે તેને ૩૦,૦૦૦ ડોલરનું જંગી ઈનામ અપાશે. આ સાથે તેમણે એવી પણ જાહેરાત કરી કે કોઈ ઈરાની મહિલા આ કામ કરશે તો તેને બમણું એટલે કે ૬૦,૦૦૦ ડોલરનું ઈનામ અપાશે.
ઈરાની સેના પ્રમુખે દાવો કર્યો કે અમેરિકા સામે યુદ્ધમાં જોડાવા માટે જનતા તરફથી મળી રહેલા ભારે સમર્થન અને વિનંતી પછી આ યોજના તૈયાર કરાઈ છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કરાયું કે આ કાર્યવાહી ક્યારે અને ક્યાં કરાશે, કારણ કે આ યુદ્ધમાં ઈરાનની અંદર હજુ સુધી અમેરિકન જમીની સૈનિકોની કોઈ તૈનાતી થઈ નથી.
હાતિમીએ એવી પણ જાહેરાત કરી છે કે જે હથિયારથી અમેરિકન સૈનિકની હત્યા કરાશે તેને બમણી કિંમતે ખરીદી લેવાશે અને હત્યા કરનાર વ્યક્તિને નવું હથિયાર અપાશે. ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની સૈન્ય તાકત ખુલ્લી પડી ગઈ છે. હવે અમેરિકન સૈન્યને પર્શિયન અખાત, ઓમાનના અખાત અને હોર્મુઝની ખાડીમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે.
ઈરાન સામે યુદ્ધ વચ્ચે મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્યના ટોચના કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપરે અરબી સમુદ્રમાં યુએસએસ લિંકન જહાજની મુલાકાત લીધી હતી. યુએસએસ અબ્રાહમ લિકંન જાન્યુઆરીથી અરબી સમુદ્રમાં તૈનાત છે. જોકે, દુનિયાની સૌથી શક્તિશાળી અમેરિકન નેવી હવે તેના સૈનિકોને જમીન પર પહોંચાડવા માટે અનેક વખત વિચાર કરવા મજબૂર થઈ ગઈ છે. અબ્રાહમ લિંકનમાં તૈનાત ૫,૦૦૦ સૈનિક ૨૫૦ દિવસથી સમુદ્રમાં છે. આ સૈનિકોને મધ્ય-પૂર્વમાં જમીન પર પહોંચાડવામાં અમેરિકાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાને સતત અમેરિકાની સપ્લાય લાઈનો પર હુમલા કરીને સૈનિકો સુધી માલ-સામાન પહોંચાડવાનું મુશ્કેલ કર્યું છે. ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય બેઝ તેમજ ડીએગો ગાર્સિયા પર હુમલા કરીને અબ્રાહમ લિંકન પર તૈનાત સૈનિકો માટેની સપ્લાય લાઈન ખોરવી નાંખી છે.
દરમિયાન ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લા પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈઝરાયેલે કહ્યું હતું કે, દક્ષિણ લેબેનોનમાં તેના હુમલામાં હિઝબુલ્લાના બે કમાન્ડર સહિત ૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે.
- અમેરિકનોને મોંઘા ઈંધણ માટે તૈયાર રહેવા ટ્રમ્પની હાકલ
દુનિયાના સૌથી વ્યસ્ત વ્યાપારિક સમુદ્રી માર્ગોમાંના એક હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે ત્યારે હોર્મુઝની ખાડીના સમુદ્રી માર્ગમાંથી વ્યાપારિક જહાજોનું પરિવહન ઠપ્પ થઈ ગયું છે, જેથી ક્રૂડ ઓઈલના ભાવ ફરી વધવાના શરૂ થઈ ગયા છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન જનતાને મોંઘા ઓઈલની કિંમત ચૂકવવા તૈયાર રહેવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકનોએ આર્થિક કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તહેરાને અમેરિકા સાથે વાતચીતનો કોઈ નિર્ણય કર્યો નથી. અમેરિકા હોર્મુઝની ખાડી ખોલવા માગતા હોય તો તેમણે ઈરાનની શરતો સ્વીકારવી પડશે.









