‘ભારત હસ્તક્ષેપ કરે નહીં તો...’ ઈઝરાયલી સેનાના આક્રમક હુમલા વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
Isarael Iran War : ઈરાને ઈઝરાયલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં માત્ર ભારે તણાવ જ નહીં, પરંતુ મોટા પાયે યુદ્ધનો ભય પણ મંડરાઈ રહ્યો છે, ત્યારે ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ ફરીથી સ્થાપિત કરવા માટે ભારતના હસ્તક્ષેપની માંગ કરી છે. જેમાં ઈરાની રાજદૂતે કહ્યું, 'ભારતે આ તકનો લાભ ઉઠાવીને ઈઝરાયલને તેની આક્રમકતા રોકવા, ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે રાજી કરવા જોઈએ. માત્ર ભારત જ તેમના દેશ અને ઈઝરાયલ વચ્ચેના તણાવને ઘટાડી શકે છે. ભારત હસ્તક્ષેપ કરે નહીં તો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સ્થિતિ વધુ વણસી જશે.'
ભારત અને ઈઝરાયલના વડાપ્રધાને શું વાત કરી?
ભારતને બંને દેશો સાથેના સંબંધો સારા છે. આ કારણે જ ઈરાની રાજદ્વારીઓ ભારત સરકારને પશ્ચિમ એશિયા સંકટમાં સામેલ તમામ પક્ષો સાથે તણાવ ઘટાડવા અને વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી કે, જ્યારે ઈઝરાયલની સેનાએ તેના ઉત્તરી પાડોશી લેબનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓ સામે સંઘર્ષમાં નવો મોરચો ખોલ્યો હતો, ત્યારે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.'
આ પણ વાંચો : VIDEO: ‘દુનિયાભરના મુસ્લિમો ઈઝરાયલ સામે એક થાઓ’, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું આહવાન
ઈરાની રાજદૂતે કહ્યું કે, 'જો ઇઝરાયેલ અટકશે તો જ અમે પણ રોકીશું. ઈરાન યુદ્ધ નથી ઈચ્છતુ. અમે ક્ષેત્રમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જો અમારી રાષ્ટ્રીય સુરક્ષાને આંચ આવશે તો અમારી પાસે જવાબી કાર્યવાહી કરવા સિવાયનો કોઈ વિકલ્પ નથી અને અમે તે જ કર્યું છે.'
ઈરાની રાજદૂતે શું કહ્યું?
ઈરાની રાજદૂતે કહ્યું કે, ઈઝરાયલ પર મંગળવારે (01 ઓક્ટોબરે) બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવેલા હુમલા જવાબી કાર્યવાહીનો રણનીતિનો એક ભાગ હતો. ઈરાનની ધરતી પર હમાસના પ્રમુખ ઈસ્માઈલ હનીયેહની હત્યાના જવાબમાં કરવામાં આવેલો પલટવાર હતો. તેમણે અમારા રાજ્યના મહેમાન હતા અને ઈઝરાયલ દ્વારા આપણા દેશમાં તેમની હત્યા કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને આપણા બંધારણ મુજબ, અમારે જવાબી પ્રતિક્રિયાની સાથે આવા મુદ્દાનો સામનો કરવો પડશે.'
ઈરાની રાજદૂતે સ્પષ્ટ કર્યું કે, મિસાઈલ હુમલો હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહની હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો. આ મુદ્દો ગૂંચવવામાં આવી રહ્યો છે. ઈઝરાયલ સામે અમારી જવાબી કાર્યવાહી ફક્ત ઈસ્માઈલ હનીયેહની હત્યા માટે હતી, હિઝબુલ્લાહ માટે નહીં. હિઝબુલ્લાહ ખુદની સંભાળ રાખી શકતા હતા.' તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ વડાપ્રધાન મોદીને રશિયાને મનાવવા અને યુદ્ધવિરામ સ્થાપિત કરવા વિનંતી કરી હતી. આ પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કિવની મુલાકાતે ગયા હતા.