ગુપ્તચર વિભાગ, હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં ટ્રમ્પે કોરોનાની વાત કાને ધરી ન હતી
- ટ્રમ્પના તરંગી સ્વભાવના કારણે અમેરિકામાં કોરોના બેકાબુ બન્યો : ન્યૂયોર્ક ટાઈમ્સ
- અમેરિકામાં કોરોના ભરડો લેશે એવી ભીતિ વ્યક્ત થવા છતાં ટ્રમ્પ અર્થતંત્રના નિર્ણયો લેવામાં વ્યસ્ત રહ્યા, પોતાના નેતૃત્વમાં આંધળો ભરોસો રાખીને ટ્રમ્પે આખા અમેરિકાને જોખમમાં નાખ્યું : અમેરિકી મીડિયા કાળઝાળ
(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. 12 એપ્રિલ 2020, રવિવાર
કોરોના અમેરિકામાં હાહાકાર મચાવશે એવી અલગ અલગ સંગઠનોની અને એક્સપર્ટ્સની ચેતવણી છતાં ટ્રમ્પે તેમની વાત કાને ધરી ન હતી. તેના કારણે અમેરિકામાં કોરોના બેકાબુ બન્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં આ દાવો થયો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં અલગ અલગ એક્સપર્ટ્સને ટાંકીને અહેવાલ રજૂ થયો એ પ્રમાણે અમેરિકામાં કોરોના ફેલાયો તે પહેલાં જ ગુપ્તચર વિભાગ, હેલ્થ એક્સપર્ટ્સ, નેશનલ સિક્યુરિટી એજન્સીઓએ ટ્રમ્પને કોરોનાથી બચવાના આયોજન કરવાની ભલામણ કરી હતી.
ચીનમાં કોરોના ફેલાયો તે વખતે જ ટ્રમ્પને ચેતવણી આપી દેવામાં આવી હતી, પરંતુ અતિ આત્મવિશ્વાસમાં ટ્રમ્પે કોઈની વાત કાને ધરી ન હતી અને એ દરમિયાન ટ્રમ્પ અર્થતંત્રના નવા નિર્ણયો લેવામાં વધુ વિશ્વાસ કરતા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવાયું હતું કે ટ્રમ્પના તરંગી સ્વભાવના કારણે દેશમાં કોરોના કાબુ બહાર જતો રહ્યો. ટ્રમ્પને પોતાના નેતૃત્વમાં અતિ આત્મવિશ્વાસ હતો અને પોતાના ઉપર આંધળો ભરોસો મૂકીને ટ્રમ્પે આખા અમેરિકાને ખતરમાં હોમી દીધું.
પબ્લિક હેલ્થ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં દાવો થયો હતો કે ટ્રમ્પને જ્યારે એક પછી એક ચેતવણી આપવામાં આવી રહી હતી ત્યારે તેમણે એ અહેવાલોને ગંભીરતાથી લીધા ન હતા. ટ્રમ્પની માન્યતા હતી કે ચીનનો કોરોના વાયરસ અમેરિકામાં એટલી અસર કરશે નહીં. ટ્રમ્પને માત્ર છૂટા-છવાયા કેસની જ ધારણા હતી.
છેક સુધી ટ્રમ્પે કોરોનાને ગંભીરતાથી લેવાને બદલે અર્થતંત્રમાં અવરોધ ન આવે એ દિશાના જ નિર્ણયો લીધા હતા. હેલ્થને પ્રાથમિકતા આપવાને બદલે ટ્રમ્પે અર્થતંત્રને પ્રાધાન્ય આપ્યું હોવાનું મીડિયા અહેવાલમાં લખાયું હતું.
રીપોર્ટમાં ટ્રમ્પની ઝાટકણી કાઢતા લખાયું હતું કે દેશમાં કોરોના ફેલાતો હતો ત્યારે યોગ્ય પગલાં ભરવાને બદલે અને લોકડાઉન લાગુ કરવાને બદલે ટ્રમ્પ ચીન ઉપર આરોપ કરવામાં વ્યસ્ત હતા.