World

સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
સાઉદી અરેબિયામાં સુરક્ષા સ્થિતિને કારણે IndiGo એરલાઇન્સે 17 ઑક્ટોબર સુધી ચાર શહેરો, રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીના માટેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. યમનના હુથી જૂથના સતત હુમલાઓને પગલે આ નિર્ણય લેવાયો છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટ સ્ટેટસ વેબસાઇટ પર તપાસવા અને અપડેટ્સ માટે સંપર્કમાં રહેવા IndiGo દ્વારા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!

IndiGo Flights to Saudi Arabia Cancelled Till October 17 : સાઉદી અરેબિયામાં બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને IndiGo એરલાઇન્સે 17 ઑક્ટોબર સુધી ચાર શહેરો માટેની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. કંપનીની મંગળવારે જાહેર કરાયેલી સૂચના અનુસાર, રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીનાથી આવતી-જતી ફ્લાઇટ્સની સેવા આ સમયગાળા દરમિયાન બંધ રહેશે. સાઉદી અરેબિયામાં યમનના ઈરાન સમર્થિત હુથી જૂથના સતત હુમલાઓ વચ્ચે હવાઈ મુસાફરી પર પણ અસર જોવા મળી રહી છે.
IndiGoએ મુસાફરોને ઍરપૉર્ટ જવા માટે નીકળતાં પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ સત્તાવાર વેબસાઇટ પર તપાસવાની સલાહ આપી છે.

એરલાઇન્સે જણાવ્યું છે કે બુકિંગ વખતે આપવામાં આવેલી સંપર્ક વિગતો પર મુસાફરોને સમયસર અપડેટ મોકલવામાં આવી રહ્યાં છે. કોઈ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો સહાય માટે તેની સપોર્ટ ટીમ ઉપલબ્ધ છે. કંપનીએ પોતાની સૂચનામાં જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા તેની પ્રાથમિકતા છે અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

રિયાધના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની કામગીરી બંધ

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટની કામગીરી પણ સુરક્ષાના કારણોસર સ્થગિત કરવામાં આવી છે. સત્તાવાળાઓએ ઍરપૉર્ટ બંધ રાખવાનો સમયગાળો શનિવાર સુધી લંબાવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સાઉદીની નાગરિક ઉડ્ડયન સત્તાએ જણાવ્યું હતું કે ઍરપૉર્ટની સુવિધાઓની સુરક્ષા અને કામગીરી ફરી શરૂ કરવા માટેની તૈયારી સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવા કામગીરી સ્થગિત કરવામાં આવી છે. કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સાઉદી અરેબિયાનું જેદ્દાહ પછીનું બીજું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ છે.

હુથીઓના મિસાઇલ હુમલાથી વધ્યો તણાવ

સોમવારે મોડી રાત્રે હુથી જૂથે રિયાધના ઍરપૉર્ટ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યાનો દાવો કર્યો હતો. આ પહેલાં સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે તેણે રિયાધ તરફ છોડવામાં આવેલી હુથીઓની બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ અટકાવીને નષ્ટ કરી દીધી હતી. હુમલાઓને પગલે રાજધાનીના આકાશમાં હવાઈ અવરજવર ખોરવાઈ છે અને વિવિધ એરલાઇન્સે પોતાની સેવાઓ રદ કરી છે. આ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા જવા અથવા ત્યાંથી ભારત પરત ફરવાનું આયોજન કરતા મુસાફરોએ પ્રવાસ પહેલાં એરલાઇન્સની સત્તાવાર સૂચનાઓ તપાસવી જરૂરી છે.