ભારતના ધનકુબેરો માત્ર રૂ. 9 કરોડમાં અમેરિકાની સિટીઝનશિપ લઇ શકશે !

- ગ્રીન કાર્ડ કરતાં પણ ગોલ્ડ કાર્ડ મજબૂત હોવાનો દાવો
- અમેરિકન કંપનીઓ વિદેશી વિદ્યાર્થીને સ્પોન્સર કરશે તો તેણે ગોલ્ડ કાર્ડ માટે 20 લાખ ડોલર ખર્ચવા પડશે
ન્યૂયોર્ક-વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને જાણે સોનાની ખાણ સમજી લીધી લાગે છે. તેમણે વિદેશીઓને જે નીચોવવાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે તેનો ગોલ્ડ કાર્ડનું રુડુરુપાળુ નામ આપ્યું છે. દસ લાખ ડોલર ભરો અને ગોલ્ડ કાર્ડ મેળવો અને તે પણ એક જ જણે અને જો કોઈ કંપનીએ આવું કરવું હશે તો વીસ લાખ ડોલર ભરવા પડશે, એમ તેમણે આજે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું.
તેની સાથે તેમણે ગોલ્ડ કાર્ડને ગ્રીન કાર્ડ કરતાં પણ વધુ મજબૂત ગણાવતા દાવો કર્યો હતો કે ગોલ્ડ કાર્ડ ખરીદ્યાના પાંચ વર્ષ પછી અમેરિકાના નાગરિક બનશો તેવી ખાતરી આપી છે. આમ તેનું કહેવું છે કે ગોલ્ડ કાર્ડ ખરીદ્યું તો અમેરિકાનું નાગરિકત્વ પાંચ વર્ષમાં તે ગોલ્ડ કાર્ડ ખરીદનારને મળી જશે, જે ગ્રીન કાર્ડમાં શક્ય જ નથી.
હવે અહીં ખાટલે મોટી ખોડ એ છે કે અમેરિકન પ્રમુખની ટર્મ જ ચાર વર્ષની હોય છે. ટ્રમ્પે સત્તા પર આવ્યા પછી બાઇડેને કરેલા ૭૨ ટકા આદેશોને એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા પાછા ખેંચી લીધા, તે જ રીતે ટ્રમ્પ પછીના શાસનકાળમાં રિપબ્લિકનના બદલે ડેમોક્રેટ્સનો ટ્રમ્પ જેવો જ માથાફરેલો શાસક આવે અને ટ્રમ્પે તેના શાસનકાળમાં રજૂ કરેલી બધી યોજનાઓ પર કાતર ફેરવવા માડે તો તેણે આપેલા ગોલ્ડ કાર્ડની વેલ્યુ તો પછી ગ્રીન કાર્ડ તો જવા દો પિતળના ભારોભાર પણ નહીં રહે.
અહીં સવાલ ગોલ્ડ કે ગ્રીન કે ગમે તે કાર્ડનો નથી, પણ ટ્રમ્પની અને અમેરિકન વહીવટીતંત્રની વિશ્વસનીયતાનો છે. અમેરિકન રાજકારણીઓ તેમના જડસુ અભિગમના કારણે શટડાઉન જેવી સ્થિતિ લાવીને પોતાના જ દેશની પ્રજાને ૪૫-૪૫ દિવસ સુધી હેરાન કરી શકતાં હોય, તેમની આંતરિક હુંસાતુંસીમાં આખા અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટના સાત લાખથી વધુ કર્મચારીઓનો પગાર અટકી જતો હોય અને તેઓને ભૂખે મરવાની સ્થિતિ આવતી હોય તેવા દેશમાં ટ્રમ્પના ગોલ્ડ કાર્ડનું અને તેણે બોલેલા શબ્દોનું મૂલ્ય કેટલું અંકાય, જરા પણ નહી. આ જોતાં કહી શકાય કે આવી શાસન પદ્ધતિ તો ભારત જેવા કહેવાતા થર્ડ વર્લ્ડ કંન્ટ્રીમાં પણ નથી કે શાસક પક્ષ અને વિપક્ષ લડે અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર અટકી જાય.
ટ્રમ્પ પોતે બોલે અને ટ્વીટ કરી અને પછી લોકો તેને રીટ્વીટ કરે તે પહેલા પોતાની વાત ફેરવી નાખતાા ટ્રમ્પના આ ગોલ્ડ કાર્ડને વિશ્વસનીય કોણ ગણે. ટ્રમ્પે જો ગોલ્ડ કાર્ડની સાથે જ સીધી નાગરિકતા મળી જાય તેવી વાત રાખી હોત તો કોઈ કંઇક પણ જોખમ ઉઠાવત. પોતાના દુશ્મનો તો ઠીક, પરતુ મિત્રોને પણ ટેરિફમાં ન છોડનારા ટ્રમ્પ ગોલ્ડ કાર્ડનું જે નજરાણું લાવ્યા છે તે જોઈ જાણે અમેરિકા ગોલ્ડન કટોરા વડે આંતરરાષ્ટ્રીય સ્તરે ભીખ માંગી રહ્યું હોય તેમ વધુ લાગે છે. ટ્રમ્પની અમેરિકન પ્રમુખ તરીકેની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમણે એક અમેરિકન પ્રમુખ વિશ્વસનીયતા જે વૈશ્વિક સ્તરે હતી, તે ઘરઆંગણે પણ રહેવા દીધી નથી. આજે વિદેશમાં તો જવા દો અમેરિકામાં સ્થિતિ એવી છે કે લોકાને ટ્રમ્પ કરતાં ઉત્તર કોરીયાના શાસક કિમ જોંગ પર વધુ ભરોસો છે.
ટ્રમ્પ કહે છે કે ભારત અને ચીનના વિદ્યાર્થીઓ અહીંથી ભણીને પરત જતાં રહે છે તે શરમજનક છે. કંપનીઓ ગોલ્ડ કાર્ડ લઈને જાણીતી ઇન્સ્ટિટયુટોમાં જઈને સીધી ભરતી કરી શકે છે. એકબાજુએ ઇમિગ્રેશન વિરોધી નીતિ અપનાવનારા ટ્રમ્પની આ વાત જ બે મોંઢાની છે. શ્વેત રાષ્ટ્રવાદમાં માનતા ટ્રમ્પને હવે શ્વેત લોકો જ જોઈએ છે, પછી તે ભલેને તેમનામાં તેટલી પ્રતિભા ન હોય. હવે ટ્રમ્પ કહે છે કે અમેરિકન કંપનીઓ મોટી-મોટી ઇન્સ્ટિટયુટોમાં જઈને પ્રતિભાશાળી વિદ્યાર્થીને ૨૦-૨૦ લાખ ડોલરમાં રાખે. આ વાત કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવી છે. અમેરિકન કંપનીઓ તો ટ્રમ્પના ગોલ્ડ કાર્ડના નિયમનું પાલન કરવાના બદલે આખુ યુનિટ જ અમેરિકા બહાર ખસેડી દેવાનું વધુ મુનાસિબ સમજશે તેમ લાગે છે.

