ટ્રમ્પની ઈચ્છા પૂરી કરવા ભારતે પહેલા જ લઈ લીધો હતો મોટો નિર્ણય! ગેસ આયાત મામલે 6 મહિનાના ચોંકાવનારા આંકડા
India Imports Crude From US: અમેરિકા એક બાજુ ભારત પર રશિયામાંથી સૌથી વધુ ક્રૂડ આયાત કરવાના વલણથી નારાજ છે. પરંતુ ભારત દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ પર નજર કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે બીજો કાર્યકાળ શરૂ કર્યો ત્યારથી લઈને અત્યારસુધી ભારત દ્વારા અમેરિકામાંથી ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધનીય વધારો થયો છે. જે દર્શાવે છે કે, ભારતે અમેરિકમાંથી ક્રૂડ આયાતનું પ્રમાણ સતત વધાર્યું છે.
ઉલ્લેખનીય છે, ટ્રમ્પ ભારતની રશિયા અને ઈરાન સાથેના ક્રૂડ વેપારથી નાખુશ છે. જેના પર પ્રતિબંધો લાદવા ભારત પર 25 ટકા ટેરિફ બોમ્બ ફોડ્યો છે. જો કે, ભારતના ક્રૂડ આયાતના આંકડા ટ્રમ્પની નારાજગી અને આંકડાઓથી વિપરિત જ વલણ દર્શાવી રહ્યા છે. પરિવર્તન ભારતની ઊર્જા ખરીદી વ્યૂહરચનામાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. ભારત અમેરિકા સાથે તેના ઊર્જા સહયોગમાં વધારો ચાલુ રાખતા તાજેતરના ડેટા દર્શાવે છે કે ઊર્જા ક્ષેત્ર આ વિકસતી ભાગીદારીના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઉભરી રહ્યું છે, જે સંભવિત રીતે ભારત માટે વધુ સુરક્ષિત અને વૈવિધ્યસભર ઊર્જા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે. જાન્યુઆરીથી 25 જૂન, 2025 સુધીમાં, ભારતની યુએસ ક્રૂડ આયાત સરેરાશ 0.271 મિલિયન બેરલ પ્રતિ દિવસ (mb/d) રહી છે, જે 2024ના સમાન સમયગાળાની 0.18 mb/d તુલનામાં નોંધપાત્ર 51% નો વધારો છે.
જુન ત્રિમાસિકમાં ક્રૂડ આયાત 114 ટકા વધી
ભારતની અમેરિકામાંથી ક્રૂડ ખરીદવાની કવાયત સતત વધી રહી છે. છેલ્લા ત્રિમાસિકમાં નોંધનીય ગ્રોથ નોંધાયો છે, એપ્રિલથી જૂનના સમયગાળામાં 2024માં ક્રૂડ આયાત 114% વધી છે. જેના લીધે આયાત મૂલ્ય 2024-25માં 1.73 અબજ ડોલર સામે વધી 2025-26માં 3.7 અબજ ડોલર થયું છે. જુલાઈ 2025માં ભારતે જૂન 2025ની સરખામણીમાં અમેરિકાથી 23% વધુ ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું. જ્યારે ભારતની કુલ ક્રૂડ આયાતમાં અમેરિકાનો હિસ્સો ગયા વર્ષે માત્ર 3% હતો, તે આ વર્ષે જુલાઈમાં વધી 8% થયો છે.
આ પણ વાંચોઃ જુલાઈમાં દેશમાં વીજ વપરાશ માત્ર બે ટકા વધીને 153.63 અબજ યુનિટ
ભારતીય કંપનીઓ દ્વારા આયાત વધી
ભારતીય કંપનીઓ દ્વારા અમેરિકામાંથી ક્રૂડ આયાતનું પ્રમાણ વધી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં તેની ક્રૂડ આયાતમાં ઉલ્લેખનીય 150 ટકા વધારો નોંધાયો છે. ભારતીય કંપનીઓ માત્ર ક્રૂડ જ નહીં પણ એલપીજી અને નેચરલ ગેસની આયાતમાં પણ વધારો કરી રહી છે. 2024-25માં એલપીજી આયાત અગાઉના વર્ષએ 1.41 અબજ ડોલરની તુલનાએ વધી 2.46 અબજ ડોલર થઈ છે. લાંબાગાળાનો અબજો ડોલરનો એલએનજી કોન્ટ્રાક્ટ પણ ચર્ચા હેઠળ છે. જે અમેરિકા સાથે ઉર્જા સંબંધિત વેપારોમાં ઉછાળો દર્શાવે છે.
બંને દેશો વચ્ચે ગાઢ વેપાર સંબંધો
ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નવા આશાવાદ સાથે વધતા ઊર્જા વેપારનો સંબંધ છે. ભારતના વિદેશ મંત્રાલયે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો મજબૂત થતા રહેશે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે હિયારા હિતો અને લોકશાહી મૂલ્યો પર સ્થિત બંને દેશોની ભાગીદારી ગાઢ હોવાનું જણાવ્યું હતું.