જુલાઈમાં દેશમાં વીજ વપરાશ માત્ર બે ટકા વધીને 153.63 અબજ યુનિટ
- દેશભરમાં થયેલા વરસાદને કારણે એર કન્ડીશનર, કુલર જેવા ઉપકરણોનો ઉપયોગ ઘટતા વીજ વપરાશ ઘટયો
અમદાવાદ : દેશમાં વીજળી વપરાશ અને માંગના ડેટા દર્શાવે છે કે જુલાઈ ૨૦૨૫ દરમિયાન, દેશમાં વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે માત્ર ૨.૬ ટકા વધીને ૧૫૩.૬૩ અબજ યુનિટ થયો હતો. વીજળીની માંગમાં આ નજીવો વધારો મુખ્યત્વે દેશભરમાં સક્રિય ચોમાસાને કારણે થયેલા ભારે વરસાદ અને તેના કારણે એર કન્ડીશનર, કુલર જેવા ઠંડક ઉપકરણોના ઓછા ઉપયોગનું પરિણામ હતું.
જુલાઈમાં એક દિવસમાં સૌથી વધુ વીજળીની માંગ પણ જુલાઈ ૨૦૨૪માં લગભગ ૨૨૬.૬૩ ગીગાવોટ હતી તે ઘટીને ૨૨૦.૫૯ ગીગાવોટ થઈ ગઈ હતી. એ નોંધનીય છે કે મે ૨૦૨૪માં એક જ દિવસમાં સૌથી વધુ વીજળીની માંગનો સર્વકાલીન ઉચ્ચ સ્તર ૨૫૦ ગીગાવોટની આસપાસ પહોંચ્યો હતો, જ્યારે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૩માં આ આંકડો ૨૪૩.૨૭ ગીગાવોટ હતો.
સરકારી અંદાજ મુજબ, ૨૦૨૫ના ઉનાળામાં મહત્તમ વીજળીની માંગ ૨૭૭ ગીગાવોટ સુધી પહોંચવાની ધારણા હતી, પરંતુ આ વખતે એપ્રિલમાં શરૂ થયેલી ઉનાળાની ઋતુ દરમિયાન, જૂનમાં સૌથી વધુ માંગ ૨૪૨.૭૭ ગીગાવોટ હતી. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા આઠ દિવસ પહેલા ૨૪ મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું, જેના કારણે દેશભરમાં ભારે વરસાદ પડયો હતો અને જૂન-જુલાઈમાં એર કન્ડીશનર, ડેઝર્ટ કુલર વગેરેનો વપરાશ ઓછો થયો હતો.