ભારતનું નેતૃત્વ આત્મલક્ષી છે : નરેન્દ્ર મોદી ઉપર વ્લાદીમીર પુતિને પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં
- જો રશિયા ઉપર હુમલો થશે તો કોઈ સલામત નહીં રહે
- પશ્ચિમની ઉગ્ર ટીકા કરતાં પુતિને કહ્યું : જે તેમને ન અનુસરે તે બધાને આંખો મીચી ફગાવી દે છે : પહેલાં ભારતને ધિક્કારતા હતા હવે 'મિત્ર' બનાવી રહ્યાં છે
મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ભારતનું નેતૃત્વ આત્મલક્ષી છે તેમનાં નેતૃત્વ નીચે હાઈટેક એક્સપોર્ટ્સ સતત વધી રહ્યાં છે. ભારત નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ નીચે સતત સબળ બની રહ્યું છે.
પત્રકારોને ગઈકાલે આપેલી એક મુલાકાતમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની વર્તમાન અનિવાર્યતાઓ અને બદલાઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિની દ્રષ્ટિએ આપણે આંતરરાષ્ટ્રીય કાનૂનોમાં ફેરફાર કરવાની જરૂર છે. આ રીતે તેઓએ યુનોની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ આપવાનો નિર્દેશ કરતાં કહ્યું હતું કે, ૧ અબજ અને ૫૦ કરોડ (૪૦ કરોડ છે.)ની વસ્તી ધરાવતા અને ૭ ટકાના દરે આર્થિક વૃદ્ધિ કરી રહેલા દેશને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. તે તેને માટે યોગ્ય છે જ, આથી તે વૈશ્વિક પ્રશ્નોના ઉકેલ માટે ફાળો આપી શકશે.
આ સાથે પશ્ચિમની ઊગ્ર ટીકા કરતાં પુતિને કહ્યું હતું કે જે તેઓને ન અનુસરે તેમને દુશ્મન માની ફગાવી દે છે, જે તેમણે ભારત સાથે કર્યું હતું. જોકે હવે તેઓ ભારતનાં ગાઢ-મિત્ર બનવા મધુર બની રહ્યાં છે. અમે આ બરોબર જાણીએ જ છીએ.
એશિયામાં જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ રહી છે, તે અમે જોઈ રહ્યાં છીએ, અનુભવી પણ રહ્યાં છીએ, વાત બહુ સ્પષ્ટ છે. પરંતુ હું જાણું છું કે ભારતનું નેતૃત્વ આત્મલક્ષી છે, તે રાષ્ટ્રીય હિતોને દ્રષ્ટિમાં રાખી ચાલે છે.
બીજી તરફ તેઓ (પશ્ચિમ) આરબોને દુશ્મન માને જ છે. પરંતુ સાવચેતી ભર્યું વલણ રાખી રહ્યાં છે. છેવટે તો બધું શાંત થઈ જ જવાનું છે.
પુતિને આ સાથે નરેન્દ્ર મોદી ઉપર પ્રશંસાના પુષ્પો વરસાવતાં કહ્યું હતું કે, તેઓ ઘણા જ સમજુ છે, તેમનાં નેતૃત્વ નીચે ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે.
આ પૂર્વે વ્હાલાદીમીર પુતિને પશ્ચિમને જાણે કે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો રશિયા ઉપર હુમલો થશે તો કોઈ સલામત નહીં રહે. આ સાથે તેઓએ તેમ પણ સ્પષ્ટ રીતે કહ્યું કે રશિયાએ તાજેતરમાં જ નેકસ્ટ-જનરેશનનાં ન્યૂક્લિયર મિસાઇલ્સનાં સફળ પરીક્ષણો કરી લીધાં છે. છેલ્લું સફળ પરિક્ષણ, બ્યુરેવેસ્ટનિક સ્થિત મિસાઈલ ટેસ્ટિંગ સાઈટ ઉપરથી કરવામાં આવ્યું હતું.
તેમણે (પશ્ચિમને) ચેતવણી આપતાં કહ્યું હતું કે રશિયાએ તેની સરપાટ ઈન્ટરકોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ સીસ્ટમ માટેની તમામ કાર્યવાહી પુરી કરી દીધી છે. સાથે એવી પણ ધમકી આપી છે કે (જો વધુ છંછેડવામાં આવશે તો) રશિયા પરમાણું સંધિને કચરાપેટીમાં ફેંકી દઈ પરમાણું બોમ્બના પ્રયોગો ફરી શરૂ કરી દેશે.
તે સર્વવિદિત છે કે રશિયા પાસે આજે દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો છે. અમેરિકા તેથી ઘણું પાછળ છે.