અમેરિકામાં ભારતીયોનો દબદબો, વિવિધ શહેરના મેયરની ચૂંટણીમાં 36 જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું

USA News : અમેરિકાના વિવિધ શહેરોના મેયરોની ચૂંટણી માટે મંગળવારના રોજ મતદાન થયું છે ત્યારે તેમા ભારતીય અમેરિકન અને દક્ષિણ એશિયાના કુલ 36 ઉમેદવારોએ મોટાપાયા પર ઝંપલાવ્યું છે. તેમા સૌથી વિવાદાસ્પદ નામ ન્યૂયોર્કના મેયર પદ માટે દાવેદારી નોંધાવનારા ઝોહરાન મમદાની છે. તેઓ ભારતીય માતા મીરા નાયર અને ભારતીય મૂળના યુગાન્ડિયન લેખક પતા મહમૂદ માદાણીનું સંતાન છે.
આવું જ બીજું નામ વર્જિનિયાના લેફટનન્ટ ગવર્નરની ચૂંટણીમાં ઉતરેલી ગઝાલા હાશ્મીનું છે. ગઝાલા હાશ્મી વર્જિનિયા સેનેટમાં કામ કરનારી પ્રથમ મુસ્લિમ અને સાઉથ એશિયન અમેરિકન મહિલા છે.
ગઝાલા હાશ્મી ચાર વર્ષની હતી ત્યારે તેની માતા સાથે ભારતથી અમેરિકા આવી હતી. તેના પિતાએ જ્યોર્જિયામાં પીએચડી કર્યુ હતુ અને યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ટીચિંગ કરતા હતા, ગઝાલા તેમની સાથે જોડાઈ હતી. તે નવેમ્બર 2019માં સૌપ્રથમવ ખત ચૂંટાઈ હતી. તેણે અપસેટ સર્જતા પ્રબળ દાવેદાર રિપબ્લિકન ઉમેદવારને હરાવીને રાજકીય ભૂકંપ સર્જયો હતો.
આખા અમેરિકાની જ નહીં વિશ્વની નજર છે તેવા ન્યૂયોર્ક શહેરના મેયર પદની ચૂંટણી માટે ઝોહરાન મામદાણી ઉતર્યા છે.
ટ્રમ્પ પણ મમદાણી સામે ભૂંરાટા થયા હોવાથી આખા વિશ્વની નજર તેમના પર છે. ડેમોક્રેટિક ઉમેદવાર ન્યૂયોર્કના મેયરપદની ચૂંટણીમાં ન્યૂયોર્ક સ્ટેટના ગવર્નર એન્ડ્ર્યુ ક્યુઓમોનો સામનો કરશે, જે સ્વતંત્ર ઉમેદવાર છે અને રિપબલ્કિન ઉમેદવાર કર્ટિસ સ્લિવા મેદાનમાં ઉતર્યા છે.
મમદાણી આ હોદ્દા માટે પ્રબળ દાવેદાર મનાય છે. મોટાભાગના સરવેમાં તેમને આગળ બતાવાયા છે.
આ જ રીતે ભારતીય મૂળના આફતાબ પૂરેવાલ ઓહિયામાં સિનસિનાટીના મેયર પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પુરેવાલ તિબેટિયન માતા અને પંજાબી પિતાનું સંતાન છે. તેમની માતા ચીનના કબજા હેઠળના તિબેટમાંથી બાળક હતા ત્યારે ભાગી છૂટયા હતા અને દક્ષિણ ભારતીય નિરાશ્રિત કેમ્પમાં તેમનો ઉછેર થયો હતો. પુરેવાલે તેમની કારકિર્દીનો પ્રારંભ 2015માં હેમિલ્ટન કાઉન્ટી ક્લાર્ક ઓફ કોર્ટથી કર્યો હતો.
આ જ રીતે સતીશ ગરિમેલા નોર્થ કેરોલિનામાં મોરિસવિલેની ચૂંટણીમાં અને દિની અજમાણી ન્યૂજર્સીમાં હોબોકેનના મેયરની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. જ્યારે બે વખતના મેયર રવિ ભલ્લા હાલમાં ન્યૂજર્સી સ્ટેટ એસેમ્બલી માટે મેદાનમાં ઉતર્યા છે.
આમ કેટલાય ભારતીય અમેરિકન અને સાઉથ એશિયન ઉમેદવારોએ ન્યૂજર્સી, નોર્થ કેરોલિના, ઓહિયો, વોશિંગ્ટન સ્ટેટ, જ્યોર્જિયા, ફ્લોરિડા અને પેન્સિલ્વેનિયા જેવા રાજ્યોની સિટી કાઉન્સિલની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

