H-1B Visa News : ભારતના ચેન્નાઈ સ્થિત વાણિજ્ય દૂતાવાસમાં કામ કરી ચૂકેલા ભારતીય મૂળના અમેરિકન ડિપ્લોમેટ મહવશ સિદ્દીકીએ એચ-1બી વિઝાને લઈને આરોપ લગાવ્યો છે કે એમાં અમેરિકન-ભારતીય અધિકારીઓની સંડોવણીથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં નકલી દસ્તાવેજોની મદદથી વિઝા આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેથી આ વિઝા પ્રોગ્રામ સદંતર બંધ કરી દેવો જોઈએ એવી માગણી પણ તેણે કરી હતી.
મહવશ સિદ્દીકીએ આરોપ લગાવ્યો હતો કે એચ-1બી વિઝા કેટેગરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભારતીયોમાં બેહદ પોપ્યુલર આ વિઝા કેટેગરીમાં એવા કમ્પ્યુટર એન્જિનિયર્સ વિઝા મેળવી લે છે, જેમને બેઝિક કોડિંગ પણ આવડતા નથી. પોતાનો અનુભવ શેર કરતાં આ ડિપ્લોમેટે કહ્યું હતું - હું ચેન્નાઈના વાણિજ્ય દૂતાવાસમાં હતી ત્યારે ઘણાં કમ્પ્યુટર એન્જિનિયર વિઝા મેળવવા આવતા હતા. તેમને કોડિંગ આવડતું ન હોય છતાં તેમને વિઝા મળી જતા હતા. કારણ કે એમાં મોટાપાયે ગરબડો ચાલતી હતી. અમુક ભારતીય અને અમેરિકન અધિકારીઓ નકલી અપોઈન્ટમેન્ટ લેટર તૈયાર કરી આપતા હતા એટલે વિઝા મેળવવામાં સરળતા થઈ જતી હતી. હૈદરાબાદના અમુક વિસ્તારોમાં નકલી ડિગ્રી અને દસ્તાવેજો બનાવવાનું રેકેટ ચાલતું હોવાનો આરોપ પણ તેણે લગાવ્યો હતો.
એક એન્ટી ઈમિગ્રેશન થિંક ટેંકને લેખિતમાં ફરિયાદ કરી હતી કે આ વિઝા પ્રોગ્રામ બંધ કરી દેવો જોઈએ. એચ-૧બી વિઝા પ્રોગ્રામ અસ્થાઈ વર્ક વિઝા છે, પરંતુ હવે આ પ્રોગ્રામ અમેરિકામાં એન્ટ્રી લેવાનો સરળ રસ્તો બની ગયો છે. આ પૂર્વ ડિપ્લોમેટે તો એવોય આરોપ લગાવ્યો હતો કે નકલી ડિગ્રી અને વધારીને બતાવાયેલા અનુભવના આધારે કેટલાય ભારતીયો આ વિઝા કેટેગરી હેઠળ અમેરિકામાં આવી જાય છે. અસંખ્ય ભારતીય નાગરિકો કે જેમની વય ૨૦થી ૪૫ વર્ષ છે, તે એચ-1બી વિઝા કેટેગરીનો ઉપયોગ અમેરિકામાં આવવા માટે શોર્ટકટની જેમ કરે છે. તેનાથી અમેરિકાના આઈટી પ્રોફેશ્નલ્સને નુકસાન થાય છે એવું પણ મહવશ સિદ્દીકીએ કહ્યું હતું.
ભારતના વાણિજ્ય દૂતાવાસમાં કામ કરી ચૂકેલા આ અમેરિકન અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે માત્ર આઈટી સેક્ટરમાં જ નહીં, મેડિકલના ક્ષેત્રે પણ અમેરિકાના વિઝા મેળવવા માટે અલગ અલગ તરકીબો અજમાવવામાં આવે છે. ભારતીય મેનેજરો પણ આરોપ લગાવતા આ અધિકારીએ કહ્યું કે અમુક મેનેજરો ભારતીયો તરફ પક્ષપાત રાખે છે અને તેમને નોકરીએ રાખવાનો આગ્રહ રાખે છે.


