વર્ક પરમિટમાં વિલંબ બદલ ભારતીય મહિલાએ કેસ દાખલ કર્યો
૭૫૦૦૦ અપ્રકાશિત ઇએડી દબાવી રાખવાનો આરોપ
રણજિતા સુબ્રમણ્યાની ફેડરલ કોર્ટમાં યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ સામે અરજી
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨૫
ભારતીય મહિલાએ વર્ક પરમિટ ઇશ્યુ કરવામાં વિલંબ બદલ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ સામે કેસ દાખલ કર્યો છે. મહિલાએ આરોપ મૂક્યો છે કે યુસીઆઇએસએ ૭૫,૦૦૦ અપ્રકાશિત એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન દસ્તાવેજો દબાવી રાખ્યા છે.
રંજિતા સુબ્રમણ્ય એચ-૪ આશ્રિત વિઝા પર અને તેમના પતિ વિનોદ સિંહા એચ-૧બી વર્ક વિઝા પર અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. ઓહિયોમાં ફેડરલ કોર્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સાત એપ્રિલના રોજ તેની એચ-૪ સ્ટેટસ અને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ(ઇએડી)ને મંજૂરી મળી ગઇ હતી પણ હજુ સુધી તેમને વર્ક ઓથોરાઇઝેશન કાર્ડ મળ્યો નથી.
જેના પરિણામે તેમની કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે કારણકે ઇએડી સાત જૂનના રોજ સમાપ્ત થઇ ગયું છે. તેમના વકીલ રોબર્ટ એચ કોહેને જણાવ્યું છે કે અત્યાર સુધી તેમને ઇએડી મળ્યું નથી જેના કારણે તેઓ નોકરી કરી શકતા નથી.આ ઉપરાંત તમની કંપનીએ તેમને જણાવ્યું છે કે જો તે ૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશનનો પુરાવો રજૂ કરશે નહીં તો તો તેમને કાયમ માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ(યુએસસીઆઇએસ) એચ-૧બી વિઝા હોલ્ડરોના નજીકના પરિવારજનોને એચ-૪ વિઝા આપે છે. એચ-૪ વિઝાધારકોના જીવનસાથી પણ ઇએડી માટે અરજી કરી શકે છે.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે યુએસસીઆઇએસ ૭૫,૦૦૦ અપ્રકાશિત ઇએડી દબાવીને બેઠું છે.