ડૉક્ટર બનવા આવ્યા હતા, હવે જીવિત પાછા જઈએ એ જ બહુ: ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વેદના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Students in Iran: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયા છે અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ઈરાનમાં વધી રહેલા ઇઝરાયલી હવાઈ હુમલાઓ વચ્ચે સેંકડો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઍપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં છુપાઈ ગયા છે. ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટના અવાજો અને ધીમી ઇન્ટરનેટ સ્પીડ જેવા કારણોસર ખૂબ જ ડરેલા છે. આ ભયાનક પરિસ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી છે.
અમે ત્રણ દિવસથી સૂતા નથી: ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ
કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી ઈમ્તિસલ મોહીદીન તેહરાનમાં શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષના એમબીબીએસનો વિદ્યાર્થી છે. શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં 350થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓ હાલ ખૂબ જ ડરેલા છે. આ માહોલના કારણે યુનિવર્સિટીએ બધા ક્લાસ મુલતવી રાખ્યા છે અને વિદ્યાર્થીઓને બહાર જવાની મનાઈ ફરમાવી છે. ઈમ્તિસલના જણાવ્યા મુજબ, 'અમે હવે આખો દિવસ ઍપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં છુપાઈ રહીએ છીએ. તેમજ આખી રાત બ્લાસ્ટના અવાજ સંભળાય છે. અમે ત્રણ દિવસથી સૂતા નથી.'
ભારતીય દૂતાવાસની સલાહ: ઘરે રહો, હેલ્પલાઇન સાથે સંપર્કમાં રહો
ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેહરાનમાં ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે, 'અમે 24/7 હેલ્પલાઇન સ્થાપિત કરી છે. ભારતીય સમુદાયના સભ્યો સાથે અમે સતત સંપર્કમાં છીએ. ભારતીયોએ ગભરાવાની જરૂર નથી બસ સાવચેત રહો અને ઇન્ટરનેટ મીડિયા દ્વારા ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહો. ભારતીયોની સલામતી અમારા માટે સર્વોપરી છે.'
બિનજરૂરી અવર-જવર ટાળવી
ભારતીયોને સતર્ક રહેવા, કોઈપણ બિનજરૂરી હિલચાલ ટાળવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ ઇઝરાયલમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે, જેમાં કેર વર્કર્સ, કામદારો, વિદ્યાર્થીઓ, વ્યવસાય અને પ્રવાસી જૂથોનો સમાવેશ થાય છે.
અહીં ડૉક્ટર બનવા માટે આવ્યા હતા, હવે જીવિત પાછા જઈએ એ જ બહુ છે
જોકે, વિદ્યાર્થીઓ કહે છે કે ભયનું વાતાવરણ એટલું વધારે છે કે ફક્ત સલાહ અને સંદેશાથી રાહત નહિ મળે. ઈમ્તિસલએ કહ્યું, 'અમે ભારત સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તેઓ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં શક્ય તેટલી વહેલી તકે અહીંથી અમને બહાર કાઢે. અમે અહીં ડૉક્ટર બનવા માટે આવ્યા હતા, હવે જીવિત પાછા જઈએ એ જ બહુ છે.'
આ પણ વાંચો: ઈરાને મચાવેલી તબાહી જોઈ નેતન્યાહૂ ગુસ્સે ભરાયા, કહ્યું - 'હવે ભારે કિંમત ચૂકવવી પડશે'
તેહરાનથી લગભગ 1,000 કિમી દૂર આવેલા કેરમાન શહેરમાં અભ્યાસ કરતાં ફૈઝાન નબી જે શ્રીનગરનો રહેવાસી છે અને કેરમાન યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરે છે. ફૈઝાને કહ્યું, 'આજે અમે શહેરમાં ગોળીબારના અવાજો સાંભળ્યા હતા. તેહરાનમાં રહેતાં મારા મિત્રો ખૂબ ડરી ગયા છે. ગભરાટ એટલો બધો છે કે અમને 3-4 દિવસ માટે પીવાનું પાણી સંગ્રહ કરવાનું કહેવામાં આવ્યું છે. દરેક દિવસ ભયમાં પસાર થઈ રહ્યો છે. મારા માતા-પિતા દિવસમાં 10 વાર ફોન કરે છે. ઇન્ટરનેટની સ્પીડ એટલી ઓછી છે કે હું યોગ્ય રીતે મેસેજ પણ મોકલી શકતો નથી. અમે અહીં ડૉક્ટર બનવા માટે આવ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે અમે ફક્ત જીવતા ઘરે પાછા ફરવાની આશા રાખી રહ્યા છીએ.'









