Oxford Debate: ઑક્સફોર્ડ યુનિયનમાં ભારત અને પાકિસ્તાન અંગેના ઠરાવ સાથે જોડાયેલા એક પ્રસ્તાવને લઈને મોટો વિવાદ થયો છે. એવો આરોપ છે કે, પાકિસ્તાની મૂળના અધ્યક્ષ મૂસા હર્રાજે એક એવી ડિબેટમાં પાકિસ્તાનની જીતનો દાવો કર્યો, જે ક્યારેય ઔપચારિક રીતે યોજાઈ જ નહતી. આ ઘટનાક્રમથી સોશિયલ મીડિયાથી લઈને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વર્તુળો સુધી તીખી પ્રતિક્રિયા જોવા મળી છે.
દાવાની શું છે હકીકત?
વિવાદાસ્પદ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, "આ ગૃહ માને છે કે પાકિસ્તાન પ્રત્યેની ભારતની નીતિ, સંરક્ષણ નીતિના નામે વેચવામાં આવી રહેલી લોકપ્રિય વ્યૂહનીતિ છે.' જોકે, નવેમ્બરમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે આ જ પ્રસ્તાવ પર એક અલગ અને સાર્થક ચર્ચા થઈ હતી, જેમાં ભારતીય પક્ષે પાકિસ્તાની દલીલોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. આ ચર્ચાનું નેતૃત્વ મુંબઈમાં જન્મેલા અને ઑક્સફોર્ડમાં કાયદાનો અભ્યાસ કરી રહેલા વીરાંશ ભાનુશાલીએ કર્યું હતું.
26/11 હુમલાથી મૂક્યો ભારતનો પક્ષ
વીરાંશ ભાનુશાલીએ પોતાના ભાષણની શરુઆત 26/11ના મુંબઈ આતંકી હુમલાની સ્મૃતિથી કરી. તેમણે જણાવ્યું કે, તેમનો પરિવાર અને આખું મુંબઈ શહેર તે ત્રણ રાત દરમિયાન આતંકના પડછાયામાં જીવી રહ્યું હતું. સીએસએમટીએ જગ્યાઓમાંથી એક હતું, જ્યાં મારા ઘરની એક સભ્ય રોજ પસાર થતી. નસીબથી તે રાત્રે તે બચી ગઈ, પરંતુ 166 લોકો ન બચી શક્યા. 1999ના મુંબઈનો બોમ્બ બ્લાસ્ટ મારા ઘરથી ફક્ત 200 મીટર દૂર હતો. હું આતંકના પડછાયામાંથી આવ્યો છું.
'ચર્ચા જીતવા ફક્ત કેલેન્ડર જ પૂરતું...'
ભારતીય વિદ્યાર્થીએ પાકિસ્તાન દ્વારા ભારતની સંરક્ષણ નીતિને ચૂંટણીની વ્યૂહનીતિ જણાવતાં જવાબ આપ્યો અને કહ્યું કે, 'આ ચર્ચા જીતવા માટેની મારે નિવેદનબાજી નહીં, ફક્ત એક કેલેન્ડર જોઈએ.' 1993, 2008 (26/11), પઠાણકોટ, ઉરી અને પુલવામા જેવા આતંકી હુમલાની તારીખો ગણાવતાં પૂછ્યું કે, 'શું દરેક આતંકી હુમલા પાછળ ચૂંટણી હતી? ના. આતંક વોટ માટે નથી આવ્યો, તે એટલે આવે છે કારણ કે, પાકિસ્તાની ધરતીથી તેને સંરક્ષણ મળે છે. ભારત લોકપ્રિય નીતિ અપનાવતું તો 26/11 બાદ જ યુદ્ધ શરુ કરી દેત. પરંતુ, તે સમયે સરકારે સંયમ રાખ્યો, વ્યૂહનીતિ અપનાવી, દુનિયાને પુરાવા સોંપ્યા, પરિણામ શું આવ્યું? પઠાણકોટ, ઉરી અને પુલવામા. ઓપરેશન સિંદૂરને ચૂંટણી સ્ટંટ બતાવવું તથ્યહીન છે. કારણ કે, તે સમયે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી હતી.'
પાકિસ્તાન પર તીખા પ્રહાર
પાકિસ્તાન પર તીખા પ્રહાર કરતાં વીરાંશ ભાનુશાલીએ કહ્યું કે, 'ભારત જ્યારે કાર્યવાહી કરે છે, તો પાઇલટોની ડી-બ્રીફિંગ થાય છે. પાકિસ્તાનમાં ગીતોની ઑટો-ટ્યૂનિંગ થાય છે. જ્યારે તમે પોતાના લોકોને કટકો રોટલી નથી આપી શકતા, તો તેમને યુદ્ધનું સર્કસ બતાવો છો.'
આ પણ વાંચોઃ 'આટલું પ્રદૂષણ છતાં એર પ્યોરિફાયર પર 18% ટેક્સ શા માટે?' હાઈકોર્ટની કેન્દ્રને લપડાક
ભારત યુદ્ધ નથી ઇચ્છતુંઃ વીરાંશ ભાનુશાલી
વીરાંશે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ભારત યુદ્ધ નથી ઇચ્છતું. પરંતુ, જ્યાં સુધી આતંકનો વિદેશ નીતિના હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવશે, ત્યાં સુધી ભારત પોતાની સુરક્ષાથી સમાધાન નહીં કરે.'
ભારતનો આરોપ
પાકિસ્તાની પક્ષનું નેતૃત્વ કરનારા મૂસા હર્રાજે પાકિસ્તાનના સંરક્ષણ ઉત્પાદન મંત્રી મોહમ્મદ રઝા હયાત હર્રાજેના દીકરા છે. તેમના પર આરોપ છે કે, તેમણે જાણીજોઈને નિષ્ણાતોની ચર્ચાને વિફળ કરાવીને પાકિસ્તાનની જીતનું નેરેટિવ ઘડ્યું. આ વિવાદને લઈને ભારત તરફથી આમંત્રિત વક્તા જે સાઇ દીપક અને પ્રિયંકા ચતુર્વેદીએ પણ ખુલાસો કર્યો કે, ભારતીય પક્ષને અંતિમ સમયે સૂચના આપીને જાણી જોઈને આવવાથી રોકવામાં આવ્યા હતા.
જોકે, વિદ્યાર્થીઓની ચર્ચાનો વીડિયો હવે સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વીરાંશ ભાનુશાલીની દલીલોને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે, આ ચર્ચાએ ફરી એકવાર પુરવાર કર્યું કે, આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનું નેરેટિવ તથ્યો સામે ટકી નથી શકતું, પછી ભલે મંચ ગમે તેટલું પ્રતિષ્ઠિત કેમ ન હોય.


