Indian Student Arrested In US: અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરતા 28 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પ્રણીત કુમાર ઉસીરીપલ્લીની બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રણીતે શિકાગોથી જર્મનીના ફ્રેન્કફર્ટ જતી ફ્લાઇટમાં બે કિશોરો પર કાંટાવાળી ચમચીથી હુમલો કર્યો અને એક મહિલા મુસાફરને થપ્પડ મારી હતી, જેના કારણે પાયલોટે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ચમચી વડે હુમલો અને મારામારી
અહેવાલો અનુસાર, ફ્લાઇટ ઉડાન ભર્યાના થોડા સમય પછી જ્યારે ક્રૂ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું, ત્યારે પ્રણીત કુમારે કોઈપણ ઉશ્કેરણી વિના કાંટાવાળી ચમચી ઉપાડીને બે કિશોરો પર હુમલો કર્યો હતો. તેણે એકના ખભામાં અને બીજાના માથાના પાછળના ભાગમાં ઘા માર્યા હતા, જેના કારણે બંનેને ઈજા થઈ હતી. આ ઉપરાંત, તેણે કથિત રીતે એક મહિલા મુસાફરને થપ્પડ મારી હતી અને ફ્લાઇટના એક ક્રૂ સભ્યને પણ થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો.
પાઇલટે કર્યું ઇમરજન્સી લેન્ડિંગ
ફ્લાઇટમાં સર્જાયેલી આ ગડબડની જાણ થતાં જ પાયલોટે પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ફ્લાઇટનો માર્ગ બદલીને બોસ્ટન લોગન એરપોર્ટ તરફ વાળી દીધો. ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થતાં જ આરોપી પ્રણીત કુમારને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો હતો.
પ્રણીત કુમાર પર ગંભીર આરોપો
યુએસ એટર્નીની ઓફિસના જણાવ્યાનુસાર, ભારતીય વિદ્યાર્થી પર યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિમાનમાં મુસાફરી કરતી વખતે ખતરનાક હથિયારથી હુમલો કરવા અને ઇરાદાપૂર્વક શારીરિક નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રણીત સ્ટુડન્ટ વિઝા પર યુએસમાં દાખલ થયો હતો અને તેણે તાજેતરમાં જ બાઇબલ સ્ટડીઝમાં માસ્ટર પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે, તેની પાસે હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાનો કોઈ કાનૂની દરજ્જો નથી.


