Get The App

મેલિસા વાવાઝોડું: 174 વર્ષ બાદ આટલો શક્તિશાળી ચક્રવાત, 280 કિ.મી. ઝડપ, 6 લાખનું સ્થળાંતર

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
મેલિસા વાવાઝોડું: 174 વર્ષ બાદ આટલો શક્તિશાળી ચક્રવાત, 280 કિ.મી. ઝડપ, 6 લાખનું સ્થળાંતર 1 - image
Representative image

Hurricane Melissa: કેરેબિયન ક્ષેત્રમાં ભયાનક વાવાઝોડું 'મેલિસા' ત્રાટકવાની તૈયારમાં છે. છેલ્લા 174 વર્ષોમાં સૌથી ખતરનાક ગણાતું આ વાવાઝોડું મંગળવારે (28મી ઑક્ટોબર) જમૈકાના કિનારા પર ત્રાટકશે. આ વાવાઝોડું દક્ષિણ દિશામાંથી જમૈકાને પાર કરીને ઉત્તર તરફ આગળ વધશે.

280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ

હાલમાં મેલિસા વાવાઝોડું કિંગ્સ્ટનથી લગભગ 150 માઇલ દૂર છે અને 280 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન સાથે આગળ વધી રહ્યું છે. જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસે દેશવાસીઓને સૂચના આપી છે કે, 'કોઈ પણ ઇમારત તેના બળનો સામનો કરી શકશે નહીં. હવે ફક્ત તે ઝડપથી પસાર થાય તેની રાહ જોવાનું બાકી છે.'

જમૈકામાં તબાહીના સંકેત

વાવાઝોડાના આગમન પહેલાં જ જમૈકામાં નુકસાનના અહેવાલો મળવાનું શરુ થઈ ગયું છે. દેશના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન, ઝાડ પડી જવા અને વીજળી ગુલ થવાના બનાવો નોંધાયા છે. દક્ષિણ વિસ્તારમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાની હૉસ્પિટલો જોખમમાં મૂકાઈ શકે છે. સુરક્ષાના ભાગરૂપે દર્દીઓને હૉસ્પિટલના ઉપરના માળે ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં આ વાવાઝોડાને કારણે કેરેબિયન ક્ષેત્રમાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જમૈકામાં ત્રણ, હૈતીમાં ત્રણ અને ડોમિનિકન રિપબ્લિકમાં એક વ્યક્તિ હજી પણ ગુમ છે.

આ પણ વાંચો: અમેરિકા જવા-આવવાના નિયમોમાં ફેરફાર, ગ્રીન કાર્ડ ધારકો પર પણ લાગુ થશે નવી સિસ્ટમ

લોકોને કરવા સ્થળાંતરના આદેશ

સરકાર દ્વારા સ્થળાંતરના આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, ઘણાં લોકો તેમના ઘરો અને માલમિલકત ગુમાવવાના ડરથી ઘરની અંદર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. એક ફેડરલ મંત્રીએ લોકોને સ્વચ્છ પાણી બચાવવા માટે વિનંતી કરી છે, કારણ કે વાવાઝોડા બાદ પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે છે.

જમૈકાને અસર કર્યા બાદ વાવાઝોડું મેલિસા મંગળવારે (28મી ઑક્ટોબર) મોડી રાતે પૂર્વી ક્યુબામાં ત્રાટકશે. ક્યુબામાં 600,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં 20 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી છે. ત્યારબાદ આ વાવાઝોડું બહામાસ તરફ આગળ વધશે. હાલમાં હૈતી અને ડોમિનિકન રિપબ્લિકમાં પણ ભારે વરસાદ ચાલુ છે.

Tags :