એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO, એરલાઇન્સ ક્ષેત્રના ગણાય છે દિગ્ગજ
Images Sourse: instagram |
Air New Zealand CEO Nikhil Ravishankar: ભારતની બીજી સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયાએ પોતાના બિઝનેસની કમાન ન્યૂઝીલેન્ડના કેમ્પબેલ વિલ્સનને સોંપી દીધી છે, ત્યારે હવે ન્યૂઝીલેન્ડની સૌથી મોટી એરલાઇન એર ન્યૂઝીલેન્ડે તેની કમાન ભારતીય મૂળના નિખિલ રવિશંકરને સોંપી છે. એર ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી છે કે નિખિલ રવિશંકરને 20મી ઓક્ટોબર 2025થી કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનાવવામાં આવશે. કંપનીના વર્તમાન સીઈઓ ગ્રેગ ફોરનનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થઈ રહ્યો છે.
નિખિલ રવિશંકર એર ન્યૂઝીલેન્ડના ચીફ ડિજિટલ ઓફિસર છે
ભારતીય મૂળના નિખિલ રવિશંકર હાલમાં એર ન્યૂઝીલેન્ડના ચીફ ડિજિટલ ઓફિસર છે. અગાઉ તે સ્ટાર એલાયન્સ સાથે પણ સંકળાયેલા છે, જ્યાં તેમણે પાંચ વર્ષ સેવા આપી છે. આ ઉપરાંત તે ન્યૂઝીલેન્ડની એનર્જી ફર્મ વેક્ટર સાથે ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ જોડાયેલા હતા. નિખિલ રવિશંકર આઈટી કંપની એક્સેન્ચરના ન્યૂઝીલેન્ડ યુનિટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે એર ન્યૂઝીલેન્ડની કમાન પણ તેમના હાથમાં આવવાની છે.
એર ન્યૂઝીલેન્ડે એવા સમયે નિખિલ રવિશકરને કમાન સોંપી છે, જ્યારે તે ગ્લોબલ માર્કેટમાં સતત દબાણ છે અને ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. કંપનીના બોર્ડનું કહેવું છે કે 'અમે ક્યારેય કોઈ પણ મોટો નિર્ણયો લેવામાં અચકાતા નથી અને નિખિલ પાસે લીડરશીપ છે જે અમારી કંપની માટે જરૂરી છે. તેમનું વિઝન અમારી એરલાઇનને ગ્લોબલ માર્કેટમાં અગ્રણી સ્થાન અપાવવા માટે પૂરતું હશે.'
નિખિલ રવિશંકર કોણ છે?
ભારતીય નિખિલ રવિશંકરે અભ્યાસ પણ ન્યૂઝીલેન્ડમાં કર્યો છે. તેમણે ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ડિગ્રી મેળવી હતી અને પછી યુનિવર્સિટીના સ્ટ્રેટેજિક સીઆઈઓ પ્રોગ્રામ માટે મેન્ટોર તરીકે પણ કામ કર્યું હતું. તે યુનિવર્સિટીના ટેકનિકલ વિભાગના સભ્ય પણ છે અને ઓકલેન્ડ બ્લૂઝ ફાઉન્ડેશનની સમિતિના સલાહકાર પણ છે. ન્યૂઝીલેન્ડ પહેલા તે હોંગકોંગમાં એક્સેન્ચરના એમડી પણ હતા. આ ઉપરાંત કંપનીએ તેમને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં એમડી પણ બનાવ્યા હતા. તેમના પિતા ભારતીય મૂળના હતા, પરંતુ તે વર્ષોથી પરિવાર સાથે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.