અમેરિકામાં ભારતીય મૂળના પાયલટની વિમાનમાં જ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
(Representative Image) |
Indian Origin Delta Pilot Arrested: અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના બની છે. રવિવારે સવારે મિનિયાપોલિસથી આવેલી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ 2809 (બોઇંગ 757-300)ના લેન્ડિંગના 10 મિનિટની અંદર જ તેના પાયલટ, 34 વર્ષીય રૂસ્તમ ભગવાગરની ધરપકડ કરવામાં આવી હતી. રૂસ્તમ ભારતીય મૂળનો છે અને તેના પર બાળ જાતીય શોષણનો ગંભીર આરોપ છે.
પાયલટની ધરપકડ કેવી રીતે થઈ?
કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટી શેરિફ વિભાગના અધિકારીઓ અને હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન (HSI)ના એજન્ટએ વિમાન લેન્ડ થતાંની સાથે જ કોકપિટમાં દરોડો પાડ્યો હતો. યુએસના મીડિયા અહેવાલ મુજબ, મુસાફરો હજુ વિમાનમાંથી ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ આ ધરપકડ કરવામાં આવી હતી.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, વિમાન લેન્ડ થતાં જ ઓછામાં ઓછા 10 HSI એજન્ટ વિમાનમાં ચઢી ગયા અને પાયલટને પકડી લીધો. ભગવાગરની ધરપકડ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકના જાતીય શોષણના આરોપમાં થઈ હતી.
ડેલ્ટા એરલાઇન્સની પ્રતિક્રિયા
આ ઘટના અંગે ડેલ્ટા એરલાઇન્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, અમે આ ઘટનાથી સ્તબ્ધ છીએ. કંપનીએ સ્પષ્ટ કર્યું કે અમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રત્યે કોઈ સહનશીલતા નથી રાખતા. આરોપી પાયલટને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: લંડનમાં ખુલ્લેઆમ ચાકુબાજીની ચોંકાવનારી ઘટના, બેના મોત, આરોપી પણ ગંભીર રૂપે ઘવાયો
કો-પાયલટે આશ્ચર્ય વ્યક્ત કર્યું
રૂસ્તમ ભગવાગરના કો-પાયલટે જણાવ્યું કે, હું આ ધરપકડથી આશ્ચર્યચકિત હતો અને મને આ વિશે કોઈ જાણકારી નહોતી. મને આ વિશે એટલા માટે જણાવવામાં આવ્યું નહોતું કારણ કે એજન્ટને ડર હતો કે ક્યાંક હું ભગવાગરને આની સૂચના આપી ન દઉં, જેથી તેને ભાગવાનો કોઈ મોકો ન મળે.