લંડનમાં ખુલ્લેઆમ ચાકુબાજીની ચોંકાવનારી ઘટના, બેના મોત, આરોપી પણ ગંભીર રૂપે ઘવાયો
London Stabbing Incident: યુકેના લંડનમાં આવેલા બર્મોન્ડસી ખાતે એક કોમર્શિયલ પરિસરમાં ચાકુબાજીની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ છે. મેટ્રોપોલિટન પોલીસને આ અંગે સોમવારે બપોરે એક વાગ્યે માહિતી મળી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર, આ ચાકુબાજીમાં એક 58 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જ્યારે 27 વર્ષીય યુવકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. અન્ય એક 30 વર્ષીય યુવકને પણ સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે 30 વર્ષીય આરોપીની અટકાયત કરી હતી. જે પણ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. લંડન એમ્બ્યુલન્સ સેવાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ ક્રૂ, પેરામેડિક્સ, ઈન્સિડન્ટ રિસ્પોન્સ ઓફિસર્સ, કમાન્ડ સપોર્ટ વ્હિકલ અને ટેક્નિકલ રિસ્પોન્સ યુનિટ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી.
તપાસ શરૂ
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના આતંકવાદ સંબંધિત લાગી રહી નથી. અમે પ્રારંભિક ધોરણે ઘટના પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ. ડિટેક્ટિવ ચીફ સુપરિટેન્ડન્ટ એમ્મા બોન્ડે જણાવ્યું કે, અમારી તપાસ પ્રારંભિક તબક્કામાં છે. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ સમજવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ આ ઘટના આતંકવાદ સંબંધિત નથી. અન્ય જનતા પર કોઈ જોખમ નથી. ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી છે. તેમજ પ્રત્યક્ષદર્શીઓની જુબાની લઈ રહ્યા છે.
વિદેશમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના વધી
અમેરિકાના ન્યૂયોર્કમાં પણ આજે ગોળીબારની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કરી ચાર લોકોની હત્યા કરી હતી. જેમાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. બાદમાં આરોપીએ પોતે પણ ગોળી મારી આપઘાત કર્યો હતો. અમેરિકામાં આ વર્ષે 254 વખત ખુલ્લેઆમ ગોળીબારની ઘટના બની છે.
આ સિવાય થાઈલેન્ડમાં પણ ગોળીબાર થયો હતો. બેંગકોકમાં ઓર-તોસ્કોર માર્કેટમાં અચાનક એક હુમલાખોરે આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં ચાર સિક્યુરિટી ગાર્ડ્સ માર્યા ગયા હતાં. એક મહિલાનું પણ મોત નીપજ્યું હતું. બાદમાં અહીં પણ હુમલાખોરે પોતે ગોળી મારી આપઘાત કર્યો હતો.