તાત્કાલિક તેહરાન છોડો, એડ્રેસ-ફોન નંબર આપો: ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Image |
Iran-Israel Conflict: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારતીય દૂતાવાસે મંગળવારે (17મી જૂન) તેહરાનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓ (PIO)ને શહેર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરી છે. આ ઉપરાંત ભારતીય દૂતાવાસે તેહરાનમાં રહેલા એવા ભારતીયોને પણ સૂચના આપી છે જે સંપર્ક નથી, તેમને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા કહ્યું છે.
તેહરાનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા
ભારતીય દૂતાવાસે ઈરાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને જણાવ્યું હતું કે, 'તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. અન્ય ભારતીય નાગરિકોને પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક ભારતીયોને આર્મેનિયા સરહદ દ્વારા ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે. શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે દૂતાવાસે લોકો સાથે સતત સંપર્કમાં છે.'
હેલ્પલાઇન નંબર જાહેર
સોશિયલ મીડિયા પ્લેટપોર્મ 'X' પર ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું કે, 'તેહરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને તેમનો ફોન નંબર અને એડ્રેસ +989010144557; +989128109115; +989128109109 નંબર પર મોકલવામાં આવે.' આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'ઈઝરાયલ અને ઈરાન બંનેમાં 24×7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.'
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને આપી ધમકી
ઈઝરાયલે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી તે બાદથી જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કહ્યું હતું કે, 'ઈરાન પાસે હજુ પણ એક મોકો છે, એ અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરે નહીંતર હજુ પણ ભયાનક હુમલા થશે.' હવે તે કહી રહ્યા છે કે, ઈરાનનો પરાજય નિશ્ચિત છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી લખ્યું, 'મેં ઈરાનને પહેલા જ ડીલ કરી લેવા કહ્યું હતું. સામાન્ય શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોઈ શકે. મેં વારંવાર કહ્યું. સૌ કોઈ તાત્કાલિક તેહેરાન ખાલી કરે.'
ઈઝરાયલે અને ઈરાન વચ્ચે યુદ્ધની શરૂઆત ક્યાંથી થઈ?
અગાઉ ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો જેમાં ઈરાનના 20 ટોચના કમાન્ડર સહિત 75થી વધુ લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ઈરાનની આર્મી તથા એરફોર્સના ચીફ પણ સામેલ છે. ઈરાનના છ વિજ્ઞાનીઓએ પણ જીવ ગુમાવ્યા. ઈઝરાયલ દ્વારા ઈરાન પર કુલ પાંચ તબક્કામાં હુમલો કરાયો હતો. જેને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું. નોંધનીય છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે અને અહેવાલો અનુસાર તેમને સફળતા પણ મળી રહી હતી. એવામાં અમેરિકા અને ઈઝરાયલ નથી ઇચ્છતા કે ઈરાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ બને.









