VIDEO: અબજોપતિ હોવા છતાં જાહેર બસમાં મુસાફરી, ભારતીય ઉદ્યોગપતિનો વીડિયો વાઇરલ

Indian Billionaire MA Yusuff Ali: લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને ભારતીય અબજોપતિ એમ.એ. યુસુફ અલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દુબઈમાં એક જાહેર બસમાં મુસાફરી કરતા જોવા મળે છે. અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા હોવા છતાં તેમની આ સાદગીની લોકો જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
ડ્રાઇવર સાથે હાથ મિલાવ્યો, મુસાફરો સાથે ઉષ્માભર્યું વર્તન
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં યુસુફ અલી બસમાં ચઢતાની સાથે જ ડ્રાઇવર સાથે હાથ મિલાવીને ઉષ્માભર્યો વ્યવહાર કરતા જોવા મળે છે. તેઓ ડ્રાઇવરને હિન્દીમાં પૂછે છે, 'તમે કેમ છો? તમે ઠીક છો?' ત્યારબાદ તેઓ બસમાં અન્ય મુસાફરો સાથે પણ મૈત્રીપૂર્ણ વર્તન કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમની સાદગીથી પ્રભાવિત થયા છે અને તેમને 'સૌથી સાદા અબજોપતિ' કહીને વખાણી રહ્યા છે.
અગાઉ પણ, યુસુફ અલી તેમના મૃત્યુ પામેલા કર્મચારી શિહાબુદ્દીનની અંતિમયાત્રા લઈને જતા હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેનાથી પણ તેમની માનવતા ચર્ચામાં આવી હતી.
કોણ છે એમ.એ. યુસુફ અલી?
એમ.એ. યુસુફ અલી વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમનું લુલુ ગ્રુપ વિશ્વભરમાં 256થી વધુ લુલુ હાઇપરમાર્કેટ અને શોપિંગ મોલનું સંચાલન કરે છે. સાદગી અને કર્મચારીઓ પ્રત્યેના પ્રેમને કારણે યુસુફ અલી ભારતીય અને વિદેશી સમુદાયમાં લોકપ્રિયતા ધરાવે છે.

