'ભારત બે મહિનામાં Sorry બોલવા લાગશે...' ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીએ ઝેર ઓક્યું, 3 શરતો મૂકી
Donald Trump News : એક તરફ જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પના ભારતને લઈને મિજાજ ઢીલાં પડી રહ્યા છે ત્યારે તેમની સરકારમાં સામેલ મંત્રીઓ ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યા છે. આ વખતે વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું કે, ભારત અમેરિકાના દબાણ હેઠળ આવી જશે. તે લાંબા સમય સુધી અમેરિકાની અવગણના નહીં કરી શકે.
લુટનિકે આપી ચેતવણી
રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પર રોક લગાવવા અંગે લુટનિકે ચેતવણી આપી હતી કે, જો ભારત તેનું વલણ નહીં બદલે તો તેની નિકાસ પર અમેરિકા દ્વારા 50% સુધી ભારે ટેરિફ ઝીંકવામાં આવી શકે છે. તેમણે કેનેડા અને અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જવાબી કાર્યવાહી કરવાથી હંમેશા નાના અર્થતંત્રએ જ નુકસાન વેઠવું પડે છે.
ટ્રમ્પના સહાયકે ઝેર ઓક્યું
ટ્રમ્પના સહાયકના મતે ભારતનું કડક વલણ લાંબો સમય ટકશે નહીં. તેમણે કહ્યું કે શરૂઆતમાં મોટા ગ્રાહક સામે બાથ ભીડવામાં મજા આવે છે. પરંતુ અંતે વેપારી વર્ગ અમેરિકા સાથે સમાધાન ઇચ્છશે. લુટનિકે દાવો કર્યો હતો કે ભારત એક કે બે મહિનામાં વાટાઘાટોના ટેબલ પર પાછું આવશે. તે માફી માંગશે અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરશે. લુટનિકે વધુમાં કહ્યું કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ જ નિર્ણય કરશે કે તેમણે વડા પ્રધાન મોદી સાથે કેવી રીતે વર્તન કરવું. ટ્રમ્પ પ્રમુખ છે અને આ નિર્ણય તેમના ટેબલ પર રહેશે.
આ પણ વાંચોઃ યુરોપીયન પંચનો ગૂગલને 3.5 અબજ ડોલરનો દંડ, અઢી વર્ષથી ચાલતા એન્ટી ટ્રસ્ટ કેસમાં કાર્યવાહી
ભારતે કઈ શરતો માનવી પડશે
લુટનિકે કહ્યું કે 50% અમેરિકન ટેરિફ ટાળવા માટે ભારતે ત્રણ શરતો સ્વીકારવી પડશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતે કાં તો અમેરિકા સાથે ગઠબંધન કરવું પડશે અથવા બ્રિક્સ દ્વારા રશિયા અને ચીન સાથે સંબંધો મજબૂત કરવાનો માર્ગ પસંદ કરવો પડશે. ભારત પોતાનું બજાર ખોલવા માંગતું નથી. બીજી બાજુ ભારતે રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરવું પડશે. અને બ્રિક્સમાં પણ જોડાવાનું બંધ કરવું પડશે.