યુરોપીયન પંચનો ગૂગલને 3.5 અબજ ડોલરનો દંડ, અઢી વર્ષથી ચાલતા એન્ટી ટ્રસ્ટ કેસમાં કાર્યવાહી
Google News : અમેરિકન ટેકનોલોજી કંપની ગૂગલની માઠી દશા બેઠી લાગે છે. અમેરિકન કોર્ટે જાસૂસી બદલ કંપનીને કરોડો ડોલરનો દંડ ફટકાર્યો તો હવે યુરોપીયન યુનિયને સ્પર્ધાત્મકતાના નિયમોના ભંગ બદલ ગૂગલને 3.5 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. પોતાની જ ડિજિટલ એડર્વટાઇઝિંગ સર્વિસની તરફેણ કરીને સ્પર્ધાના નિયમોનો ભંગ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે યુરોપીયન યુનિયન દ્વારા ગૂગલને ફટકારવામાં આવેલી ચોથી એન્ટિ ટ્રસ્ટ પેનલ્ટી છે. યુરોપીયન યુનિયન આ સિવાય ગૂગલને આદેશ આપ્યો છે કે તે એડર્વટાઇઝિંગ ટેકનોલોજી સપ્લાય ચેઇનમાં સેલ્ફ પ્રેફરન્સિંગની અયોગ્ય કાર્યપ્રણાલિનો અંત લાવે અને હિતોના સંઘર્ષને અટકાવવા પગલાં લે.
ગૂગલે જણાવ્યું હતું કે આ નિર્ણય ખોટો છે અને તે તેની સામે અપીલમાં જશે. કંપનીના ગ્લોબલ હેડ લી એન મુહોલેન્ડે જણાવ્યું હતું કે તેમને ફટકારવામાં આવેલો દંડ અયોગ્ય છે અને તેમા ફેરફારની જરૂર છે. તેના કારણે હજારો યુરોપીયન કારોબારોને અસર થશે અને તેમના માટે નાણા રળવા મુશ્કેલ બનશે. યુરોપીયન પંચે ગૂગલ સામે લગભગ અઢી વર્ષથી ચાલતા એન્ટિ ટ્રસ્ટ કેસના આરોપની સુનાવણી પછી આ નિર્ણય લીધો છે. હવે ગૂગલ તેને કોર્ટમાં કઈ રીતે પડકારે છે તે જોવાનું રહેશે. આમ ડિજિટલ એડર્વટાઇઝિંગ અને અયોગ્ય ધંધાકીય કાર્યપ્રણાલિને લઈને ગૂગલને એક પછી એક દેશોમાં દાંડનો સામનો કરવાનો આવી રહ્યો છે.
ગૂગલને સ્માર્ટફોનમાં જાસૂસી ભારે પડી 42.57 કરોડ ડોલર ચૂકવવા આદેશ
અમેરિકાની ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલને સ્માર્ટફોનમાં જાસૂસી ભારે પડી ગઈ છે. ફેડરલ જ્યુરીએ તેને આ માટે વળતર પેટે 42.57 કરોડ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગૂગલે લગભગ એક દાયકા સુધી અમેરિકનોના સ્માર્ટફોનમાં ઘૂસણખોરી કરીને તેમની માહિતી તેમને પૂછ્યા વગર ચોરીને બજારમાં વેચીને ગેરકાયદેસર રીતે અબજો ડોલર રળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટે આપેલો ચુકાદો બે સપ્તાહ કરતાં વધુ સમયથી ચાલેલા ટ્રાયલ પછી આપ્યો હતો. તેમા પહેલી જુલાઈ 2016 થી 23 સપ્ટેમ્બર 2024 સુધીના 9.8 કરોડ સ્માર્ટફોનમાં ગૂગલે જાસૂસી કરી હોવાનો આરોપ હતો. આનો અર્થ એમ થાય કે કોર્ટે ગૂગલ સામે ચાલતા કેસમાં પ્રતિ ડિવાઇસ દીઠ ચાર ડોલરનું વળતર જ મળશે.
ગૂગલે તેની સાથે સંકળાયેલા કોઈની પણ ગેરકાયદેસર રીતે જાસૂસી કરી હોવાના આક્ષેપને નકારી કાઢ્યો છે. ગૂગલે જણાવ્યું હતું કે તે લોકોની પ્રાઇવસીનો આદર કરે છે. આઠ જજની જ્યુરીનું તારણ હતું કે ગૂગલે જાસૂસી કરીને કેલિફોર્નિયાના પ્રાઇવસી લોનો ભંગ કર્યો છે, છતા કંપની પોતાની વાત પર અડગ રહી હતી કે તેણે કોઈને પણ તેની મરજી વિરુદ્ધ જાસૂસી કરી નથી અને તે અમેરિકનોની પ્રાઇવસીનું સન્માન કરે છે.
ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ચુકાદો અમારી પ્રોડક્ટની કામગીરી અંગેની ગેરસમજ દર્શાવે છે અને અમે તેની સામે અપીલ કરીશું. અમારું પ્રાઇવસી ટૂલ્સ વ્યક્તિને ડેટા પર પૂરેપૂરો કંટ્રોલ આપે છે. જ્યારે પણ વ્યક્તિ પર્સનલાઇઝેશન પસંદ કરે છે ત્યારે ગૂગલ તેની પ્રાઇવસીનું સન્માન કરે છે.
ગૂગલ સામે કેસ ફાઇલ કરનારા વકીલોની દલીલ છે કે કંપનીએ સ્માર્ટફોનના ડેટાનો ઉપયોગ તેની વ્યક્તિની મંજૂરી વગર તેની પાસેથી એકત્રિત કર્યો છે અને તેના દ્વારા તેને યુઝર્સને એડ વેચવામાં મદદ મળી છે.
આ વ્યૂહરચના દ્વારા કંપનીેએ અબજો ડોલર રળ્યા છે. વકીલોએ ગૂગલની આ પ્રકારની એડ સેલ્સને ગેરકાયદેસર રીતે કમાયેલો નફો કહ્યો હતો અને તેના નુકસાન વળતર પેટે ૩૦ અબજ ડોલરના વળતરની માંગ કરી હતી. આ વકીલો પણ માને છે કે તેઓની અપેક્ષાના પ્રમાણમાં તેમને અત્યંત ઓછું વળતર મળ્યું છે.