India vs China GDP Comparison: ભારત અને ચીન બંને વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા દેશો છે. આ બંને દેશની વસ્તી લગભગ 1.4 અબજ આસપાસ છે. 1960ના દાયકામાં બંને દેશોની આર્થિક સ્થિતિ લગભગ સમાન હતી. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર, 1960માં ભારતની માથાદીઠ આવક $84 હતી, જ્યારે ચીનની $89 હતી. પરંતુ 1980માં ભારતની માથાદીઠ આવક $582 હતી, જે ચીનની માથાદીઠ આવક $307 કરતા લગભગ બમણી હતી. તે સમયે ચીનને આજના આફ્રિકાના ગરીબ દેશો જેવો ગણાતો હતો, જ્યારે ભારત આર્થિક સૂચકાંકોમાં આગળ હતું. જો કે, છેલ્લા ચાર દાયકામાં ચિત્ર બદલાઈ ગયું. આર્થિક હરણફાળ ભરીને ચીન મહાસત્તા બની ગયું અને ભારત એની પાછળ રહી ગયું. ચાલો, જાણીએ કે કયા કારણોસર સમૃદ્ધિની સફરમાં ભારત ચીન સામે ધીમું પડી ગયું.
વર્તમાન આર્થિક તુલના સમજવા જેવી છે
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ 2025ના આંકડા કહે છે કે, ચીનની માથાદીઠ આવક $13,806 છે, જ્યારે ભારતની માત્ર $2,878 છે. રૂપિયામાં જોઈએ તો, ચીની નાગરિકની વાર્ષિક આવક આશરે ₹12.5 લાખ છે, જ્યારે ભારતીયની ફક્ત ₹2.6 લાખ. ચીનનો કુલ GDP $19,232 અબજ છે, જે ભારતના $4,187 અબજ કરતા 4.6 ગણો છે. પરચેઝિંગ પાવર પેરિટી (Purchasing Power Parity- PPP)ના આધારે કહીએ તો ચીનનું જીડીપી $40,716 અબજ છે, જે ભારતના $17,647 અબજ કરતા 2.3 ગણો છે. આ તફાવત ચીનની ઝડપી ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક વેપારમાં મજબૂતીને કારણે છે.
પરચેઝિંગ પાવર પેરિટી એટલે શું?
પરચેઝિંગ પાવર પેરિટી એટલે ખરીદ શક્તિ સમાનતા. આ અર્થશાસ્ત્રીય પદ્ધતિ દેશોની અર્થવ્યવસ્થાની તુલના કરતી વખતે માત્ર ચલણના વિનિમય દર પર નહીં પરંતુ દરેક દેશમાં પૈસાથી કેટલી વસ્તુઓ ખરીદી શકાય છે તે આધારે મૂલ્યાંકન કરે છે.
ઉદાહરણ તરીકે, ભારતમાં ₹100માં ભરપેટ ભોજન મળી શકે છે. અમેરિકામાં એના માટે $15-20 (₹1400-1800) રૂપિયા જોઈએ. એટલે કે ભારતમાં પૈસાની ખરીદ શક્તિ વધારે છે. પરચેઝિંગ પાવર પેરિટી એ બતાવે છે કે કોઈ દેશના લોકો પોતાના પૈસાથી ખરેખર કેટલું ખરીદી શકે છે. ચીન આ મુદ્દે દુનિયામાં પહેલે નંબરે છે, અમેરિકા કરતાં પણ આગળ.
ચીનના આર્થિક સુધારા અને તેની અસર
1978માં ડેંગ ઝિયાઓપિંગના નેતૃત્વમાં ચીને 'રિફોર્મ અને ઓપનિંગ અપ' નીતિ અપનાવી.
- કૃષિમાં સામૂહિક ખેતીને બદલે ‘ઘરગથ્થુ જવાબદારી પ્રણાલી’ લાગુ કરાઈ, જેમાં જમીન સામૂહિક માલિકીની રહે છે પરંતુ ખેતીની જવાબદારી અને લાભ (વારાફરતી) પરિવાર આધારિત હોય છે. એ લાગુ કરાતાં ગ્રામીણ આવક પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ.
- ખાસ આર્થિક ક્ષેત્રો એટલે કે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZs) બનાવવામાં આવ્યા. જેમ કે, શેનઝેન. આ તમામ ઝોનમાં વિદેશી રોકાણને આમંત્રણ અપાયું.
- ચીને મોટા પાયે ઉત્પાદન, માળખાગત વિકાસ અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિણામે, તેનો GDP વૃદ્ધિ દર 8%થી વધુ રહ્યો. 2000 સુધીમાં ચીન વિશ્વની મુખ્ય આર્થિક શક્તિ બની ગયું. આ સુધારાએ શહેરીકરણને વેગ આપ્યો, જે 1980માં 19% હતું, આજે 60%થી વધુ થઈ ગયું છે.
ભારતના આર્થિક સુધારા અને તેની મર્યાદાઓ
ભારતે 1991માં પી. વી. નરસિંહ રાવ અને મનમોહન સિંહના નેતૃત્વમાં આર્થિક સુધારા શરૂ કર્યા, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ (LPG - Liberalization, Privatization, Globalization) સમાવિષ્ટ હતા. ઔદ્યોગિક લાઇસન્સિંગ ઘટાડવામાં આવ્યું, વિદેશી રોકાણને મંજૂરી અપાઈ અને આયાત ડ્યુટી ઘટાડવામાં આવી. તેનાથી જીડીપી 1997માં 7.5% સુધી પહોંચી ગયું. જો કે, ભારતના સુધારા ચીન કરતા 13 વર્ષ મોડા શરૂ થયા અને રાજકીય અસ્થિરતા તેમજ ધીમા અમલના કારણે આર્થિક પ્રગતિ ધીમી રહી. ભારતે સેવા ક્ષેત્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે ચીને ઉત્પાદન અને માળખાગત પર.
ગરીબી નિર્મૂલનમાં તફાવત અને તેના કારણો
- 1981માં ચીનની 88% વસ્તી ગરીબીમાં જીવતી હતી, જે આજે લગભગ શૂન્ય છે. 1978 થી 2015 સુધીમાં ચીને 80 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. તેનું કારણ ઝડપી ઔદ્યોગિક વિકાસ અને વસ્તી નિયંત્રણ છે. ભારતમાં 2004માં 38% ગરીબી હતી, જે 2011માં ઘટીને 21% થઈ, પરંતુ હજુ પણ 20% જેટલી વસ્તી ગરીબ છે.
- સંસાધનોની વહેંચણી અને શિક્ષણમાં ચીન સમાનતા લાવ્યું, જેથી વિકાસ વધુ વ્યાપક બન્યો, લોકોની આવક વધી અને એની સીધી અસર ગરીબી-નાબૂદી પર પડી. ભારતમાં આવક, શિક્ષણ, જમીન, સામાજિક સ્થિતિ અને વિકાસની તકોની વહેંચણી અસમાન હોવાથી ગરીબી ઓછી થઈ, પણ નાબૂદ ન થઈ.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો સાથે તુલના
- ભારતના પડોશીઓમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની તુલના કરીએ, તો 1962માં ભારતની માથાદીઠ આવક એ બંને દેશ કરતા વધુ હતી. આજે બાંગ્લાદેશની માથાદીઠ આવક $2,960 (2.66 લાખ રૂપિયા) છે, ભારત કરતાં વધારે!
- 1971માં પાકિસ્તાન બાંગ્લાદેશ કરતા 70% ધનિક હતું, પરંતુ આજે બાંગ્લાદેશ પાકિસ્તાન કરતા 45% આગળ છે, જેનું કારણ છે બાંગ્લાદેશનો નિકાસ-આધારિત ટેક્સ્ટાઇલ ઉદ્યોગ અને એમાં મહિલા કર્મચારીઓની વધુ ભાગીદારી છે.
- પાકિસ્તાનની માથાદીઠ આવક $1,543 (1.38 લાખ રૂપિયા) છે, જે રાજકીય અસ્થિરતા અને ધીમા વિકાસને કારણે ઘટી છે.
- ચીનનું જીડીપી ભારતના પાડોશીઓના કુલ જીડીપીથી 4 ગણું છે! પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભુતાન, માલદીવ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનનું કુલ જીડીપી $4–5 ટ્રિલિયન છે, જ્યારે એકલા ચીનનું જીડીપી $19 ટ્રિલિયન છે.
ભારતે ચીન પાસેથી શું શીખવા જેવું છે?
- ચીનની સફળતા મુખ્યત્વે તેની એકપક્ષીય રાજકીય વ્યવસ્થા, ઝડપી નિર્ણયો અને માળખાગત રોકાણમાં છે. તેણે વિદેશી રોકાણ આકર્ષવા માટે ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું, જ્યારે ભારતમાં લોકશાહી અને બ્યુરોક્રસીને કારણે સુધારા થયા, પણ ધીમા. ભારતે હવે આ દિશામાં કામ કરવું રહ્યું.
- ચીને વસ્તી નિયંત્રણ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારત આ બંને મુદ્દે આજેય પાછળ છે.
- ઝડપી પ્રગતિ માટે ભારતે માળખાગત, શિક્ષણ અને ઉત્પાદનમાં રોકાણ વધારવું જોઈએ. ફક્ત ચીન જ નહીં, બાંગ્લાદેશ જેવા પડોશી પાસેથી શીખીને ઉદ્યોગોમાં મહિલા ભાગીદારી અને નિકાસ વધારવા જરૂરી છે.


