ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: USTRએ બતાવી લીલી ઝંડી, હવે ટ્રમ્પની મંજૂરીની રાહ
India-US trade deal : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ હવે છેલ્લા તબક્કા પર પહોંચી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં તેને મંજૂરી મળી શકે છે. બંને દેશો પોતપોતાની વાત મૂકી ચૂક્યા છે અને ટેરિફ સહિત તમામ મુદ્દાને લઈને વાતચીત કરી છે. એક રિપોર્ટ મુજબ, હવે ટ્રેડ ડીલ મામલે ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની અંતિમ મંજૂરીની રાહ છે.
USTRએ બતાવી લીલી ઝંડી
લાઇવમિન્ટના રિપોર્ટ મુજબ, અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ જૈમીસન ગ્રીર (USTR)દ્વારા સર્મથન કર્યા બાદ ટ્રેડ ડીલ થવાનું લગભગ નક્કી છે. પરંતુ અંતિમ નિર્ણય તો ટ્રમ્પની મંજૂરી પર આધાર રાખે છે. ભારતીય વાટાઘાટકારોએ કૃષિ અને ડેરી જેવા મુખ્ય ક્ષેત્રો સિવાય તમામ સેક્ટર પર ટેરિફ વિશે વાત કરી છે. ભારત કોઈપણ કિંમતે કૃષિ અને ડેરી સેક્ટરમાં સમાધાન કરવા માંગતું નથી.
હવે ટ્રમ્પની મંજૂરીની રાહ
મળતી માહિતી મુજબ, ભારત-અમેરિકા દ્વિપક્ષીય વ્યાપાર કરારના પહેલા તબક્કાને હવે ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની રાહ છે. કરારને લઈને આ મંજૂરી મહત્ત્વપૂર્ણ ગણાશે અને તેનાથી વ્યાપાર સંબંધોમાં ઘણો સુધારો થવાની શક્યતા છે.
શરતો પર ચાલી રહી છે ટ્રેડ ડીલ
બંને દેશો વચ્ચેની વાટાઘાટો શરતોના આધારે થઈ રહી છે. ભારત વધુ સારી બજાર પહોંચ અને ઓછા ટેરિફ દ્વારા તેના કૃષિ અને ડેરી ક્ષેત્રોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જો આ કરાર મંજૂર થાય છે, તો વેપારના દૃષ્ટિકોણને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે. જેનાથી બંને દેશોને આર્થિક લાભ થશે.
આ પણ વાંચો: અમેરિકામાં આભ ફાટ્યું: 10 ઈંચ વરસાદ બાદ ટેક્સાસમાં પૂર, 24ના મોત અને 20 યુવતીઓ ગુમ
અમેરિકાની માગ છે કે, અમેરિકાને મોટું બજાર મળે તે માટે ભારત એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટ્સની આયાત પર ટેરિફને ઓછા કરે. આ ઉપરાંત, અમેરિકા ઓટો અને અન્ય સેક્ટર્સ પર પણ ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. જ્યારે ભારતની શરત છે કે, તે કોઈપણ પ્રકારે પોતાની એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટ્સ સાથે સમજૂતી નહીં કરે. ભારત માગ કરી રહ્યું છે કે, અમેરિકા 26 ટકા ટેરિફ ઘટાડીને 10 ટકા અથવા તેનાથી પણ ઓછો કરે.