Get The App

અમેરિકામાં આભ ફાટ્યું: 10 ઇંચ વરસાદ બાદ ટેક્સાસમાં પૂર, 24ના મોત અને 20 યુવતીઓ ગુમ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
US Texas Floods


US Texas Floods: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રાતોરાત આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કુદરતી આપતીમાં 24 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે. જેમાં 20 જેટલી યુવતીઓ છે, જે ત્યાં સમર કેમ્પમાં ભાગ લેવા માટે આવી હતી. બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર 1 કલાકમાં 26 ફૂટ વધી ગયું

મીડિયા રિપોર્ટ અનુસાર, 4 જુલાઈના રોજ એટલે કે શુક્રવારે ટેક્સાસના કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ભારે વરસાદના કારણે ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર એક કલાકથી ઓછા સમયમાં 26 ફૂટ (7.9 મીટર) વધી ગયું હતું. જેથી જાન-માલને ભારે નુકસાન થયું. 

પૂરનું કારણ શું છે?

પ્રારંભિક અહેવાલો અનુસાર, ભારે વરસાદ આ પૂરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકન મીડિયા અહેવાલ મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ 1.8 ટ્રિલિયન ગેલન પાણી પડ્યું હતું.

કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ 8 ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધી ગયું. 

237 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ 

બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 237 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમાંથી 167 લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે. જોકે ભારે વરસાદના કારણે 24 લોકોના મોત પણ થયા છે. રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. જોકે, મૃત્યુઆંક વધી શકે છે.

અમેરિકામાં આભ ફાટ્યું: 10 ઇંચ વરસાદ બાદ ટેક્સાસમાં પૂર, 24ના મોત અને 20 યુવતીઓ ગુમ 2 - image

Tags :